ભારત અને કેનેડાના સંબંધોમાં હાલ તણાવ ચાલી રહ્યો છે. દરમિયાન, ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ઉભા થયેલા વિવાદ અંગે અમેરિકન સાંસદ ઈલ્હાન ઉમરે પ્રતિક્રિયા આપી છે.
Advertisement
Advertisement
અમેરિકન સાંસદ ઈલ્હાન ઉમરે કહ્યું કે અમેરિકાએ નિજ્જર હત્યા કેસમાં કેનેડાની તપાસમાં સંપૂર્ણ સમર્થન આપવું જોઈએ. ઇલ્હાન ઉમર ભારત વિરોધી નિવેદનો માટે જાણીતા છે. તેમણે અનેક મુદ્દાઓ પર ભારત વિરુદ્ધ પોતાનું વલણ રજૂ કર્યું છે. ઇલ્હાન ઉમરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે કહ્યું છે, ‘ અમેરિકામાં પણ આ પ્રકારના ઓપરેશન ચાલી રહ્યાં છે કે કેમ તે અંગે માહિતી આપવા અનુરોધ કરી રહ્યા છીએ.’ અમેરિકી સાંસદની આ ટિપ્પણી પર ભારતીય સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પ્રતિક્રિયા આપી છે.
પ્રિયંકા ચતુર્વેદીનો વળતો જવાબ
નિજ્જર હત્યા કેસમાં અમેરિકન સાંસદ ઇલ્હાન ઉમરની ટિપ્પણી પર ભારતના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પ્રતિક્રિયા આપી છે. શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે આવું હશે તો એક ભારતીય સાંસદ તરીકે તેઓ વિદેશ મંત્રાલયને આ વાતની તપાસ કરવા વિનંતી કરશે કે ઇલ્હાન ઉમરે વર્ષ 2022માં પાકિસ્તાનના ફંડથી પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની મુલાકાત કેવી રીતે કરી.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2022 માં, ઇલ્હાન ઉમરે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. તેઓ શાહબાઝ શરીફ અને ઇમરાન ખાનને મળ્યાં હતા અને મુઝફ્ફરાબાદ પણ ગયા હતા. ભારતે તેને સંકુચિત મનની રાજનીતિ ગણાવી હતી. તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ઇલ્હાન ઉમરના પ્રવાસનો ખર્ચ પાકિસ્તાન સરકારે ઉઠાવ્યો હતો. અમેરિકી સંસદના સંયુક્ત સત્રમાં પીએમ મોદીના સંબોધનમાં ભાગ લેવાનો ઇનકાર કરનારા સાંસદોમાં ઇલ્હાન ઉમરનું નામ સામેલ હતું.
કેનેડાએ ભારતની સંડોવણીના કોઈ પુરાવા હજુ આપ્યા નથીઃ એસ જયશંકર
ભારત દ્વારા હરદીપ સિંહ નિજ્જરની હત્યાના પુરાવા માંગવામાં આવ્યા પછી કેનેડાએ હજુ સુધી કોઈ માહિતી આપી નથી. ભારત – કેનેડા વિવાદ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડા ચોક્કસ માહિતી આપશે તો પગલાં લેવાની ખાતરી આપી હતી. જયશંકરે કહ્યું, “અમે તેના પર વિચારણા કરવા તૈયાર છીએ.”તાજેતરના વર્ષોમાં કેનેડામાં સંગઠિત ગુનામાં વધારો થયો છે. ભારત સરકારે આવા ગુનાઓ અંગે કેનેડાને માહિતી આપી છે. કેનેડામાં અલગતાવાદ, હિંસા, ઉગ્રવાદ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો ચિંતાની બાબત છે.
Advertisement