ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠ નિમિત્તે સ્કૂલોમાં સૂર્ય નમસ્કારના કાર્યક્રમના આયોજનનો વિરોધ કર્યો છે.
મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મહાસચિવ મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીનુ કહેવુ છે કે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને તેમાં બહુમતીઓની પૂજા પદ્ધતિને બીજા ધર્મોના લોકો પર થોપવી જોઈએ નહીં. મુસ્લિમ વિદ્યાર્થીઓએ સૂર્યનમસ્કારથી દુર રહેવુ જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના શિક્ષા મંત્રાલયે આ આદેશ આપ્યો છે.જે પ્રમાણે સ્કૂલોને એક જાન્યુઆરીથી સાત જાન્યુઆરી દરમિયાન સ્કૂલોમાં સૂર્ય નમસ્કાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
જેની સામે મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યુ છે કે, ભારતમાં તમામ ધર્મના લોકોને પોતાના ધર્મ પ્રમાણે પૂજા કરવાની છુટ આપવામાં આવી છે.આ સંજોગોમાં કોઈ ધર્મ વિશેષની પૂજા પદ્ધતિને કોઈના માથે ઠોકી બેસાડવી યોગ્ય નથી. ઈસ્લામ તેમજ બીજા ધર્મમાં સૂર્યને દેવતા માનીને તેની પૂજા કરવાની છુટ નથી. સરકારે સૂર્યનમસ્કારનો આદેશ પાછો ખેંચવો જોઈએ અ્ને સરકાર ખરેખર દેશ સાથે જો પ્રેમ બતાવવા માંગતી હોય તો તેણે દેશની વાસ્તવિક સમસ્યાઓ પર ધ્યાન આપવુ જોઈએ.
મૌલાનાએ કહ્યુ હતુ કે, જો સ્કૂલોમાં કાર્યક્રમ કરાવવો હોય તો દેશ પ્રેમથી જોડાયેલા ગીત સંગીતના કાર્યક્રમ પણ યોજવા જોઈએ.જેથી તેમાં તમામ ધર્મના વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લઈ શકે.