- રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંપૂર્ણ કોવીડ પ્રોટોકોલના પાલન સાથે સાદગીથી કરાશે : જીતુભાઇ વાઘાણી
- કોરોનાના સંક્રમણને રોકવા નાગરીકોનો સહયોગ અત્યંત અનિવાર્ય : રાજ્યની જનતાને કોવિડ ગાઇડલાઈનનું ચુસ્ત પાલન કરવા અનુરોધ
- હડતાલ પર જનારા તબીબોની વ્યાજબી તમામ માંગો સ્વીકારાઇ
.
ગાંધીનગર: રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે દિન-પ્રતિદિન કોરોના કેસ રાજ્યમાં વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સતત તેના પર નિરીક્ષણ કરી રહ્યું છે. નિયમિત ઉચ્ચસ્તરીય કોર કમિટીની બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને મળી રહી છે. કોરોનાના કેસ નિયંત્રણમાં લેવા માટે જરૂરી તમામ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજ્યની જનતાને પણ કોવિડ ગાઇડલાઈનનું ચુસ્ત પાલન કરવા અનુરોધ છે.
મંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાતે સુશાસન તથા જનસેવાની પરિશ્રમ યાત્રાના 121 દિવસ પૂર્ણ કર્યા છે ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કેબિનેટ બેઠકમાં અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ત્યારે મુખ્યમંત્રીએ આ શ્રેય ગુજરાતના સમગ્ર વહીવટીતંત્ર, જનતા જનાર્દન અને સૌ જનપ્રતિનિધિઓને આપ્યો હતો.
મંત્રીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંદર્ભે કહ્યું કે આ રાષ્ટ્રીય તહેવાર સંપૂર્ણ કોવીડ પ્રોટોકોલના પાલન સાથે સાદગીથી ઉજવવામાં આવશે. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને રાજ્યભરમાં થનાર ઉજવણી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે નહીં. આ ઉજવણી ઉત્કૃષ્ટ સેવા અને વિશિષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓને સન્માનિત કરવા માટે થશે.
પ્રવક્તા મંત્રીએ રાજ્યના તબીબોને હડતાલ પર ન જવા અપીલ કરતાં કહ્યુ કે, તબીબો દ્વારા જે માંગણીઓ કરાઇ છે તે તમામ માંગણીઓ સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ દ્વારા વારંવાર ચર્ચાઓ થઇ છે. આ સંદર્ભે મુખ્યમંત્રી દ્વારા ત્રણ મંત્રીઓની જે કમીટી બનાવાઇ હતી તે કમીટીએ તેનો અહેવાલ પણ રાજ્ય સરકારને સુપ્રત કર્યો છે અને તમામ વ્યાજબી માંગણીઓ રાજ્ય સરકાર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે અને નાણા વિભાગ દ્વારા પણ મંજૂરી આપી દેવાઇ છે. જે અંગે આરોગ્ય મંત્રી દ્વારા ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય કરીને તેની જાહેરાત કરાશે.
તેમણે ઉમેર્યુ કે, તબીબો દ્વારા બેઝિક પગાર સાથે નોન પ્રેક્ટીસ એલાઉન્સ, એડહોક સેવાઓ વિનિયમિત કરવા માટે, તબીબી શિક્ષકોને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમનો લાભ આપવા, ડેન્ટીસ્ટ અને આયુષ શિક્ષકોને લાભ આપવા તથા MBBS કરારી તબીબોના પગાર ભથ્થા જેવા વિષયો સંદર્ભે માંગણીઓ હતી તે સ્વીકારી લેવાઇ છે ત્યારે તબીબોએ કોરોનાના કપરાકાળમાં માનવસેવાનો યજ્ઞ યથાવત રાખશે એવો મને તબીબો પર સંપૂર્ણ વિશ્વાસ છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.