નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગે મોકા ચક્રવાતને લઈને ચેતવણી જાહેર કરી છે. વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડી પર સર્જાયેલું ચક્રવાત ખૂબ જ ગંભીર તોફાનમાં ફેરવાઈ શકે છે અને પવનની ઝડપ 130 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
Advertisement
Advertisement
ભારત હવામાન વિભાગે પોતાના લેટેસ્ટ અપડેટમાં કહ્યું છે કે બંગાળના દક્ષિણ પૂર્વમાં એક લો પ્રેશર એરિયા ડેવલપ થઈ ચૂક્યો છે. આ ચક્રવાતને મોકા નામ આપવામાં આવ્યું છે. આઈએમડી અનુસાર, ચક્રવાત મોકા ખુબ જ ઝડપી રીતે આગળ વધી રહ્યો છે. આની સૌથી વધારે અસર પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં પડશે, ત્યાં પહેલેથી આને લઈને એલર્ટ આપી દેવામાં આવ્યું છે.
આ ચક્રવાત ભયંકર રૂપ માં ફેરવાય તે અંગેની વાત કરવામાં આવી રહી છે. તેથી આની અસર મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશ ઉપર પણ થશે. આ દરમિયાન ધોધમાર વરસાદ અને ઝડપી પવન ફુંકાશે.
સોમવારે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્ર પર લો પ્રેશર નું ક્ષેત્ર રચાયું હતું. મોકા ચક્રવાત 12 મેની આસપાસ બાંગ્લાદેશ અને મ્યાનમાર દરિયાકાંઠા તરફ આગળ વધવાની સંભાવના છે.
પશ્ચિમ બંગાળ પર મોકા ચક્રવાતની અસર તેના પર નિર્ભર છે કે આ તોફાન દરિયાકાંઠાના વિસ્તારોથી બાંગ્લાદેશ તરફ આગળ વધીને કેટલું દૂર રહેશે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે પણ એલર્ટ જાહેર કર્યું છે.
વિભાગે નાના દરિયાઇ જહાજ અને માછીમારોને મંગળવારથી બહાર ન નીકળવા જણાવ્યું છે. આ સાથે 8 થી 12 મેની વચ્ચે આંદામાન અને નિકોબાર ટાપુઓ નજીક પર્યટન અને શિપિંગને મર્યાદિત કરવા અને નજીકથી નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.
સોમવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે ચક્રવાતથી ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે જો કોઈ મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થશે તો દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને બચાવી લેવામાં આવશે.
‘મોકા’ નામ કેવી રીતે પડ્યું?
આ તોફાનને ‘મોકા’ નામ મધ્ય પૂર્વ એશિયાના દેશ યમન દ્વારા આપવામાં આવ્યું છે. મોકા યમનનું એક શહેર છે, જેને મોખા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શહેર તેના કોફી બિઝનેસ માટે જાણીતું છે. ‘મોકા કોફી’નું નામ પણ આના પરથી રાખવામાં આવ્યું હતું.
Advertisement