Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા: તિલકવાડાના મામલતદારે માસ્ક વગર જ કર્યું ધ્વજવંદન, દંડ કરવા ઉઠી માંગ

નર્મદા: તિલકવાડાના મામલતદારે માસ્ક વગર જ કર્યું ધ્વજવંદન, દંડ કરવા ઉઠી માંગ

0
249
  • પી. કે. ડામોરે માસ્ક વગર ધ્વજવંદન અને વૃક્ષારોપણ કર્યું
  • નર્મદા કલેકટર જો જાહેરનામાનું પાલન કરતા હોય તો મામલતદાર કેમ કાયદાથી પર!
  • અગાઉ રાજપીપળા પાલિકાના મુખ્ય અધિકારી જયેશ પટેલ પણ માસ્ક વગર દેખાયા હતાં


વિશાલ મિસ્ત્રી રાજપીપળા:
કોરોના કહેર વચ્ચે 15મી ઓગસ્ટનાં દિવસે દેશભરમાં સરકારના જાહેરનામાનાં અમલ સાથે 74માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેથી સરકારે જાહેરનામું બહાર પાડી દરેક લોકોએ માસ્ક ફરજીયાત પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું સહિતનાં અનેક નિયમો ફરજિયાત બનાવ્યા છે. પરંતુ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના મામલતદાર (Narmada Tilakwada Taluka Mamlatdar) અને એક્સિક્યુટિવ મેજિસ્ટ્રેટ પી. કે. ડામોર જાણે કાયદાથી પર હોય એ રીતે સરકારના જાહેરનામાનો ભંગ કર્યો હતો. પી. કે. ડામોરે માસ્ક વગર ધ્વજવંદન અને વૃક્ષારોપણ કર્યું હતું જેથી એમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની માંગ ઉઠી છે.

(નર્મદા કલેકટર મનોજ કોઠારી)

નર્મદા કલેકટર મનોજ કોઠારીએ 15મી ઓગસ્ટના દિવસે રાજપીપળામાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નર્મદા કલેકટર સહિત કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ કોરોના મહામારીને લીધે સરકારના જાહેરનામાનું અદબ સાથે પાલન કર્યું હતું. જ્યારે બીજી બાજુ તિલકવાડા ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના ધ્વજવંદન સમારંભમાં તિલકવાડા તાલુકાના મામલતદાર અને એક્સિક્યુટિવ મેજિસ્ટ્રેટ પી. કે. ડામોરે (Narmada Tilakwada Taluka Mamlatdar) માસ્ક વગર ધ્વજવંદન, વૃક્ષારોપણ કર્યું હતું અને કોરોના વોરિયર્સને સન્માનિત પણ કર્યા હતાં. જ્યારે અન્ય તમામ લોકોએ માસ્ક ધારણ કર્યું હતું. નર્મદા કલેકટર જો જાહેરનામાનું પાલન કરતા હોય તો તિલકવાડા મામલતદાર કાયદાથી પર છે? એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે.

(તિલકવાડા તાલુકાના મામલતદાર પી. કે. ડામોર, પાછળ ઉભેલા કાળા કોટમાં)

આ પણ વાંચોઃ કોરોના નિયમોની અનદેખી પર ગુજરાત સરકાર સખ્ત, માસ્કનો નિયમ વધુ કડક બન્યો

હાલમાં પણ લોકો માસ્ક પહેરવામાં આળસ મરડે છે, કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય એ માટે ગુજરાત સરકારે માસ્ક ન પહેરનારને 1000 રૂપિયા દંડની જાહેરાત કરી છે. એ મુજબ દરેક જગ્યાએ તંત્ર દંડ વસુલે જ છે. અગાઉ નાંદોદના પ્રાંત અધિકારીએ સરકારી કચેરીમાં અચાનક પહોંચી જઈ માસ્ક વગર ફરજ બજાવી રહેલા સરકારી કર્મચારીઓને પણ દંડ કર્યો હતો. ઉચ્ચ સરકારી અધિકારીઓ જ જો કાયદાનો ભંગ કરતા હોય ત્યારે આમ જનતા પાસે કાયદાના પાલનની અપેક્ષા કેવી રીતે રાખી શકાય. તો તિલકવાડા તાલુકાના મામલતદાર અને એક્સિક્યુટિવ મેજિસ્ટ્રેટ પી. કે. ડામોરને પણ એ મુજબ દંડ કરાય એવી લોકોમાં માંગ ઉઠી છે. અગાઉ રાજપીપળા પાલિકાના મુખ્ય અધિકારી જયેશ પટેલે માસ્ક વગર જાહેરમાં દેખાયા હતાં. એમની વિરુદ્ધ પણ કાર્યવાહીની માંગ ઉઠી હતી. એમને દંડ કરાયો છે કે કેમ એ જાણી શકાયું નથી.

હાલમાં ઘણાં સરકારી અધિકારી અથવા પાર્ટીના નેતા જો માસ્ક વગર જાહેરમાં દેખાતા પોતે જ દંડ ભરી પ્રમાણિકતાનો દાખલો બેસાડ્યો છે. ત્યારે તિલકવાડા તાલુકાના મામલતદાર અને એક્સિક્યુટિવ મેજિસ્ટ્રેટ પી. કે. ડામોર પણ એમ કરે અથવા તો જે તે તાલુકાની પોલિસ એમની પાસે દંડ વસુલે એવી માંગ ઉઠી છે. નર્મદા કલેકટર તિલકવાડા તાલુકાના મામલતદાર પાસે દંડ વસૂલે છે કે પછી આંખ આડા કાન કરે છે એ હવે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ એક સાથે 23 કેદીઓ કોરોના પોઝિટિવ, રાજકોટ મધ્યસ્થ જેલમાં ખળભળાટ