ઈન્ટરનેશનલ હ્યુમન ટ્રાફિકિંગનું હબ બની ગયેલા ગુજરાતમાં ભરત પટેલ ઉર્ફે બોબી એક ખૂબ જ મોટું નામ છે. વર્ષે દહાડે કરોડો રુપિયાનો વેપલો કરતા આ બોબી પટેલ પર અનેક મોટા માથાઓના સપોર્ટ હતો. પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભરત પટેલ ઉર્ફે બોબીની ધરપકડ કર્યા બાદ હાથ ધરેલી તપાસમાં અનેક ઘટસ્ફોટ થયા છે. બોબી પાસેથી મળી આવેલા અનેક પાસપોર્ટ અને દસ્તાવેજો તેની સાથે સંકળાયેલા 17 જેટલા અન્ય આરોપીઓની પોલ ખોલી નાખી છે.
કબૂરતબાજીના માસ્ટર માઈન્ડ એવા બોબી પટેલના બે સાગરિતોની હવે ધરપકડ કરાઈ છે. જેની સાથે જ આ કેસમાં નવા ખુલાસા સામે આવી શકે છે, જેમાં સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જેના પછી મુંબઈ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બન્ને આરોપી પ્રવીણ પટેલ અને હિતેશ પટેલની ધરપકડ કરાઈ છે.
શુક્રવારે રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મુંબઈના મલાડ વિસ્તારમાં તપાસ કરાઈ, જેમાં બોબી પટેલના બે સાગરિતોની ધરપકડ કરાઈ છે. જેમની પાસેથી 5 મોબાઈલ, આધારકાર્ડ, કાર સહિતનો મુદ્દા માલ જપ્ત કરાયો છે. આ બન્ને આરોપીઓ પાસેથી કુલ 17 લાખનો મુદ્દામાલ પકડાયો છે.
ઉલ્લેખનીય છે કે ગેરકાયદે રીતે અમેરિકા મોકલવાના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલની ચાંદલોડિયા ખાતેની ઓફિસમાંથી 79 પાસપોર્ટમાંથી 5 પાસપોર્ટ નકલી હોવાનું પુરવાર થયું હતું, જેના આધારે બોબી સહિત અમદાવાદના 4, ગાંધીનગરના 4, મુંબઈના 3, દિલ્હીના 5 અને અમેરિકાના 1 વ્યક્તિ મળીને 18 લોકો સામે વધુ એક ગુનો સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંઘવામાં આવ્યો હતો.
Advertisement