Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > અમદાવાદ શહેરમાં લાગેલી આગમાં શહેરીજનોની 1.08 અબજની માલ-મિલ્કત બળીને ખાખ થઇ

અમદાવાદ શહેરમાં લાગેલી આગમાં શહેરીજનોની 1.08 અબજની માલ-મિલ્કત બળીને ખાખ થઇ

0
119

ફાયરબ્રિગ્રેડના જવાનોએ આગ બુઝાવીને 2.40 અબજનું નુકસાન અટકાવ્યું

આજે નેશનલ ફાયર સર્વિસ ડે અમદાવાદ ફાયર સર્વિસે કરેલી કામગીરીનું સરવૈયુ

ગાંધીનગર: સને 1944થી તા. 14મી એપ્રિલને નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે અમદાવાદ શહેરમાં આગ લાગવાના બનાવથી માંડીને આગના બનાવમાં કેટલાં લોકોની જીંદગી હોમાઇ ત્યારથી માંડીને કેટલી માલ-મિલ્કત ગુમાવી છે. તો આ આગની કામગીરીમાં ફાયર વિભાગે શહેરીજનોને કેટલું નુકસાન થતું બચાવ્યું વગેરે જાણવું ખૂબ મહત્વનું છે.

ગત 2020-21ના વર્ષની વાત કરીએ તો આગની ઘટનામાં લોકો બળીને ભડથું થઇ ગયા હતા. તો લોકોનો ફાયર વિભાગના જવાનોએ જીવને જોખમમાં મૂકીને જાન બચાવ્યાં હતા. આ આગની ઘટનાઓમાં આગ જ નહીં બલ્કે તેના ધુમાડા અને આગ બુઝાવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.

આ આગની ઘટનાઓમાં અમદાવાદના રહીશોએ રૂપિયા 1,08,35,63,800 (( એક અબજ આઠ કરોડ ત્રેસઠ લાખ આઠસો રૂપીયા )ની રકમની મિલ્કતને નુકસાન થયું હતું. તેની સામે ફાયરના જવાનોએ આગ બુઝાવીને 2,40,15,09,900 ( બે અબજ ચાલીસ કરોડ પંદર લાખ નવ હજાર નવસો રૂપિયા )ની માલ-મિલ્કતને નુકસાન થતું અટકાવ્યું હતું.

અમદાવાદ શહેરમાં આગ લાગવાની ઘટના રોજબરોજની બની ગઇ છે. તેમાંય કેમીકલ ફેકટરીઓથી માંડીને આદ્યોગિક એકમોમાં લાગતી આગ બુઝાવવામાં લાખ્ખો લીટર પાણી વેડફાય છે. તો અનેક લોકોના મુત્યુ નિપજે છે. તો અનેક લોકોને બચાવી લેવામાં આવે છે. આ આગની ઘટનાઓમાં માત્ર શહેરીજનોના મુત્યુ જ નહીં બલ્કે કરોડો રૂપિયાની માલ મિલક્ત પણ બળીને ખાખ થઇ જાય છે.

અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા 1/4/20 થી 31/3/21 સુધીના વાર્ષિક અહેવાલમાં જાહેર કરેલી વિવિધ કામગીરી જોવામાં આવે તો અમદાવાદ શહેરમાં આગના કુલ બનાવો 1667 બનાવો નોંધાયા હતા. તેમાંથી શહેરની અંદર આગના 1600 અને શહેરની બહાર 67 બનાવો બન્યા હતા.

ફાયર સ્ટેશનોના પત્રકોને આધારે તૈયાર કરેલી પ્રાથમિક માહિતી મુજબ આગની ઘટનાઓમાં કુલ 18 જણાંના મુત્યુ થયા હતા. જેમાંથી 7 મહિલા અને 11 પુરૂષોના મુત્યુ થયા હતા. આ આગની ઘટનામાં શહેરીજનોની રુ 1,08,35,63,800ની માલ-મિલકત બળીને ખાખ થઇ ગઇ હતી. તો ફાયરબ્રિગ્રેડના જવાનોએ સુઝબુઝથી કામગીરી કરીને રુ. 2,40,15,09,900 ની રાષ્ટ્રીય સંપત્તિનું મિલકતનું નુકસાન થતું બચાવ્યું હતું.

આ ઉપરાંત અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા રેસ્કયુની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. 2020-21ના વર્ષ દરમિયાન 2751 રેસક્યુ કોલ આવ્યા હતા. તેમાંથી શહેર અંદરના 2710 અને શહેરની બહારના 41 કોલ આવ્યા હતા. રેસક્યુ કોલમાં કુલ 104 મુત્યુ થયા હતા. જેમાં 79 પુરુષો, 19 સ્ત્રીઓ તથા 3 જાનવર અને 3 પક્ષીઓના મુત્યુ થયા હતા. તેમ જ એમ્બ્યુલન્સ માટે શહેર અંદરથી 11637 અને શહેર બહારના 63 મળી કુલ 11,700 કોલ આવ્યા હતા. જયારે ડેડબોડી માટેના કુલ 26,846 કોલ આવ્યા હતા. તેમાંથી શહેરની અંદર 26539 અને શહેરની બહાર 307 કોલ આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા માત્ર આગ અને રેસ્કયુ કોલ જ નહીં બલ્કે એમ્બ્યુલન્સ, ડેડબોડી ઉપરાંત કોર્પોરેશનમાં જરૂર પડયે બંદોબસ્તની કામગીરી પણ નિભાવે છે.

કોવિડ-19માં દરેક વિભાગની માફક અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનો પણ ખડેપગે રહ્યાં હતા. તેમના દ્વારા 2020 અને 2121માં ઉદભવેલ કોવિડ, કુદરતી આપત્તિમાં ડીઝાઝસ્ટરની કામગીરી તેમ જ સમગ્ર શહેર, જાહેર સ્થળો, કોર્ટ કમ્પાઉન્ડ તેમ જ સરકારી કચેરીઓમાં તેમ જ કોરોનાના કારણે માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં કોવિડ અસરગ્રસ્તોના ઘરોમાં સેનેટાઈજેશનની મહત્વની કામગીરી પણ નિભાવી હતી. ત્યાં સુધી કે જાહેર લોક રક્ષણ પુરું પાડવા સાથે કોવિડમાં અવસાન પામેલા મહદઅંશે મૃતકોના પાર્થિવ દેહોને સ્મશાનમાં પહોંચાડી અગ્નિ સંસ્કાર માટે આગળની કાર્યવાહી કરાવેલી હતી.

હોસ્પિટલના બિછાનેથી ચીફ ફાયર ઓફીસરે શહીદોને શ્રધ્ધાંજલિ પાઠવી

અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના ચીફ ફાયર ઓફીસર રાજેશ ભટ્ટનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શ્વાસની તકલીફના કારણે તેઓ હાલ ઓક્સિજન પર છે. છતાં મનોબળ મજબૂત ધરાવતાં ચીફ ફાયર ઓફીસર રાજેશ ભટ્ટે ભારે વેદના વેઠીને ત્રુટક ત્રુટક અવાજે આજના અગ્નિશમન દિવસે ફાયર સર્વિસના નામી-અનામી શહીદોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. તેની સાથે સમગ્ર વર્ષ દરમિયાન અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનોએ કરેલી કામગીરીને બિરદાવી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat