Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ખાટલે મોટી ખોડ: નર્મદામાં કોરોના વકર્યો છતાં તબીબી સ્ટાફને વડોદરા ડ્યુટી માટે મોકલ્યા!

ખાટલે મોટી ખોડ: નર્મદામાં કોરોના વકર્યો છતાં તબીબી સ્ટાફને વડોદરા ડ્યુટી માટે મોકલ્યા!

0
123

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે.એક બાજુ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 100 દર્દીઓ વચ્ચે માત્ર 2-3 તબીબો છે, દર્દીના મોતનો આંકડો પણ વધી રહ્યો છે ત્યારે આવા કપરા સમયમાં પણ સરકારે નર્મદા જિલ્લાના તબીબોને વડોદરા SSG ખાતે કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવવા મોકલતા રોષ ફેલાયો છે.

નર્મદા જિલ્લામાં કોરોના વકર્યો છે.ડોક્ટરો દિવસમાં ફક્ત એક જ વાર રાઉન્ડ મારવા આવે છે અને અમુક વાર તો ફક્ત નર્સને જ મોકલી અપાય છે એવી રાજપીપળા કોવિડ હોસ્પિટલના દર્દીઓમાં ફરિયાદ ઊઠી છે.નર્મદા જિલ્લામાં રોજે રોજ કોરોના દર્દીઓના મોતના બનાવો બને છે. સાથે સાથે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 100 દર્દીઓ વચ્ચે માત્ર એક જ ડોકટર છે.રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 12 અને 13 મી એપ્રિલ દરમિયાન 10 કોરોના દર્દીઓના મોત નિપજ્યા છે પરંતુ તંત્ર એ સ્વીકારવા તૈયાર નથી.આવા કપરા સમયગાળામાં પણ નર્મદા જિલ્લાના 6 ડોક્ટરો અને 12 સ્ટાર નર્સને વડોદરા એસ.એસ.જી ખાતે કોરોના દર્દીઓની સારવાર માટે મોકલી આપવા સરકારે હુકમ કરતા સ્થાનિક દર્દીઓ હાલ તબીબોના અભાવે રામ ભરોષે જીવી રહ્યા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની એક ટીમ રસીકરણની અને બીજી ટીમ કોવિડ ટેસ્ટની કામગીરીમાં રોકાયેલી છે.હાલ રસીકરણ કરતા કોરોના દર્દીઓની સારવાર મહત્વની છે ત્યારે રસીકરણની કામગીરી કરતી ટીમના સભ્યોને કોવિડ હોસ્પિટલમાં મુકવામાં આવે તો દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવે નહિ.

કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને પુરતી માત્રામાં ઓક્સિજન મળતો ન હોવાની બૂમ

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પર સારવાર લઈ રહેલા દર્દીઓને પુરતી માત્રામાં ઓક્સિજન મળતું ન હોવાની બુમો ઉઠી છે.રાજપીપળા કોવિડ હોસ્પિટલની ઓક્સિજન લાઈનો લીકેજ હોવાની આમ બનતું હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે.તો બીજી બાજુ ઓક્સિજનના સિલિન્ડરો પણ નિયત વજન કરતા ઓછા વજનના આવતા હોવાથી આ મુશ્કેલી ઉભી થઇ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.નર્મદા જિલ્લામાં ઓક્સિજન સિલિન્ડરોની અછત પણ ચિંતાનો વિષય બન્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat