Advertisement
Advertisement
નવી દિલ્હી, રાષ્ટ્રીય હવામાન વિભાગે આગામી 6ઠ્ઠી મેના રોજ બંગાળમાં ચક્રવાત સર્જાવવાની આશંકા વ્યક્ત કરી છે. IMD અનુસાર દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાતી પવનનો વિસ્તાર વિકસી શકે છે, જેના કારણે આગામી 48 કલાકમાં આ વિસ્તારમાં લો પ્રેશર ઉદભવી શકે છે.
હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે એલર્ટ પણ જાહેર કર્યું છે. જો આ ચક્રવાત સર્જાય તો છેક ગુજરાત સુધી ફરી એકવાર વરસાદનો રાઉન્ડ આવી શકે છે અને તે આખા વર્ષની ખેતીની સાઈકલ બગાડી શકે છે.
IMDના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમેરિકાના વેધર ફોરકાસ્ટ મોડલ ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ અને યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ્સે પણ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનની શક્યતા વ્યક્ત કરી છે. IMDએ પણ આવી જ આશંકા વ્યક્ત કરી છે.
IMD અનુસાર ઉત્તર પ્રદેશમાં ગાજવીજ, વીજળી, આંધી અને વરસાદની સાથે ઘણી જગ્યાએ કરા પણ પડી શકે છે. વાવાઝોડાની ઝડપ પ્રતિ કલાક 40થી 50 કિમી રહેવાની સંભાવના છે. દરમિયાન પહેલી મેએ ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક સ્થળોએ ભારે વરસાદ થયો હતો. IMDએ પંજાબ, ઉપ-હિમાલયન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને યનમ, તેલંગાણા, રાયલસીમા, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી.
Advertisement