Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નર્મદા ધારીખેડા સુગર ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ, સરકાર સામે સહકારનો જંગ

નર્મદા ધારીખેડા સુગર ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ, સરકાર સામે સહકારનો જંગ

1
306
  • નર્મદા ધારીખેડા સુગર ચૂંટણી માટે બન્ને પેનલના સમર્થકો વચ્ચે સોશિયલ મીડિયામાં વૉર
  • સરકાર સામે સહકારની જીત થશે કે હારનો સ્વાદ ચાખશે? તેના પર સૌની નજર
  • ધારીખેડા સુગર કર્મચારીની ચૂંટણીનો આડકતરી રીતે પ્રચાર કરતી કથિત ઓડિયો કલીપ વાયરલ

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા-ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ ની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીમાં આગામી 26મી ઓક્ટોબરના રોજ 8450 મતદારો મતદાન કરશે.

નર્મદા-ભરૂચ જિલ્લાના સહકારી આગેવાન ધારીખેડા સુગર-ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલની ખેડૂત સહકાર પેનલ અને ભરૂચ ડિસ્ટ્રીકટ બેંક-ગુજકોમાસોલના ડિરેકટર સુનિલભાઈ પટેલની ખેડૂત પ્રગતિ પેનલ વચ્ચે ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે.

નર્મદા ધારીખેડા સુગર ચૂંટણી માટે હાલ બન્ને પેનલના સમર્થકો વચ્ચે સોશિયલ મીડિયા રીતસરનું યુદ્ધ જામ્યું છે. હાલની ચૂંટણીની જો વાત કરીએ તો, ઘનશ્યામભાઈ પટેલની તરફેણમાં ભરૂચના ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા, અંકલેશ્વરના MLA અને રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરભાઈ પટેલ, વાગરાના MLA અરુણસિંહ રણા (ભાજપ), ભરૂચના MLA દુષ્યંત પટેલ (ભાજપ) પ્રચાર કરી રહ્યા છે, તો નાંદોદના MLA પી.ડી.વસાવા (કોંગ્રેસ) પણ પાછલા બારણે પ્રચાર કરી રહ્યા છે.

બીજી બાજુ સુનિલભાઈ પટેલની તરફેણમાં નાંદોદના પૂર્વ MLA અને રાષ્ટ્રીય આદિજાતિ આયોગના પૂર્વ ડિરેક્ટર હર્ષદભાઈ વસાવા મેદાનમાં ઉતર્યા છે.

આ પણ વાંચો: ચીન સીમા નજીક સેનાના જવાનો સાથે દશેરા મનાવશે રાજનાથ સિંહ, કરશે શસ્ત્ર પૂજા

ગત ચૂંટણીની જો વાત કરીએ તો, હાલની ચુંટણી કરતા ચિત્ર કઈક અલગ જ હતું, ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા, નાંદોદના પૂર્વ MLA હર્ષદભાઈ વસાવા સહિત અનેક આગેવાનો ઘનશ્યામભાઈ પટેલની વિરુદ્ધમાં હતા. આમ છતાં ઘનશ્યામભાઈ પટેલે બહુમતી સભ્યો સાથે જીત મેળવી હતી.

ચૂંટણી પરિણામ બાદ ઘનશ્યામભાઈ પટેલે એવું નિવેદન આપ્યું હતું કે, આ સરકાર સામે સહકારનો વિજય છે. આ વખતે હર્ષદભાઈ વસાવાને બાદ કરતાં સરકારના સભ્યો ઘનશ્યામભાઈ પટેલની ફેવરમાં પ્રચાર કરી રહ્યા છે, તો હાલની ચૂંટણી પણ સરકાર સામે સહકારનો જંગ છે એમ જરૂર કહી શકાય.

હા પણ આ વખતે અમુક નેતાઓએ પ્રચાર માટે પોતાની પાટલી જરૂર બદલી છે, સહકારી રાજકારણમાં ઘનશ્યામભાઈ પટેલને મ્હાત આપવી એટલે લોખંડના ચણા ચાવવા બરાબર છે એ બાબત સમજી ગયા હોવાથી ભાજપના એક સિનિયર નેતાએ ઘનશ્યામભાઈ પટેલની ફેવરમાં ક મને પણ પ્રચારમાં ઉતરવુ પડ્યું છે એવું ચર્ચાઈ રહ્યું છે. હવે આ વખતનું પરિણામ સરકાર સામે સહકારની જીત લાવશે કે સહકાર સામે સરકારની જીત એની પર સૌની મીટ મંડાઈ છે.

2007 ની વિધાનસભા ચૂંટણી જેવો માહોલ બન્યો
સંગઠનના વિરોધ છતાં વર્ષ 2007 વિધાનસભા ચૂંટણીમાં નાંદોદ બેઠક માટે હર્ષદભાઈ વસાવાને ભાજપે મેદાનમાં ઉતર્યા હતા.કહેવાય છે કે નર્મદા જિલ્લા ભાજપના જ ઉચ્ચ હોદ્દેદારોએ તડવી સમાજના આગેવાનને અપક્ષ ઉમેદવારી કરાવી હતી.એક તરફ આખું સંગઠન તો બીજી તરફ હર્ષદભાઈ વસાવા સાથે ગણ્યા ગાંઠ્યા કાર્યકરો તે છતાં નજીવી સરસાઈથી હર્ષદભાઈ વસાવાએ ચૂંટણી જીતી હતી.નર્મદા ધારીખેડા સુગરની ચૂંટણીમાં પણ એવો જ માહોલ બન્યો છે, જોવું એ રહ્યું કે પરિણામ શુ આવે છે.

ચૂંટણી અધિકારી સુગરના કર્મચારીની કથિત ઓડિયો કલીપ બાદ કાર્યવાહી કરશે?
નર્મદા ધારીખેડા સુગર ચૂંટણીના ચૂંટણી અધિકારી નરેન્દ્ર પટેલે સુગરના કર્મચારીઓને ઉમેદવારનો પ્રચાર ન કરવા લેખિતમાં તાકીદ કરી છે.જો કોઈ પણ કર્મચારી એમ કરતાં પકડાશે તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે એમ જણાવ્યું છે.

હાલમાં જ ધારીખેડા સુગરના એક કર્મચારીની કથિત ઓડિયો કલીપ વાયરલ થઈ છે. જેમાં તેઓ એક સભાસદ સાથે અપશબ્દો બોલતા અને આડકતરી રીતે સુગર ચૂંટણી માટે પ્રચાર કરતા જણાઈ આવે છે.તો શું આ મામલે ચૂંટણી અધિકારી કાર્યવાહી કરશે કે કેમ એ જોવું રહ્યું.