Gujarat Exclusive > રાજનીતિ > શરદ પવારે ખોલ્યા રાજ, કહ્યું- “PM નરેન્દ્ર મોદીએ મને આપી હતી આવી ઓફર”

શરદ પવારે ખોલ્યા રાજ, કહ્યું- “PM નરેન્દ્ર મોદીએ મને આપી હતી આવી ઓફર”

0
1537

મહારાષ્ટ્રમાં સરકારની રચનામાં મહત્વની ભૂમિકા નિભાવનાર NCP ચીફ શરદ પવારે નવો ખુલાસો કર્યો છે. પવારે ખુલાસો કર્યો હતો કે, નરેન્દ્ર મોદીએ પોતાની સાથે કામ કરવાની ઓફર આપી હતી, જોકે તેમને તે ઓફર ફગાવી દીધી હતી.

પવારે આ ખુલાસો મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી-કોંગ્રેસ ગઠબંધનની સરકાર બનાવ્યા બાદ કર્યો છે. જણાવી દઈએ કે, શિવસેનાએ મુખ્યમંત્રી પદની માંગ પૂરી ન થવા પર BJP સાથે ગઠબંધન તોડી નાખ્યું હતુ.

શરદ પવારને પીએમ તરફથી મળી ધમાકેદાર ઓફર

NCP ચીફ શરદ પવારે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે, મોદીએ મને તેમની સાથે કામ કરવાની ઓફર આપી હતી. જો કે, મેં તેમને જણાવ્યું કે, આપણા વ્યક્તિગત સંબધ સારા છે અને તે આવી રીતે જળવાઇ પણ રહેશે પરંતુ તમારા સાથે કામ કરવું સંભવ નથી. મોદીએ મને જણાવ્યુ કે, “સરકાર ચલાવવા માટે મારો રાજકીય અનુભવ તેમને મદદ કરશે. કેટલાક રાષ્ટ્રીય મુદ્દાઓ પર અમારા બંનેના સમાન અભિપ્રાય છે, એટલા માટે તેમણે મને આ પ્રસ્તાવ આપ્યો હતો.”

પુત્રી સુપ્રિયાને મંત્રી બનાવવાની ઓફર

પવારે મીડિયા રિપોર્ટને ફગાવ્યો છે જેમાં કહેવામાં આવ્યુ હતુ કે, મોદી સરકારે તેમને દેશના રાષ્ટ્રપતિ બનાવવાની ભલામણ કરી હતી. જોકે, તેમણે જણાવ્યુ કે, મોદીની નેતૃત્વવાળી કેબિનેટમાં સુપ્રિયાને મંત્રી બનાવવાની ઓફર જરૂર આપવામાં આવી હતી. જણાવી દઈએ કે, સુપ્રિયા સુલે શરદ પવારની પુત્રી છે અને બારામતી સીટથી લોકસભા સાંસદ છે.

પીએમને સહયોગ જરૂર આપશે એનસીપી ચીફ

NCP ચીફે આગળ જણાવ્યુ કે, તેમણે વડાપ્રધાનને આશ્વાસન આપ્યું છે કે, તેમની પાર્ટી માત્ર વિપક્ષમાં હોવાથી કેન્દ્રની દરેક નીતિનો વિરોધ નહીં કરે. પવારે દાવો કર્યો છે કે, તેમણે પીએમ મોદીને જણાવ્યુ કે, સંસદમાં વિપક્ષમાં બેસવા છતાં પણ હું તમારો વિરોધ નહીં કરૂં. જ્યાં પણ તમને જરૂર રહેશે, મારો સહયોગ તમારી સાથે રહેશે.

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે થઇ હતી મોદી-પવારની મુલાકાત

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલ-પાથલ દરમિયાન NCP ચીફ શરદ પવારે 20 નવેમ્બરે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જોકે, તે દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે, આ મુલાકાત દરમિયાન ખેડૂતોના મુદ્દા પર ચર્ચા થઈ હતી.

મોદી અનેક પ્રસંગે શરદ પવારની પ્રશંસા કરી ચૂક્યા છે

જણાવી દઈએ કે, પીએમ મોદી અનેક પ્રસંગે NCP ચીફ શરદ પવારની પ્રશંસા કરી ચૂક્યા છે. એટલું જ નહી મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન પણ મોદીએ શરદ પવાર વિરુદ્ધ સીધો વાર કર્યો ન હતો.

હાલમાં જ રાજ્યસભાના 250માં સત્રના પ્રસંગ પર પણ પીએમ મોદીએ શરદ પવારના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, BJP સહિત બીજી પાર્ટીઓને NCP પાસેથી શીખવું જોઈએ કે, સંસદના નિયમોનું પાલન કેવી રીતે કરવું.

વર્ષ 2016માં જ્યારે શરદ પવારના નિમંત્રણ પર પીએમ મોદીએ પુણેના વસંતદાદા શુગર ઇન્સ્ટીટયૂટનો પ્રવાસ કર્યો હતો, ત્યારે પણ તેમણે સાર્વજનિક જીવનમાં બીજા માટે એક ઉદાહરણના રૂપમાં NCP ચીફ શરદ પવારની પ્રશંસા કરી હતી.

મોદીએ જણાવ્યુ હતુ કે, હું વ્યક્તિગત રીતે શરદ પવારનું સન્માન કરું છું. હું એ સમયે ગુજરાતનો મુખ્યમંત્રી હતો, જ્યારે તેમણે મારી આંગળી પકડીને મને ચાલતા શિખવાડયું. સાર્વજનિક રીતે હું એ વાતનો સ્વીકાર કરીને ગર્વ અનુભવું છું.

અજિત પવારે BJPને આપ્યું હતુ સમર્થન

પીએમ મોદી સાથે મુલાકાતના ગણતરીના દિવસો બાદ શરદ પવારના ભત્રીજા અજિત પવારે BJPથી હાથ મિલાવ્યો હતો. અજિત પવારે દાવો કર્યો હતો કે, તેમની સાથે NCPના ધારાસભ્યનું સમર્થન છે, તેની સાથે જ તેમણે રાજભવન જઈને ધારાસભ્યના સમર્થનની ચિઠ્ઠી રાજ્યપાલને સોંપી હતી.

અચાનક બનેલી આ ઘટનાક્રમમાં 23 નવેમ્બરની સવારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી અને અજિત પવારે ડિપ્ટી સીએમ પદના શપથ લીધા હતા. જોકે, 3 દિવસ બાદ 26 નવેમ્બરે અજિત પવારે વ્યક્તિગત કારણોનો હવાલો આપતા પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ હતુ અને ફડણવીસની સરકાર પડી ગઈ હતી.

મહિલા સુરક્ષાનો મુદ્દો માત્ર ચૂંટણી-સોશિયલ મીડિયા સુધી સિમિત, બંને ગૃહમાં અત્યાર સુધી માત્ર 2 પ્રશ્નો પૂછાયા