Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા જિલ્લા ભાજપ સંગઠન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં છેડાયું યુદ્ધ, ગંભીર આક્ષેપોનો મારો

નર્મદા જિલ્લા ભાજપ સંગઠન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં છેડાયું યુદ્ધ, ગંભીર આક્ષેપોનો મારો

0
1567

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ-મહામંત્રી વરણી મુદ્દે કાર્યકરો બે જૂથમાં વહેચાયા છે. થોડા દિવસો અગાઉ નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોક પટેલની એક ઓડિયો કલીપ વાયરલ થઈ હતી જેમાં ભાજપ સંગઠન હોદ્દેદારો પર ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. એ ઓડિયો કલીપ વાયરલ થયા બાદ સાંસદ મનસુખ વસાવા પણ ગિન્નાયા હતા અને અશોક પટેલને ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરવા પડકાર ફેંક્યો હતો. આ તમામ ઘટનાક્રમ દરમીયાન ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પણ આ મામલે ગંભીર નોંધ લેવાઈ હતી. તો સાંસદ મનસુખ વસાવાના વલણ બાદ જુના કાર્યકરોમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે સાંસદ દ્વારા નર્મદા જિલ્લાના જુના પીઢ કાર્યકરોને દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખની ઓડિયો કલીપ વાયરલનો વિવાદ હજુ થમ્યો નથી ત્યાંતો બીજો એક વિવાદ પેદા થયો છે. સોશિયલ મીડિયામાં નર્મદા જિલ્લા ભાજપના સંગઠન વિરુદ્ધનું એક લખાણ વાયરલ થયું છે. જે લખાણમાં ઓડિયો કલીપ કરતા વધુ ગંભીર આક્ષેપ લગાવાયા છે.

શુ જણાવાયું છે વાયરલ લખાણમાં
“અશોક પટેલ(ભદામ) એક નિષ્ઠાવાન અને પાયાના ભાજપ કાર્યકર છે. માટે એમને દબાવવાનો કે રાજકીય રીતે સતાવવાનો પ્રયત્ન સાંખી લેવામા નહિ આવે એવો તમામ જુના કાર્યકરોનો આક્રોશ છે. નર્મદા જિલ્લામાં વર્ષોથી ભાજપ માટે જાન આપી દેનાર પાયાના કાર્યકરો હાલ સુસુપ્ત અવસ્થામાં બેઠેલા છે, જ્યારે સત્તા પર બેઠેલાં તમામ નેતાઓના કાળા કારનામા અને ભ્રષ્ટાચારથી વાકેફ છે. વહીવટમાં બેઠેલા મોટા માથાઓના ખાઈકીના પુરાવા ના હોય એ દુનિયા જાણે છે. અને તેઓ એ પણ જાણે છે કે, હાલમાં આ ગાદી પર બેઠેલા નેતાઓ અત્યારે મયુર નૃત્ય કરે છે અને નાચતા નાચતા એ વિચારે છે કે અમે કેટલા સુંદર લાગીએ છે. પણ એ ભૂલી જાય છે કે પીંછા ઊંચા કરીને નૃત્ય કરવાથી એની પાછળની બાજુ લોકો જોઈને હશે છે. તમામ નિષ્ઠાવાન પાયાના કાર્યકરો હાલ નારાજ છે. શા માટે વર્ષોથી ગણ્યા ગાંઠ્યા લોકો જ ગાદી પર બિરાજે છે. કારણ કે તમામ પ્રકારના સેટિંગથી તેઓ પરિચિત છે. માટે હવે કોઈ અન્ય નવાની નિમણુંક એમના માટે જોખમકારણ છે. રાજપીપળા નગરપાલિકાના 33 કરોડના વિકાસના કામોનું ભ્રષ્ટાચાર કોની મિલીભગત અને ક્યાં નેતાના આશિર્વાદથી થયેલ છે એ પણ લોકો જાણે છે. અશોકભાઈના નિવેદનના ઢોલ નગારા કોણે વગાડ્યા? શા માટે વગાડ્યા? એ રાજપીપળા વિધાનસભાના તમામ લોકો જાણે છે કે 2007માં ક્યાં લોકોએ હર્ષદ ભાઈ વસાવાની સામે નગારા વગાડ્યા હતા. અશોકભાઈએ તો એક સામાન્ય અને સંસ્કારી ભાષામાં પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. આજે એક અશોક ભાઈને દબાવશો તો બીજા 10 અશોક ભાઈ પેદા થશે.માટે યાદ રાખજો કે તમામ લોકો અને પાયાના કાર્યકરો તમારી લીલાથી વાકેફ છે. માત્ર ભાજપની અદબ જાળવીને બેઠા છે એ ના ભૂલશો.

વાયરલ લખાણમાં આ મુદ્દા ઘણા સવાલો પેદા કરે છે
વાયરલ લખાણમાં એમ જણાવાયું છે કે રાજપીપળા પાલિકામાં 33 કરોડના વિકાસના કામોનું ભ્રષ્ટચાર કોની મિલીભગત અને ક્યાં નેતાના આશીર્વાદથી થયો છે. 2007માં ક્યાં લોકોએ હર્ષદ ભાઈ વસાવાની સામે નગારા વગાડ્યા હતા. હવે આ બન્નેવ બાબતે વિગતે વાત કરીએ તો રાજપીપળા પાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપના જ પૂર્વ 4 સભ્યોએ RTI હેઠળ માહિતી માંગી છે. એ માહિતી મુજબ ભ્રષ્ટાચાર થયો છે કે કેમ એ નક્કી થશે.પણ રાજપીપળા પાલિકાનો મામલો હાલ ઘણો ગરમાયો છે તો એ મુદ્દે ભરૂચ સાંસદ મનસુખ વસાવા કઈક તો બોલે એવી કાર્યકરોમાં માંગ છે. બીજી બાબત એ છે કે 2007 માં હર્ષદ વસાવા જ્યારે ભાજપની ટિકિટ પર નાંદોદ વિધાનસભા ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે એમની સામે ભાજપના જ એક જૂથે અપક્ષ ઉમેદવાર ઉતાર્યો હતો એનું નિશાન હતું નગારૂ તો એ સમયે હર્ષદ વસાવા માત્ર 600 મતથી જીત્યા હતા એ જે તે સમયના ભાજપના ઉચ્ચ હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યોની જ દેન કહી શકાય.


શુ નર્મદા જિલ્લાના વર્તમાન અને જૂના ભાજપના કાર્યકરો સામ સામે આવી ગયા છે?
નર્મદા જિલ્લા ભાજપના વર્તમાન સંગઠન વિરુદ્ધ જુના ભાજપ કાર્યકરોનું એક મોટું જૂથ સક્રિય થયું છે. ઘણી બધી વાર પ્રદેશ કક્ષાએ રજૂઆતો થઈ ચૂકી છે. ભૂતકાળમાં પણ ઘણી રજૂઆતો કરાઈ છતાં પાણીનું નામ ભુ. હાલમાં જાણે નર્મદા જિલ્લા ભાજપ સંગઠન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં યુદ્ધ છેડાયું હોય એવી સ્થિતિ પેદા થઈ છે. તો એમ જરૂર કહી શકાય કે નર્મદા જિલ્લાના વર્તમાન અને જૂના ભાજપના કાર્યકરો સામ સામે આવી ગયા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી: આદિવાસીઓ મોદીનો છેદ ઉડાવી ડોનાલ્ડ ટ્રમ્પને કરશે રજૂઆત, કહ્યું મોદી પર વિશ્વાસ નથી