Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ખુશખબર! ઉપરવાસમાં થયેલ ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટીમાં વધારો

ખુશખબર! ઉપરવાસમાં થયેલ ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટીમાં વધારો

0
309

રાજ્યમાં ચોમાસું જામી રહ્યું છે, હવામાન વિભાગ પણ હાલમાં વરસાદને લઈને આગાહીઓ કરી રહ્યું છે. તેવામાં ખેડૂતો માટે એક સારા સમાચાર તે છે કે, નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવરની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવરની સપાટી હાલમાં 120.3 મીટરે પહોંચી છે.

રાજ્યના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે ખેડૂતોને આજથી સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે આજે અષાઢી બીજના અવસરે સરકારે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. આજે એટલે કે, અષાઢી બીજની પાવન દિવસે નર્મદાની મુખ્ય કેનાલમાં 5300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તે ઉપરાંત સરકારે સૂકી ભઠ્ઠ પડેલી નર્મદાને જીવંત રાખવા માટે ડેમના ગોડબોલે ગેટમાંથી 595 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આ પાણી નર્મદા નદીને જીવંત રાખવાનું કામ કરશે.

ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદથી નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમમાં 16033 ક્યુસેક પાણીની આવક થતા મુખ્ય કેનાલમાંથી 5307 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. મુખ્ય કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોને ચોમાસામાં વરસાદ ખેંચાશે તો પણ સિંચાઈ માટે પાણી મળી રહેશે. ઉલ્લેખનિય છે કે, રાજ્યના ખેડૂતો ઉનાળાથી સિંચાઈ માટે પાણીની માંગણી કરી રહ્યાં હતા.