Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પ્રાકૃતિક ખેતી કેન્સર, કિડની અને લીવર સંબંધિત ગંભીર રોગોમાં આશીર્વાદરૂપ બની રહેશે- આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

પ્રાકૃતિક ખેતી કેન્સર, કિડની અને લીવર સંબંધિત ગંભીર રોગોમાં આશીર્વાદરૂપ બની રહેશે- આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

0
8
  • વિશ્વ કૅન્સર દિવસ : કૅન્સરનું ઝડપી નિદાન કૅન્સર મટાડી શકે : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
  • વિશ્વ કૅન્સર દિવસે આરોગ્યમંત્રીશ્રીએ કૅન્સર પર વિજય પ્રાપ્ત કરનારા લડવૈયાઓના જુસ્સાને બિરદાવ્યો
  • મહિલાઓમાં જોવા મળતા કૅન્સરમાં ૪૦ ટકા કૅન્સર ગર્ભાશયના મુખ અને સ્તન કૅન્સરના – આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર

ગાંધીનગર: આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે વિશ્વ કૅન્સર દિન નિમિત્તે અમદાવાદ સિવિલ મેડિસીટીની ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ(GCRI) ખાતે આયોજિત કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, કૅન્સરનું ઝડપી નિદાન કૅન્સર મટાડી શકે છે.

આરોગ્ય મંત્રીએ આ અવસરે કૅન્સરને પરાસ્ત કરી 10 વર્ષ કરતાં વધુ સમયથી સામાન્ય જિંદગી જીવતા લડવૈયાઓના જુસ્સાને પણ બિરદાવતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કૅન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં રાજ્ય સરકારે કોઈ કચાશ રાખી નથી અને દર્દીઓની સારવાર માટે અત્યાધુનિક સાધનો વસાવ્યા છે. વર્ષો પૂર્વે એવી માન્યતા હતી કે કૅન્સર એટલે મૃત્યુ. પણ આજે હવે અત્યાધુનિક સારવાર- સુવિધા અને વિકસતા જતા તબીબી વિજ્ઞાનના પગલે કૅન્સરનું સચોટ નિદાન શક્ય બન્યું છે.જેના પગલે સમયસર સારવાર શરુ કરી દર્દીનું જીવન બચાવી શકાય છે.

મંત્રીએ કૅન્સર સામેના જંગમાં જાગૃતિને મહત્વનું હથિયાર ગણાવતા કહ્યું કે, જો પ્રારંભિક તબક્કે જ કૅન્સરનું નિદાન થઈ જાય તો દર્દીની સારવાર વધુ સરળ બને છે. બદલાતી જતી જીવનશૈલીના કારણે પણ કૅન્સર, કિડની, હ્રદય અને લીવર સંબંધિત રોગનું પ્રમાણ વધી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

આ પ્રકારના રોગનો વ્યાપ ઘટાડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન આરંભાયું હોવાની વાત પણ આરોગ્યમંત્રીએ કરી હતી. તેમણે ઉમેર્યું કે, રાસાયણિક ખાતરોથી થતી ખેતી કૅન્સરના વધતા જતા પ્રમાણ માટે કારણભૂત માનવામાં આવે છે, જેથી હવે ખેડૂતોએ હવે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ.

આરોગ્યમંત્રીએ કૅન્સર પર વિજય પ્રાપ્ત કરવા માટે સરકાર અને સમાજના સહિયારા પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને આ લડતમા જોડાવા માટે નાગરિકોને અનુરોધ કર્યો હતો.

જ્યારે આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથારે મહિલાઓમાં જોવા મળતા કેન્સર અંગે કહ્યું હતુ કે, મહિલાઓમાં જોવા મળતા વિવિધ કેન્સરમાં સ્તન અને ગર્ભાશયના મુખના કૅન્સરનું પ્રમાણ 40 ટકા જેટલું હોય છે, જેનું સમયસર નિદાન થાય તો દર્દીના જીવનનું જોખમ ઘટાડી શકાય છે.

રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં વસતી બહેનોમાં સ્તન અને ગર્ભાશયના કૅન્સર અંગે જનજાગૃતિ માટે રાજ્ય સરકારે હાથ ધરેલા પ્રયાસોની રૂપરેખા આપી હતી. તેમણે કહ્યું કે, ગ્રામ્ય મહિલાઓને ચિત્રો દ્વારા સ્તન કેન્સર સંદર્ભે સ્ક્રીનીંગ અને જાત તપાસ માટે પણ માહિતગાર કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં છેલ્લા 2 દાયકામાં આરોગ્યક્ષેત્રે ઉત્તમ કામગીરી થઈ અને રાજ્ય દેશમાં આરોગ્ય ક્ષેત્રમાં મોડલ સ્ટેટ બની રહ્યું છે.

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના દરેક વિસ્તારમાં આરોગ્યલક્ષી માળખાગત સુવિધાઓમાં ઉત્તરોઉત્તર પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે આ પ્રસંગે ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા 45 કરોડના ખર્ચે રોબોટિક રેડિયોથેરાપી મશીન વસાવવામાં આવ્યું હોવાની વિગતો આપતા કહ્યું કે, સમગ્ર દેશમાં સરકારી હોસ્પિટલમાં આ પ્રકારની સુવિધા એકમાત્ર હોસ્પિટલમાં છે.

તેમણે જી.સી.આર.આઇ. હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય -મા યોજના હેઠળ પણ કેન્સરગ્રસ્ત દર્દીઓની શ્રેષ્ઠ સારવાર કરવામાં આવી રહી હોવાનું જણાવી રાજ્યના કેન્સરગ્રસ્ત દર્દીઓને આ યોજનાનો મહત્તમ લાભ મેળવવા અનુરોધ કર્યો હતો.

ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. શશાંક પંડયાએ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.

વિશ્વ કેન્સર દિવસના કાર્યક્રમમાં 10 વર્ષ પહેલા કેન્સરને મ્હાત આપીને સામાન્ય અને નિરામય જીંદગી જીવી રહેલા 50 કેન્સરના લડવૈયાઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમના માધ્યમથી રાજ્યના તમામ કેન્સરગ્રસ્તોને પ્રોત્સાહિત કર્યા હતા.

કેન્સરગ્રસ્તોના જુસ્સાને બિરદાવવા સામાજીક અને ન્યાય અધિકારીતા મંત્રી પ્રદિપભાઇ પરમાર, ગુજરાત કેન્સર સોસાયટીના પ્રમુખ પ્રશાંત કિનારીવાલા, સિવિલ મેડિસીટીમાં આવેલી વિવિધ હોસ્પિટલના ડીન, ડાયરેક્ટર અને સુપ્રિટેન્ડન્ટ ઉપસ્થિત રહ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat