ભારતીય સ્પેસ સંસ્થાન (ISRO) તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ઈસરો હવે મહાકાલ નામના સેટેલાઈટને લોન્ચ કરશે. ભારતના 12 જ્યોતિર્લિંગો પૈકીના એક એવા ભગવાન મહાકાલેશ્વરને ત્રણેય લોકના સ્વામી માનવામાં આવે છે. હવે ત્રણેય લોકના અધિપતિ ભગવાન મહાકાલના નામે એક સેટેલાઇટ પણ લોન્ચ થશે તેવી માહિતી ISRO ચીફ એસ. સોમનાથ ઉજ્જૈનમાં દર્શન બાદ આપી હતી.
મહાકાલેશ્વર મંદિરના પૂજારી રમણ ત્રિવેદીએ કહ્યું કે લાંબા સમયથી સોમનાથ શ્રીધર ભગવાન મહાકાલના આશીર્વાદ લેવાનું આયોજન કરી રહ્યા હતા. તેમને મંદિરની મુલાકાત લેવા માટે પણ આમંત્રણ અપાયું હતું. ઈસરોના ચીફ એસ. સોમનાથે વચન આપ્યું છે કે તેઓ મહાકાલ નામનો સેટેલાઈટ પણ લોન્ચ કરશે.
મહાકાલેશ્વર મંદિર સમિતિના પંડિતો અને પૂજારીઓ ભારતીય અંતરિક્ષ કેન્દ્રના આ નિર્ણયને આવકારી રહ્યા છે. પંડિત અને પૂજારીઓનો દાવો છે કે ભગવાન મહાકાલના નામે જે પણ સેટેલાઈટ અવકાશમાં છોડવામાં આવશે તે સફળતાપૂર્વક તેનું કાર્ય પૂર્ણ કરશે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી પેસેન્જર બસો, ટ્રેનો અને સંસ્થાઓનું નામ ભગવાન મહાકાલના નામ પર રાખવામાં આવ્યું છે. આ પ્રથમવાર છે જ્યારે ભગવાન મહાકાલના નામ પર સેટેલાઇટ પણ અવકાશમાં છોડવામાં આવશે.
Advertisement