Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નવસારી નર્સ આપઘાત કેસ: મેઘાની 6 પાનાની સુસાઈડ નોટમાં ચોંકાવનારો વિસ્ફોટ

નવસારી નર્સ આપઘાત કેસ: મેઘાની 6 પાનાની સુસાઈડ નોટમાં ચોંકાવનારો વિસ્ફોટ

0
405

નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે થોડાક દિવસો પહેલા આપઘાત કરી લીધો હતો. આ કેસમાં પોલીસે દુષ્પ્રેરણા આપનાર સિવિલ સર્જન અને બે નર્સ સહિત પતિ અને સાસુ મળી પાંચ સામે જાતીય સતામણીનો અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યાનો પણ દાખલ કર્યો હતો. નર્સે લખેલી સુસાઈડ નોટમાં ઘણા અંશો પણ સામે આવી રહ્યા છે. જેમાં ઉંમરવાળા સર્જન ડો. અવિનાશ દુબે સાથે ફિઝિકલ રિલેશન માટે મજબૂર કરવામાં આવતી હોવાનું જણાવ્યું છે.

મેઘાએ સુસાઈડ નોટમાં પ્રથમ તેના કુટુંબ માટે લખ્યું હતું કે,“મમ્મી ભલે આપણે લડતાં હોઈએ, પણ પાછા “દો…” થઈ જતા. હિંમત રાખજો, તમારી દીકરીનો જીવ લેનારાને ઈશ્વર સજા આપશે. દીદી, જીજાજી, મમ્મીને સંભાળજો, મેં કાયરતાનું કામ નથી કર્યું, પરંતુ ઈજ્જત બચાવવા રોજેરોજના ટોર્ચરિંગથી કંટાળીને આ પગલું ભર્યું છે. મારા અગ્નિદાહ મારા લાડકા અક્ષુ પાસે કરાવજો. જો એ તૈયાર ન હોય તો મારા જીજા પર અંતિમક્રિયા કરવાનું છોડું છું. જય સ્વામિનારાયણ.”

ત્યાર બાદ તેણીએ સિવિલમાં શું ચાલે છે તે બધુ હું જાણુ છું તેમ કહી તેણીએ પોતાના સ્ટાફ વિશે લખ્યું છે જેમાં તેણીએ સુસાઈડ નોટમાં લખયું હતુ કે,“21મી ઓક્ટોબરના રોજ એક દિવસની રજા માગવા ગઈ હતી, કારણ કે મારી થાઈરોઈડની દવા ચાલે છે, તે ડોક્ટર માત્ર શુક્રવારે જ આવે છે. સ્ટાફ હતો છતાં પણ મેટ્રને કહ્યું, ચાલ નીકળ, રજા નહીં મળે. કોરોના વખતે ડ્યૂટી 12-12 કલાક કરતી હતી, પણ છેલ્લા 6 માસથી વનિતા પટેલે એટલી ટોર્ચર કરી અને ધમકી પણ આપી કે હું જે કહું એ જ તારે કરવાનું હોય. આટલાથી હું થાકી ન હતી, પરંતુ સિવિલમાં કૌભાંડ ચાલે છે એ હું જાણું છું.”

આ પણ વાંચો: આશ્રય સ્કીમમાં બિલ્ડરે BU વિના કબ્જો આપતા ફ્લેટ સીલ, રહેવાસીઓ રસ્તા પર

તારા ગામીત મેટ્રન દ્વારા મને ઉંમરવાળા સર્જન ડો. અવિનાશ દુબે સાથે ફિઝિકલ રિલેશન માટે મજબૂર કરતાં હતાં. જયારે મેં મોઢા પર ના પાડી ત્યારે મને કહ્યું, હવે અમે તારા ગામીત અને વનિતા પટેલ જો… તને કેવી રીતે હેરાન કરે છે. બંને મેટ્રન મહિલા હોવા છતાં એક છોકરીની ઈજ્જત વેચવા જરા પણ ખચકાતી નથી. આજે મેઘા…તો કાલે બીજી કોઈ છોકરી. નર્સિંગ પ્રોફેશન તો જીવ બચાવવા માટે છે, આજે કોઈનો જીવ જાણીજોઈને લેવાઈ ચૂક્યો છે. બંનેને વંચાવજો, જેથી જેમના હૃદય નથી તેમનામાં કદાચ કંઈ ફેર પડે.

ઈજ્જત જવા દેવા કરતાં સન્માનપૂર્વક આત્મહત્યા કરવાનું પસંદ કરીશ

રિસ્પેકટેડ મેટ્રન તારા ગામીત અને વનિતા પટેલ. કર્મ કોઈને નથી છોડતું. એ હવે ધ્યાનમાં રાખીને ચાલજો. તેમ છતાં મેં હિંમત રાખી ડ્યૂટી કરતી રહી અને અમુક લોકોનો સાથ લેવાની પણ ટ્રાય કરી, પરંતુ જેમણે મારો સાથ આપવાનો પ્રયત્ન કર્યો તેમને પણ આ લોકોએ હેરાન કર્યા. અંતે, હું એકલી પડી ગઈ. આજે મારે આ નિર્ણય લેવો પડ્યો, કારણ કે હું મારી ઈજ્જત જવા દેવા કરતાં સન્માનપૂર્વક આત્મહત્યા કરવાનું પસંદ કરીશ. મારી અંતિમક્રિયામાં (પતિ ) અંકિત કે એના પરિવારના કોઈપણ સદસ્યને આવવા ન દેતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ નવસારી સોલા સિવિલમાં ફરજ બજાવતી કોરોના વારિયર્સ નર્સ મેઘા આચાર્યએ આપઘાત કરી લીધો હતો. તેના આપઘાતને લઈ ઘણા એવા તર્કવિતર્કો પણ જોવા મળી રહ્યા છે. આ બનાવને લઈ પોલીસે સુસાઈડ નોટના આધારે ડોક્ટરોની પણ ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.