Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા: ભારે વરસાદને કારણે ખેડૂતોને થયુ મોટુ નુકસાન,1240 હેક્ટરથી વધુ પાક ધોવાયો

નર્મદા: ભારે વરસાદને કારણે ખેડૂતોને થયુ મોટુ નુકસાન,1240 હેક્ટરથી વધુ પાક ધોવાયો

0
494

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લામાં સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી પરંતુ આ ખુશી બહુ લાંબી ના ચાલી. કેમ કે નર્મદામાં મેઘો ઓળઘોળ થતા ડેમો,નદી નાળા અને તળાવો છલકાવા લાગ્યા હતા. કરજણ ડેમ માંથી પાણી છોડાતા ખાસ કરીને કરજણ, નર્મદા નદી ગાંડીતુર બનતા કાંઠાના ખેતરોમાં પાણી ભરાતા નવા અને જુના બિયારણો પણ ધોવાઈ ગયા હતા. ખેતીવાડી વિભાગના સર્વે પ્રમાણે અત્યાર સુધી 840 હેક્ટર જમીનોમાં વાવણી કરેલ ખેતીમાં નુકસાન થયું છે અને હજુ સર્વે ચાલુ છે. જ્યારે બાગાયતી પાકોમાં પણ 500 થી વધુ હેક્ટર જમીનોમાં નુકસાન થયાનો અંદાજ છે. સર્વે હજુ ચાલુ છે ત્યારે જિલ્લામાં વરસાદથી મોટું નુકસાનનો અંદાજ લગાવાતા વરસાદ હવે મેઘકહેર વરસાવી રહ્યો છે તેમ ખેડૂતો કહી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે, મેઘરાજા વિરામ લે તો અમે ફરી ખેતર તૈયાર કરી બીજો કોઈ પાકવાવી શકીયે.

નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 890.8MM જેટલો વરસાદ પડ્યો જે ખુબ વધુ છે. જેમાં ડેડીયાપાડામાં 938 મિ.મિ,તિલકવાડામાં 934 મિ.મિ, નાંદોદમાં 923 મિ.મિ,ગરૂડેશ્વર 884 મિ.મિ,સાગબારા775 મિ.મિ.વરસાદ પડ્યો છે. જેથી કરજણ ડેમ સહીતના ડેમો પોતાના રુલ લેવલ પાર કરતા કરજણ માંથી 1 લાખ ક્યુસેકથી વધુ પાણી તબક્કા વાર છોડવામાં આવ્યું હતું. જેમાં કરજણ નદીના કાંઠાના ગામોને નુકસાન થયું છે. નીચાણ વાળા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એવી જ રીતે કેળા,શેરડી સહીત કપાસ,તુવર,મકાઈ અને સોયાબીન,શાકભાજી સહિતના પાકોનું ધોવાણ થઇ ગયું છે. ખેતીવાડી અને બાગાયત વિભાગ હાલ સર્વે કરી નુક્સાનીનો અહેવાલ કાઢી રહ્યા છે જે રાહત કમિશનરને રિપોર્ટ મોકલી જે તે સહાય સરકાર નક્કી કરશે.

જ્યારે હજરપુરાના ખેડૂત શંકર પટેલે જણાવ્યું કે, કરજણ સંકુલના અણગઢ વહીવટને કારણે અમારે 200થી 300 એકર જમીન ધોવાઈ ગઈ એક ખેડૂતને 1થી દોઢ લાખના તો બિયારણ તણાઈ ગયા. હજુ ફરી વાર બિયારણ લાવીએ ખેતર તૈયાર કરીએ. અમારે આત્મહત્યા કરવા જેવો ઘાટ થયો છે. સરકાર જરૂરીસહાય કરે નહી તો કરજણ વિભાગ સામે નુકસાનીના વળતરનો કેશ કરીશું એવી ચીમકી આપી છે.

નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાને જોડતો હેરણ બ્રિજનો એપ્રોચ રોડ તૂટ્યો, અવર-જવર બંધ.