જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આજે પણ અથડામણ ચાલી રહી છે. તેને અત્યાર સુધીની સૌથી લાંબી અથડામણોમાંથી એક માનવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ આજે સાતમા દિવસે પણ આ એન્કાઉન્ટર ચાલુ છે. સુરક્ષા દળોનું માનવું છે કે, એક-બે આતંકવાદીઓ હજુ પણ છુપાયેલા છે. ગઈ કાલે સેનાના જવાનોને એક સળગી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
Advertisement
Advertisement
તેનું DNA ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યું હતું કારણ કે, ઘટનાસ્થળ પરથી એક અન્ય મૃતદેહ પણ મળી આવ્યો હતો. આ મૃતદેહ સેનાના જવાનનો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેની ઓળખ પ્રદીપ તરીકે થઈ છે. તે પછી અથડામણમાં મૃતકોની સંખ્યા હવે ચાર પર પહોંચી ગઈ છે. તેમાં ભારતીય સેનાના ત્રણ જવાનો અને જમ્મૂ-કાશ્મીર પોલીસના એક અધિકારીનો સમાવેશ થાય છે. 7મા દિવસે પણ સેનાએ ઓપરેશન ચાલુ રાખ્યું છે.
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે 100 કલાકથી વધુ ચાલેલા ભીષણ એન્કાઉન્ટર બાદ સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકવાદીઓનો ખાતમો કરવા માટેનું ઓપરેશન મંગળવારે સાતમા દિવસમાં પ્રવેશ્યું છે. આ ઓપરેશન અનંતનાગના ગડોલ જંગલ વિસ્તારમાં બુધવારથી ચાલી રહ્યું છે. ઓપરેશન ત્યારે શરૂ થયું હતું જ્યારે 19 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધૌંચક અને જમ્મુ અને કાશ્મીર પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ હુમાયુ ભટ્ટે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષા દળો ગાઢ જંગલ વિસ્તારની દેખરેખ માટે ડ્રોન અને હેલિકોપ્ટરોનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યાં ઘણી ગુફા જેવા ઠેકાણાં છે જ્યાં આતંકવાદીઓ છુપાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓ નાગરિક વિસ્તારોમાં પ્રવેશ ન કરે તે સુનિશ્ચિત કરવા માટે સાવચેતીના ભાગરૂપે રવિવારે પડોસી પોશ ક્રેરી વિસ્તારમાં સુરક્ષા કોર્ડન વધારી દેવામાં આવી હતી.
Advertisement