રાજકીય અસ્થિરતા અને નાણાકીય ગેરવહીવટના કારણે પાકિસ્તાનની ઈકોનોમી હવે ડુબવાના આરે છે. પાકિસ્તાન હવે શ્રીલંકા કરતા પણ ખરાબ સ્થિતિમાં પહોંચી ગયું છે. પાકિસ્તાને હવે મોંઘવારીના મોરચે આખી દુનિયામાં શરમજનક રેકોર્ડ સ્થાપ્યો છે. એપ્રિલ મહિનામાં પાકિસ્તાનમાં 36. 42 ટકા મોંઘવારી નોંધાઈ છે.
લોન મેળવવા માટે પાકિસ્તાને આઈએમએફના કહેવા પ્રમાણે શરતો લાગુ કરી છે અને તેમાં નવા ટેક્સ રેટ તથા ડિઝલની કિંમતમાં વધારાનો સમાવેશ થાય છે. જેની અસર મોંઘવારી પર દેખાઈ રહી છે.
2022માં આવેલા પૂરે સ્થિતિ વધારે ખરાબ કરી છે. ખાવાની વસ્તુઓના ભાવમાં થયેલો વધારો ગરીબ વર્ગની મુશ્કેલી વધારી રહ્યો છે.
એપ્રિલ મહિનામાં ખાવાની વસ્તુઓની કિંમત ગયા વર્ષના મુકાબલે પચાસ ટકા વધી ચૂકી છે. જ્યારે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં 57 ટકાનો વધારો થયો છે. પાકિસ્તાન સરકારે આઈએમએફ પાસે 6. 5 અબજ ડોલરની લોન લેવા માટે જે પણ સુધારા વધારા કર્યા છે તેના કારણે મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે પણ એ પછી પણ આઈએમએફને પાકિસ્તાની સરકારથી સંતોષ નથી.
આઈએમએફે પાકિસ્તાનમાં અપાતી સબસિડીમાં કાપ મૂકવા માટે કહ્યું છે. જોકે આગામી સમયમાં આવનારી ચૂંટણીને જોતા સરકાર હવે આ શરતો પર અમલ કરે તેવી શક્યતા દેખાઈ રહી નથી.
Advertisement