ઇમ્ફાલઃ મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળવાની માહિતી સામે આવી છે. પોલીસ દ્વારા હથિયારો સાથે પકડાયેલા પાંચ આરોપીઓને મુક્ત કરવા માટે દેખાવો યોજવામાં આવ્યા હતા. આ દરમિયાન ટોળાએ પોલીસના વાહનોને અટકાવ્યા હતા અને પોલીસ સ્ટેશન પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.આ વિરોધ દેખાવોમાં મહિલાઓ મોટી સંખ્યામાં હાજર હતી. પોલીસ સાથેની અથડામણમાં 50 જેટલી મહિલાઓ ઘાયલ થઈ છે. આ ઉપરાંત, ઈમ્ફાલમાં બે દિવસનો કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
મણિપુરમાં પોલીસ સાથેની અથડામણમાં 50થી વધુ મહિલાઓ ઘાયલ થઈ હોવાના અહેવાલ છે. વિરોધ કરી રહેલી મહિલાઓએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. તેમ છતાં પરિસ્થિતિ કાબૂમાં ન આવતા પોલીસકર્મીઓએ ગોળીબાર કર્યો હતો. ગોળીબાર બાદ લોકોમાં અફરા-તફરી ફેલાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે પોલીસે તાજેતરમાં જ પાંચ આરોપીઓને હથિયારો સાથે પકડ્યા હતા, તેમને છોડી મૂકવા માટે દેખાવો શરૂ કરાયા હતા. પરંતુ, આ ઘટના બાદ રાજધાનીમાં સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે અને બે દિવસ માટે કડક લોકડાઉન લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
મણિપુર પોલીસે શનિવારે અતિ આધુનિક હથિયારો રાખવા અને નકલી યુનિફોર્મ પહેરવા બદલ પાંચ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે તમામ પાંચ આરોપીઓને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને બાદમાં તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ યુવકોને છોડી મૂકવાની માંગ સાથે દેખાવો કરવામાં આવી રહ્યા છે. મૈતેઈ સમુદાયની મહિલા સંગઠન મીરા પાઈબી સાથે સંકળાયેલી મહિલાઓએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. મૈતેઈ મહિલાઓએ દાવો કર્યો હતો કે પોલીસે કુકી સમુદાયમાંથી કોઈની ધરપકડ કરી નથી. માત્ર મૈતેઈ સમાજના યુવાનોને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
4 મહિનામાં રાજ્યમાં 175 લોકો માર્યા ગયા
મણિપુરમાં ચાર મહિના પહેલા શરૂ થયેલી વંશીય હિંસા હજુ પણ અટકવાનું નામ લઈ રહી નથી. દરમિયાન, પોલીસ મહાનિરીક્ષક (ઓપરેશન્સ) આઇકે મુઇવાએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આ ચાર મહિનામાં રાજ્યમાં 175 લોકો માર્યા ગયા, 1108 ઘાયલ થયા અને 32 ગુમ થયા. આ સિવાય તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન 4,786 ઘરોને આગ લગાડી દેવામાં આવી હતી અને 386 ધાર્મિક ઈમારતોને તોડી પાડવામાં આવી હતી
Advertisement