Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા: રેવન્યુ રેકોર્ડમાં નામ દાખલ કરવા આદિવાસી ખેડૂતને ધક્કા, આપી આત્મવિલોપનની ચીમકી

નર્મદા: રેવન્યુ રેકોર્ડમાં નામ દાખલ કરવા આદિવાસી ખેડૂતને ધક્કા, આપી આત્મવિલોપનની ચીમકી

0
418

રેવન્યુ રેકોર્ડમાં નામ ચઢાવવા જેવી બાબતે આદીવાસી ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપવી પડે એનાથી શરમજનક બાબત બીજી કોઈ ન કહેવાય

કોમ્પ્યુટરની કોઈ પણ ભૂલ હોય તો 30 દિવસમાં સુધારા કરવાની સમગ્ર સત્તા મામલતદારને આપેલી છે છતાં મને ધક્કા ખવડાવે :આદિવાસી ખેડૂત

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ગુજરાતની તમામ સરકારી કચેરીઓમાં તમામ જરૂરી દસ્તાવેજોને કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવ્યા છે. હસ્તલિખિત રેવન્યુ રેકર્ડમાંથી નામોને કોમ્પ્યુટરાઈઝ કરતી વખતે અમુક નામો ગાયબ થઈ ગયા હોવાના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આવો જ એક કિસ્સો નર્મદા જિલ્લામાં બન્યો છે, આદિવાસી ખેડૂત રેવન્યુ રેકોર્ડમાં નામ દાખલ કરાવવા 8 વર્ષથી ધરમના ધક્કા ખાઈ રહ્યો છે. જો 2 દિવસમાં નામ દાખલ ન થયું તો તિલકવાડા મામલતદાર કચેરીએ જ આત્મવિલોપનની ચીમકી આદીવાસી ખેડૂતે આપતા ખળભળાટ મચ્યો છે. ખેડૂતે નર્મદા જિલ્લા વહિવટી તંત્ર પર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો માટે 3700 કરોડનું પેકેજ જાહેર, 20 જિલ્લાના 123 તાલુકાને સહાય

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલિયા ગામના સ્વ.કરશનભાઈ જેસંગભાઈ ભીલનું નામ જુના હસ્ત લિખિત 7/12 8(અ) ના રેકોર્ડમાં ચાલતું હતું. વર્ષ 2005માં જ્યારે મેહસુલી રેકોર્ડનું કોમ્પ્યુટરાઈઝેશન થયું ત્યારે એમનું નામ ડેટા એન્ટ્રી વખતે ચઢાવવાનું રહી ગયું હતું. હવે આ જ બાબત લઈને કરશનભાઈ જેસંગભાઈ ભીલનો પૌત્ર વિજયભાઈ ભીમાભાઈ ભીલ દ્વારા વર્ષ 2012, 2019 અને 2020માં નર્મદા જિલ્લા વહીવટીતંત્રને લેખિત અરજી કરી પોતાના દાદાનું નામ દાખલ કરવા અરજી કરી હતી. છેલ્લા 8 વર્ષથી ફક્ત પોતાના સ્વ.દાદાનું નામ રેવન્યુ રેકર્ડમાં દાખલ કરાવવા જેવી સામાન્ય બાબતે ધરમના ધક્કા ખાવાનો આદિવાસી ખેડૂતને વારો આવ્યો હતો.

આ પણ વાંચો: નર્મદા: 108 એમ્બ્યુલન્સ સ્ટાફે વિકટ સ્થિતિ વચ્ચે મહિલાની પ્રસૂતા ઘરમાં જ કરાવી

આદિવાસી ખેડૂત વિજયભાઈ ભીમાભાઈ ભીલે જણાવ્યું હતું કે મેં મારા દાદાનું નામ દાખલ કરવા મેં મામલતદાર કચેરીએ ઘણી રજૂઆતો કરી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. 10/03/2016 નો ગુજરાત સરકારનો જ પરિપત્ર છે કે કોમ્પ્યુટરની કોઈ પણ ભૂલ થઈ હોય તો એ બાબતે 30 દિવસમાં સુધારા કરવાની સમગ્ર સત્તા જે તે તાલુકાના મામલતદારને આપેલી છે તે છતાં મને ધક્કા ખવડાવે છે. મારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી, મને મામલતદારને પણ મળવા જવા દેવાતો નથી. તંત્રના અધિકારીઓના દરવાજા આમ જનતા માટે ખુલ્લા ન હોય તો બીજા કોના માટે ખુલ્લા હોય. જો 2 દિવસમાં મારી અરજીનો નિકાલ નહિ થાય તો હું મામલતદાર કચેરીએ આમરણાંત ઉપવાસ કરીશ, તે છતાં જો મને ન્યાય નહિ મળે તો હું અહીંયા જ આત્મવિલોપન કરીશ.