Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજયની નવી શિક્ષણ નીતિને લઇ સંચાલક મંડળ શું કરી ભલામણો ?

રાજયની નવી શિક્ષણ નીતિને લઇ સંચાલક મંડળ શું કરી ભલામણો ?

0
103
  • ધો.9થી 12ને સળંગ એકમ જાહેર કરી વર્ગ દીઠ બે શિક્ષકનો રેશિયો રાખો

  • ધો.10 અને 12માં શાળા છોડયાનું પ્રમાણપત્ર આપવાના બદલે ફક્ત એક જ વખત એલ.સી. આપવા માંગ

ગાંધીનગર: રાજ્યમાં નવી શિક્ષણ નિતીને લઈને સંચાલક મંડળ દ્વારા શિક્ષણ બોર્ડ સમક્ષ ભલામણો કરી છે. જેમાં નવી શિક્ષણ નિતી અંતર્ગત ધોરણ-9થી 12ને સળંગ એકમ જાહેર કરી વર્ગ દીઠ 2 શિક્ષકનો રેશિયો રાખવા જણાવ્યું છે. ઉપરાંત હાલમાં ધોરણ-10 અને ધોરણ-12 એમ બે વખત શાળા છોડયાનું પ્રમાણપત્ર ( એલસી ) આપવાના બદલે ફક્ત એક જ વખત એલસી આપવાની જાહેરાત કરવા પણ જણાવ્યું છે. આ ઉપરાંત ધોરણ-10 અને 12ની પરીક્ષા પધ્ધતિ અત્યારથી જ જાહેર કરવામાં આવે તેવી ભલામણ પણ કરી છે.

ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે રાજયના શિક્ષણ વિભાગના સચિવને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મુંબઈ રાજ્યમાંથી 1961માં ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારે ધોરણ-11 ઓલ્ડ એસએસસીની શિક્ષણ પધ્ધતિ તથા ધોરણ-11ના અંતે પુના બોર્ડની એક પરીક્ષા શાળાકીય અભ્યાસ પુર્ણ કરતા થતી હતી. ગુજરાત સ્વતંત્ર રાજ્ય બનતા ભારત સરકાર દ્વારા 10+2ની શિક્ષણ નિતી અમલમાં આવી હતી અને ધોરણ-10ના અંતે તથા ધોરણ-12ના અંતે આમ, 2 જાહેર પરીક્ષાઓ શાળાકીય શિક્ષણમાં અમલમાં આવી હતી. આ શિક્ષણનિતી અન્વયે ધોરણ-10 પછી વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ધોરણ-10 પછીના ડિપ્લોમાં અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના દરવાજા ખુલતા હતા.

વર્તમાન પ્રથામાં 2009માં કેન્દ્ર સરકારની આરટીઈની નિતી તથા 6થી 14 વર્ષના બાળકો માટેની શિક્ષણ નિતીનો ગુજરાત સરકારે 2010માં સ્વિકાર કર્યો હતો. જેથી રાજ્યમાં ધોરણ-1થી 5ને નિમ્ન પ્રાથમિક શાળામાં અને ધોરણ-6થી 8ને ઉચ્ચ પ્રાથમિક શાળામાં સમાવેશ કરીને માધ્યમિક વિભાગમાં ચાલતું ધોરણ-8 નીચે પ્રાથમિક વિભાગમાં લઈ જવામાં આવ્યું હતું. આમ, થવાથી ધોરણ-9, 10 માધ્યમિક અને ધોરણ-11, 12 ઉચ્ચતર માધ્યમિકના વર્ગો તરીકે ઓળખાતા થયા હતા.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતીમાં ધોરણ-9થી 12ને એક જ નામ હેઠળ સમાવીને માધ્યમિક શિક્ષણ જાહેર કરવામાં આવી છે. ડો. કસ્તુરીનંદનની સમિતીએ ભાર વગરના ભણતરને ધ્યાને રાખીને ધોરણ-9થી 12માં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવાનું સુચન કર્યું છે. આમ, થવાથી ધોરણ-9થી 12ના 4 વર્ષના શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીને કુલ 8 પરીક્ષામાંથી ઉત્તિર્ણ થવાનું રહે અને તેને નીચેના વર્ગની એટીકેટીનો લાભ મળે. તાજેતરમાં CBSE બોર્ડ દ્વારા માર્ચ-2021ની પરીક્ષા સંદર્ભે અભ્યાસક્રમ તથા પરીક્ષા પધ્ધતિ જાહેર કરી છે. જે અન્વયે ધોરણ-10 અને ધોરણ-12માં ચાલુ વર્ષથી જ બોર્ડ દ્વારા 2 પરીક્ષાઓ લેવામાં આવનાર છે.

ગુજરાત સરકારે શિક્ષણ નિતીના અમલીકરણ માટે રાજ્યમાં પુર્વ પ્રાથમિક શિક્ષણ અર્થાત જૂનિયર કે.જી., સિનિયર કે.જી. અને એડવાન્સ કે.જી.ના વર્ગો રાજ્ય સરકાર હસ્તકની શાળાઓમાં શરૂ કરવા માટે બજેટ જોગવાઈ કરીને તાજેતરમાં જાહેરાત કરી છે. જે અન્વયે નવી શિક્ષણ નિતીની અમલવારી રાજ્યમાં શરૂ થઈ ગઈ છે. આમ, પુર્વ પ્રાથમિક શિક્ષણમાં સજ્જ થયેલા રાજ્ય સરકાર માધ્યમિક શિક્ષણ માટે પણ જાગૃત છે. જેથી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે નવી શિક્ષણનિતી અંતર્ગત કેટલીક રજૂઆતો કરી છે.

તેમણે વધુમાં ધોરણ-9થી 12ના વર્ગોની શાળાને માધ્યમિક શાળા જાહેર કરવા માટે જણાવ્યું છે. ઉપરાંત ધોરણ-9થી 12ને સળંગ એકમ ગણીને રાજ્ય સરકાર દ્વારા 2014ના ઠરાવ અન્વયે એક વર્ગે 2 શિક્ષકનો રેશિયો ગણીને શિક્ષકની ફાળવણી કરવા માટે પણ ભલામણ કરી છે. ધોરણ-9થી 12ને સળંગ એકમ જાહેર કરવાથી શાળઆનો જનરલ રજિસ્ટર એક જ રાખવા માટે તથા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર વર્તમાન પરીક્ષા પધ્ધતિને લીધે ધોરણ-10 અને ધોરણ-12 બે વખત આપવાનું થાય છે તેના બદલે એક જ વખત શાળા દ્વારા આપવાની જાહેરાત થવી જોઈએ. જો ધોરણ-9થી 12ના ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન શક્ય ન હોય તો ધોરણ-10 અને ધોરણ-12માં પરીક્ષા પધ્ધતિ અત્યારથી જ જાહેર કરવી જોઈએ તેવી માંગણી તેમણે કરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat