Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > શ્રેય હોસ્પિટલમાં પોઝીટીવ દર્દીઓને બચાવવા ગયેલાં ફાયરના જવાનો નેગેટીવ

શ્રેય હોસ્પિટલમાં પોઝીટીવ દર્દીઓને બચાવવા ગયેલાં ફાયરના જવાનો નેગેટીવ

0
122
  • દર્દીઓની વ્હારે પહોંચેલી પોલીસને હોમ કવોરોન્ટાઈન થવું પડ્યું

  • શ્રેય હોસ્પિટલમાં ભડભડ સળગી ઉઠેલી આગની ઘટના

  • 48 કલાક બાદ 33 ફાયર જવાનોનો એન્ટીજન ટેસ્ટ કરાયા

અમદાવાદ: દેશભરમાં ચકચાર જગાવનારી શહેરના નવરંગપુરા સ્થિત શ્રેય હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગની ઘટનામાં દર્દીઓની વ્હારે પહોંચી ગયેલી પોલીસ હોમ કવોરોન્ટાઇન થઇ ગઇ છે. જયારે ફાયર જવાનોને અવિરતપણે તેમની કામગીરી ચાલુ રાખવાનો હુક્મ કરવામાં આવ્યો હતો. એડીશનલ ચીફ ફાયર ઓફીસર રાજેશ ભટ્ટ સહિત 33 ફાયર જવાનોના આજે 48 કલાક બાદ એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. તમામ લોકોના ટેસ્ટ નેગેટીવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

નવરંગપુરા સ્થિત શ્રેય હોસ્પિટલમાં કોવિડ 19 દર્દીઓને રાખવામાં આવ્યા હતા. આ હોસ્પિટલમાં વહેલી પરોઢે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગ્રેડ તથા પોલીસના જવાનો ત્યાં દોડી ગયા હતા. ફાયરના જવાનોએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરીને દર્દીઓને બચાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ત્યારે ચીસાચીસ અને બૂમાબૂમ સાંભળીને પોલીસ પણ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને બાકીના દર્દીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

આ પણ વાંચો: શ્રેય હોસ્પિ. અગ્નિકાંડ: 41 કોવિડ દર્દીઓને બચાવનાર બે પોલીસ જવાનને તાવ-ખાંસીના લક્ષણો

આ હોસ્પિટલ કોવિડ 19 હોવાના કારણે પોલીસના જવાનો હોમ કવોરોન્ટાઇન થઈ ગયા હતા. કોર્પોરેશનના ડીવાયએમસી તથા હેલ્થ વિભાગના કાર્યકારી વડા ડો. ભાવિન સોંલકીની સલાહથી એડીશનલ ચીફ ફાયર ઓફીસર રાજેશ ભટ્ટ હોમ કવોરોન્ટાઇન થઈ ગયા છે. જયારે ચીફ ફાયર ઓફીસર એમ.એફ. દસ્તુરને આ ઘટનાના પગલે મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં બોલાવાયા હોવાથી તેઓ હોમ કવોરોન્ટાઇન થયા નહીં હોવાનું જાણવા મળ્યું છે. તેમ જ તેમણે તેમની સાથેના ફાયરના જવાનોને પણ ફરજ પર ચાલુ રહેવાની તાકીદ કરી હતી. આ અંગે ચીફ ફાયર ઓફીસર એમ.એફ. દસ્તુરનો સંપર્ક સાધવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

અમદાવાદ ફાયર બ્રિગ્રેડ ( અગ્નિશમન દળ )ના એડીશનલ ચીફ ફાયર ઓફીસર રાજેશ ભટ્ટ સહિત 33 જવાનોનો આજે 48 કલાક બાદ નવરંગપુરા ફાયર બ્રિગ્રેડ કચેરી ખાતે અર્બન હેલ્થની ટીમ દ્રારા એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામ લોકોના ટેસ્ટ નેગેટીવ આવતાં સૌ કોઇએ રાહતનો દમ લીધો હતો.

આ પણ વાંચો: અમદાવાદઃ દર્દીઓ આગની જવાળા પરઃ 2022માંથી માત્ર 91 હોસ્પિટલો પાસે NOC

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના દર્દીના સંક્રમણમાં આવ્યાને 48 કલાક બાદ એન્ટીજન ટેસ્ટ કરવાથી યોગ્ય પરિણામ જાણવા મળતું હોવાનું જણાવ્યું હતું. આ અંગે મ્યુનિ. હેલ્થ ખાતાના વડા ડો. ભાવિન સોંલકીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ મીટીંગમાં વ્યસ્ત હોવાથી વાત થઇ શકી ન હતી.