Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > મૂળદ જમીન પ્રકરણમાં નવો વળાંક, આત્મહત્યા કરનાર દુર્લભ પટેલના પરિજનોના નામે સાટાખત કરાયો હતો

મૂળદ જમીન પ્રકરણમાં નવો વળાંક, આત્મહત્યા કરનાર દુર્લભ પટેલના પરિજનોના નામે સાટાખત કરાયો હતો

0
146

સુરત: ઓલપાડ તાલુકાના મુળદ ગામની ટોચમર્યાદાવાળી સરકાર હસ્તક થયેલી સરકારી જમીન ખાનગી નામે કરવાના કિસ્સામાં પોલીસ ફરિયાદ થઈ હતી. જેમાં તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં આત્મહત્યા કરનારા દુર્લભ પટેલના ઘર સુધી રેલો પહોંચ્યો છે. પોલીસ તપાસમાં આ જમીનનો સાટાખત દુર્લભ પટેલના પુત્ર, પુત્રવધુ સહિત ચાર વ્યક્તિઓને નામ થયો હોવાનું સામે આવ્યું છે, જેને પગલે પોલીસે બન્ને કેસોમાં કોઈ કનેકશન છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં મુળદ ગામમાં આવેલી 45 વીંઘા સરકારી જમીન ખાનગી કરવાનું કૌભાંડ કરવાના ઇરાદે  2015માં નાયબ કલેક્ટરની બોગસ સહી અને બનાવટી સિક્કા વાપરી, હુકમ બનાવી સરકારી જમીનને ખાનગી કરવાનું કૌભાંડ ઝડપાયું હતું. જેમાં  મામલતદારે ઓલપાડ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. જેમાં જણાવાયુ હતું કે મુળદ ગામે ખાતા નંબર 322ના બ્લોક નંબર 190-અ 1.30.51 હેકટર, 190-બ પૈકી, 1-3.39.76 હેકટર, 222-4.80. 66 હેકટર તથા 282-0.63.74 હેકટર એટલે કુલ 45 વીઘા જમીનમાં નાયબ કલેકટર ઓલપાડ પ્રાંતની કોર્ટમાં હુકમ નંબર સિલીંગ અપીલ નંબર 09/2013 તારીખ 24/03/2015ના હુકમની નોધ હક્કપત્રક દાખલ કરવા હુકમની નોંધ કરવા મામલતદાર કચેરી ઇધરા શાખાને અરજી કરી હતી, જેથી ઇધરા શાખામાં તેની 30/06/2020ના રોજ કાચી નોધ પાડી હતી.

જે અરજી સાથે રજૂ કરેલ કાગળોની પ્રાથમિક તપાસ કરતા નાયબ કલેકટર ઓલપાડ પ્રાંતની કોર્ટના તા 24/03/2015ના હુકમની બે નકલો રજૂ કરી હતી. જેમાં એક નકલમાં ખરી નકલના સિક્કા કરેલા પરંતુ તેમાં સક્ષમ અધિકારીની સહી કરેલ નહીં. તપાસમાં સામે આવ્યું હતું કે જમીનનો સોદો પાડવા આરોપી હરીશ ચન્દ્રકાંત પટેલે ઓલપાડના જમીન દલાલ અબ્દુલ લતીફ નબી શેખને વારસાઈ સાથે એફિડેવીટ કરી આપી હતી. બાદમાં ઇસ્માઇલે સરકારી જમીન ખાનગી નામે કરી આપવાની તૈયારી બતાવવા સાથે રૂપિયા 3 કરોડની માંગણી કરી હતી.

આ પણ વાંચો: સુરતમાં કોરોના સંક્રમણ રોકવા પોલીસ કમિશનરે લીધો મહત્વનો નિર્ણય

જયારે 3 કરોડમાં ડીલ થતાં ઈસ્માઈલ શેખે તેને વર્ષ 2015ના પ્રાંત પી.જી. પટેલની સહી અને સિક્કાથી બનાવેલ હુકમની નકલ આપી હતી. તે નકલ અને હરીશની એફિડેવીટ સાથે રાખી અબ્દુલ લતીફે નકલમાં નોંધ પાડવા ઓલપાડ ઇધરા શાખા ખાતે અરજી કરી હતી. ઇધરા શાખાના નાયબ મામલતદાર ઈશ્વર પટેલને ખબર હોવા છતાં તેમણે અબ્દુલ શેખની મિટીંગ મામલતદાર નાગર માધુ ચૌહાણ સાથે કરાવ્યા બાદ મામલતદારને નોધ પાડવાની સત્તા ન હોવા છતાં પોતાના આઈડી થી કાચી નોધ પાડી હતી.

જયારે આ બાબત ઓલપાડ પ્રાંત આર.સી. પટેલ ને ધ્યાને આવતા તેમણે ખાતાકીય તપાસ કરાવી હતી. તત્કાલીન પ્રાંતની ખોટી સહી અને સિક્કાથી બનાવેલ બોગસ હુકમને આધારે કાચી નોધ પાડી કૌભાંડ થયાનું બહાર આવ્યું. આ મામલે તપાસ દરમિયાન બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: કોરોનાથી ક્યારે છુટકારો મળશે, ફરી ઉથલો મારે છે કે કેમ? આ અંગે જાણો ડૉ. કમલેશ ઉપાધ્યાય શું કહે છે

સમગ્ર મામલે ચાલી રહેલી તપાસ દરમિયાન નવો ખુલાસો એ થયો છે કે સહકારી અગ્રણી દુર્લભ પટેલનો પરિવાર આ કૌભાંડમાં સામેલ હોઈ શકવા છે. જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મૂળદ ગામની સરકારી જમીનનો સાટાખત દુર્લભભાઈ પુત્ર ધર્મેશ દુર્લભભાઈ પટેલ, બે પુત્રવધુ વૈશાલી ધર્મેશ પટેલ, રૂપલ જ્યંત પટેલ તથા હેંમત નટવરભાઈ પટેલના નામે કરવામાં આવ્યો હતો. જેના આધારે તેમના ઘરે દરોડા પાડી તપાસ કરવામાં આવી હતી. તપાસમાં સાટાખત મળી આવ્યા હતાં, ત્યારે કોને અને ક્યારે સાટાખત કર્યો હતો, તે અંગે હવે તપાસ કરવામાં આવી રહી છે. દુર્લભભાઈના જમાઈ હેંમત પટેલની અટકાયત કરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે મૂળદ જમીન પ્રકરણ અને દુર્લભ પટેલ આત્મહત્યાની ઘટના વચ્ચે કોઈ કનેકશન છે કે નહીં તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.