Gujarat Exclusive > દેશ-વિદેશ > જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સેનાને મોટી સફળતા, 24 કલાકમાં 9 આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સેનાને મોટી સફળતા, 24 કલાકમાં 9 આતંકવાદીઓ ઠાર

0
412

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં રવિવારે સેનાને મોટી સફળતા હાથ લાગી છે. જ્યાં શોપિયાં જિલ્લામાં છેલ્લા 24 કલાકની અંદર આતંકવાદીઓ વિરૂદ્ધ એક્શન લેતા 9 આતંકવાદીઓને ઠાર માર્યા છે. શોપિયાં જિલ્લાના પિંજૂરા વિસ્તારમાં સોમવારે સવારે થયેલી એક અથડામણમાં 4 આતંકવાદીઓને ઠાર માર્યા છે. અગાઉ રવિવારે પણ એન્કાઉન્ટરમાં અહીં 5 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.

આ અંગે જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા પ્રમાણે, પિંજૂરામાં આતંકવાદી ગતિવિધીઓની બાતમી મળી હતી. જે બાદ મોટા પ્રમાણમાં સેનાના જવાનો, CRPF અને SOGની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. આ દરમિયાન આતંકવાદીઓએ જંગલ વિસ્તારમાં ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જવાનોએ તેમને પડકાર્યા, તો તેમણે સામેથી ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. જેમાં જવાબી કાર્યવાહી દરમિયાન 3 કલાકના ઓપરેશન બાદ 4 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.

અગાઉ રવિવારે સર્જાયેલી અથડામણમાં હિજબુલ મુજાહિદ્દીનનો ટૉપ કમાન્ડર ફારૂક અહમદ ભટ્ટ પણ માર્યો ગયો છે. કહેવાય છે કે, બે અઠવાડિયા પહેલા કુલગામના યેરિપોરામાં થયેલી અથડામણમાં ફારૂક ફરાર થઈ ગયો હતો. જો કે ફારૂકના માર્યા જવાને લઈને સેના કે જમ્મુ-કાશ્મીર પોલીસ તરફથો કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું.

સુરક્ષાબળોને શોપિયાંના રેબન ગામમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમી મળી હતી. જે બાદ રવિવારે સવારે સેના અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ગામને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેવા સેનાના જવાનો આતંકવાદીઓ છુપાયા હોવાની જગ્યા પર પહોંચ્યા, ત્યારે તેમના પર આતંકીઓ દ્વારા ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું. હાલ ઠાર મારવામાં આવેલા આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. આ સાથે જ ગુપ્તચર એજન્સીઓ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓની ઘુસણખોરી દ્વારા ભારતના અનેક શહેરોમાં આતંકવાદી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ કરી રહી છે.

સંજય રાઉતની આલોચના બાદ સોનૂ સૂદે ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે સાથે કરી મુલાકાત