પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી હિંસા કેસમાં સુપ્રીમ કોર્ટે મમતા સરકારને મોટો આંચકો આપતા કહ્યું હતું કે પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળોને ફરજ પર તૈનાત કરવામાં આવશે. આ નિર્ણયથી મમતા સરકાર અને રાજ્ય ચૂંટણી પંચને ઝાટકો લાગ્યો છે. કેન્દ્રીય દળોની તૈનાતી માટે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય રાજ્યમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજાય એ સુનિશ્ચિત કરવાનો છે કારણ કે તમામ બેઠકો માટે એક જ દિવસે ચૂંટણી યોજાઈ રહી છે. આ સંજોગોમાં, અમને જણાયું છે કે હાઈકોર્ટના આદેશમાં કોઈ દખલગીરી કરવાની જરૂર નથી.
Advertisement
Advertisement
આ અગાઉ પશ્ચિમ બંગાળ સરકાર પર સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી યોજવી એ હિંસા આચરવાનું લાયસન્સ નથી. નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણી એ લોકશાહીની પાયાની ઓળખ છે. હિંસાના વાતાવરણમાં ચૂંટણી યોજી શકાય નહીં. નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણીઓ સુનિશ્ચિત કરવી જોઈએ. આ પહેલા સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી હિંસા કેસમાં મમતા સરકાર અને રાજ્ય ચૂંટણી પંચની અરજી પર સુનાવણી શરૂ કરી હતી. જસ્ટિસ બીવી નાગરત્ન અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. કલકત્તા હાઈકોર્ટે 48 કલાકની અંદર દરેક જિલ્લામાં કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
જસ્ટિસ નાગરત્ને કેસની સુનાવણી દરમિયાન પૂછ્યું કે હવે ત્યાં કેવી પરિસ્થિતિ છે. બંગાળ સરકારે કહ્યું કે 8 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. આજે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે. રાજ્યમાં કુલ 189 બૂથ સંવેદનશીલ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના 22 જિલ્લાની 3 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા ચાલી રહેલી હિંસાને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે અને કોંગ્રેસ-ભાજપ મમતા સરકાર પર હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી રહ્યા છે. એટલું જ નહીં, ભાજપ અને કોંગ્રેસ બંનેએ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે કેન્દ્રીય દળોની તૈનાતીની માંગ કરી હતી.
Advertisement