દિલ્હી: ઘાસચારા કૌભાંડમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધી શકે છે. આ કૌભાંડમાં તેમને ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા, પરંતુ હવે સીબીઆઈએ તેમને મળેલા જામીન સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજી પર હવે 25 ઓગસ્ટે સુનાવણી થશે.
Advertisement
Advertisement
સીબીઆઈએ વહેલા સુનાવણીની માંગ કરી
સીબીઆઈએ લાલુ પ્રસાદ યાદવના જામીન રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને તેની વહેલા સુનાવણીની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે પણ આ અંગે સુનાવણી કરવા સંમતિ દર્શાવી છે અને આ મામલે 25 ઓગસ્ટે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટ સીબીઆઈની તરફેણમાં ચુકાદો આપશે તો આગામી દિવસોમાં લાલુપ્રસાદ યાદવને ફરી જેલમાં જવું પડી શકે છે. ગયા વર્ષે એપ્રિલમાં આરજેડી સુપ્રીમોને ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. 30 એપ્રિલ 2022ના રોજ તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ઘાસચારા કૌભાંડ સંબંધિત ડોરન્ડા ટ્રેઝરી કેસમાં તેઓ લગભગ ત્રણ વર્ષ સુધી જેલમાં હતા.
શું છે સમગ્ર મામલો ?
ઘાસચારા કૌભાંડ 1990 થી 1995 સુધીનું છે. આરોપ છે કે લાલુ યાદવ જ્યારે સત્તામાં હતા ત્યારે ડોરાન્ડા અને અન્ય તિજોરીમાંથી કરોડો રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. આ રૂપિયા ઉપાડીને પશુઓના ચારા અને અન્ય ખર્ચની નકલી વિગતો દર્શાવવામાં આવી હતી. લાલુ યાદવ પર ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા ઘણાં કેસ ચાલી રહ્યા છે. તેમાંથી પાંચ કેસમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. જેના કારણે તેમને જેલ પણ જવું પડ્યું હતું. પરંતુ તબિયતના કારણોસર ગયા વર્ષે એપ્રિલમાં તેમને જામીન આપવામાં આવ્યા હતા. જામીન પર છૂટ્યા બાદ લાલુ યાદવે ડિસેમ્બરમાં સિંગાપુરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવ્યું હતું.
Advertisement