Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > રાજપીપળામાં વેરા વધારા મુદ્દે નાંદોદ MLA આવ્યા મેદાનમાં, પાલિકાને લખ્યો પત્ર

રાજપીપળામાં વેરા વધારા મુદ્દે નાંદોદ MLA આવ્યા મેદાનમાં, પાલિકાને લખ્યો પત્ર

0
709

વિશાલ મિસ્ત્રી,રાજપીપળા: રાજપીપળા પાલિકા દ્વારા હાલ વેરા વધારા મુદ્દે કાર્યવાહી હાથ ધરાઈ છે.કોરોના મહામારી વચ્ચે લોકડાઉન અમલી બનાવ્યું છે, લોકોના ધંધા રોજગાર બંધ છે એવી સ્થિતિમાં રાજપીપળા પાલિકાની વેરા વધારવાની કાર્યવાહી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજપીપળા પાલિકાના 6 સભ્યો વેરો ન વધારવા મુદ્દે ઝૂંબેશ ચલાવી રહ્યા છે. અગાઉ ભરૂચ સાંસદે પણ રાજપીપળા શહેર ભાજપ અગ્રણીઓ સાથે વેરા વધારા મુદ્દે એક બેઠક કરી હતી, એ બેઠકમાં હાજર લોકોએ હાલમાં તો વેરો ન જ વધારવો જોઈએ અને જ્યારે પણ વધારે તો હાલના વેરા કરતા 10 % જેટલો જ વધારવો જોઈએ એવો મત આપ્યો હતો. રાજપીપળા પાલિકામાં વેરા ન વધારવા મુદ્દે 3000 જેટલી અરજીઓ આવી છે.ત્યારે નાંદોદના કોંગ્રેસી ધારાસભ્ય પી.ડી.વસાવાએ પણ વેરા વધારા મુદ્દે ફેર વિચારણા કરવા રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારીને એક પત્ર લખી રજુઆત કરી છે.


નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાએ પત્રમાં જણાવ્યું છે કે હાલ કોરોના સંકટને લીધે લોકડાઉન અમલી બન્યું છે, લોકોના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે, લોકો આર્થિક મુશ્કેલીમાં આવી ગયા છે.રાજપીપળા પાલિકા દ્વારા વેરા વધારવા બાબતે જે નિર્ણય લેવાઈ રહ્યો છે એ હાલના સમય માટે ઉચિત નથી.હાલના કપરા સમય માટે વેરા વધારવાની બાબત ફેર વિચારણા કરવાની જરૂર છે.તો નગરજનોને કોઈ આર્થિક સંકટ ન નડે એની કાળજી લઈ વેરા વધારા બાબતે ફેર વિચારણા થાય એવી મારી વિનંતી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજપીપળા પાલિકા દ્વારા વેરા વધારવા મુદ્દે હાલમાં આક્ષેપ પતિ આક્ષેપો ચાલી રહ્યા છે, રાજકારણ પણ ગરમાયુ છે.આવનારી પાલિકા ચૂંટણીમાં વેરા વધારાનો મુદ્દો પરિણામ પર જરૂર અસર કરી શકે છે.ત્યારે શું નાંદોદ ધારાસભ્યના પત્ર બાદ પાલિકા ફેર વિચારણા કરવાની કાર્યવાહી કરે છે કે કેમ એ જોવું રહ્યું.

અમદાવાદ પોલીસકર્મીઓ માટે કમિશનરે લીધો મહત્વપુર્ણ નિર્ણય