કેરળના કોઝિકોડમાં નિપાહથી પ્રભાવિત લોકોની યાદીમાં 15 લોકોને હાઈ રિસ્ક કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે અને તેમના સેમ્પલ ગઈકાલે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. આ અગાઉ નિપાહ વાયરસની તપાસ માટે 11 સેમ્પલ લેવામાં આવ્યા હતા. રાજ્યના આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે ગઈકાલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે ખાનગી હોસ્પિટલોમાં જરૂરિયાત મુજબ આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. દવાઓ અને રક્ષણાત્મક સાધનો સહિત અન્ય સામગ્રીનો પૂરતો સ્ટોક સુનિશ્ચિત કરવા પણ સૂચના આપવામાં આવી છે. તેમણે અધિકારીઓને ચેપથી પ્રભાવિત યાદીમાં સામેલ લોકોને મોબાઈલ ટાવરના ઉપયોગથી શોધી કાઢવા પોલીસની મદદ લેવા જણાવ્યું છે.
Advertisement
Advertisement
નિપાહ સર્વેલન્સ હેઠળ ગઈકાલે 234 લોકોની શોધ કરવામાં આવી છે. અસરગ્રસ્તોની 950 લોકોની યાદીમાં 213 ઉચ્ચ જોખમની શ્રેણીમાં છે અને 287 આરોગ્ય કર્મચારીઓ પણ યાદીમાં સામેલ છે. દરમિયાન, આરોગ્ય અધિકારીઓએ લોકોને ચામાચીડિયા અને ડુક્કર જેવા પ્રાણીઓના શબને સ્પર્શ ન કરવા જણાવ્યું છે. કોઝિકોડ જિલ્લા પ્રશાસને આવતીકાલ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. કોઝિકોડ નજીક પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશ હેઠળના માહેમાં પણ આવતીકાલે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી, ડૉ. ભારતી પ્રવીણ પવારે કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના ફેલાવાને નિયંત્રિત કરવા માટે લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી. ડૉ. પવારે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ-નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાઈરોલોજી, પુણેની મુલાકાત લીધી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. ડૉ. પવારે કહ્યું કે કેન્દ્ર સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને આ રોગના ફેલાવાને રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે કેન્દ્ર અને ICMR-HIVની ઉચ્ચ સ્તરીય ટીમો BSL-3 પ્રયોગશાળાઓના મોબાઈલ યુનિટ સાથે કોઝિકોડ પહોંચી છે અને આ ટીમો ગ્રાઉન્ડ ટેસ્ટિંગ કરશે. ડૉ. પવારે એમ પણ કહ્યું કે કોઝિકોડ વિસ્તારની અસરગ્રસ્ત ગ્રામ પંચાયતોને ક્વોરેન્ટાઇન વિસ્તાર જાહેર કરવામાં આવી છે.
દરમિયાન, કર્ણાટકના આરોગ્ય વિભાગે કેરળની સરહદે આવેલા કોડાગુ, દક્ષિણ કન્નડ, ચામરાજનગર અને મૈસુરમાં દેખરેખ વધારવા માટે એક એડવાઈઝરી જારી કરી છે બંને રાજ્યોને જોડતા રસ્તાઓ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. કર્ણાટકના આ સંવેદનશીલ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ રેપિડ રિસ્પોન્સ ટીમો બનાવવામાં આવી છે અને શંકાસ્પદ નિપાહ કેસોને અલગ કરવા માટે જિલ્લા હોસ્પિટલોએ બેડ અનામત રાખ્યા છે. એડવાઈઝરીમાં હોસ્પિટલોને જરૂરી દવાઓ અને ઓક્સિજનનો સ્ટોક રાખવા કહેવાયું છે. ખાનગી હોસ્પિટલો અને ક્લિનિક્સમાં નિપાહ વાયરસના લક્ષણોવાળી વ્યક્તિઓ વિશેની કોઈપણ માહિતી જિલ્લા આરોગ્ય અધિકારીને આપવાની રહેશે.
Advertisement