Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: મ્યુકર માઇકોસિસ અને ગુલીન બારી સિન્ડ્રોમ

#Column: મ્યુકર માઇકોસિસ અને ગુલીન બારી સિન્ડ્રોમ

0
385

ડૉ.જયનારાયણ વ્યાસ: રાજ્યમાં હવે કોરોનાના કેસ ઘટવા માંડ્યા છે. ખાનગી કોવિડ હોસ્પિટલોમાં છેલ્લાં દસ દિવસમાં 21 ડિસેમ્બર 2020ની સ્થિતિએ દર્દીઓની સંખ્યા 50 ટકા ઘટી છે. 73 ટકા બેડ ખાલી છે. વેન્ટિલેટર પર 88 દર્દી સારવાર લઈ રહ્યા છે, 154 બેડ ખાલી છે. આઈસીયુમાં 174 દર્દી સારવાર લઈ રહ્યા છે, 352 બેડ ખાલી છે.  Mucor Mycosis

આઇસોલેશન વોર્ડમાં 313 દર્દી સારવાર લઇ રહ્યા છે, 1022 બેડ ખાલી છે. એક બાજુ કેસ ઓછા થાય છે તો બીજી બાજુ ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સંખ્યા વધે છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ઘણા દિવસો બાદ નવા કેસની સંખ્યા 1000 નીચે આવી છે. આમ રાજ્યમાં 46 દિવસ બાદ દૈનિક 1000થી ઓછા એટલે કે 960 કેસ નોંધાયા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ છેલ્લાં 25 દિવસમાં ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 21 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે દૈનિક નોંધાતા દર્દીઓમાં 40.26 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. 27 નવેમ્બર 2020ના દિવસે એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 1607 કેસ નોંધાયા હતા જે 21મી ડિસેમ્બર 2020ના દિવસે ઘટીને 960 જેટલા થયા છે. આમ દૈનિક કેસ નોંધાવવાની સંખ્યામાં 647નો ઘટાડો થયો છે. આજ સમયગાળા દરમિયાન એક્ટિવ કેસની સંખ્યા 14,732 હતી જે ઘટીને 11,625 થઈ એટલે કે 3107નો ઘટાડો નોંધાયો. આમ કોરોનાના ક્ષેત્રે ગુજરાત રાહતનો શ્વાસ લે સ્થિતિનું નિર્માણ થયું છે. ઠંડી વધશે એટલે કોરોનાના કેસ વધશે તેવી દહેશત હજુ સુધી તો ખોટી પડી છે. પણ આ સ્થિતિમાં એક નવી દિશાએથી ચિંતા ઊભી થઈ છે. આ ચિંતાનું કારણ છે એક જૂનો પુરાણો પણ પ્રમાણમાં ખૂબ ઓછો જાણીતો મ્યુકર માઇકોસિસ.  Mucor mycosis

મ્યુકર માઇકોસિસનો રોગ નવો નથી પણ એની ઘાતકતા ઘણી વધારે છે. આ રોગના કિસ્સા હમણાં હમણાં વધવા માંડ્યા છે જેના સામે જાગૃતિ દાખવી રાજ્યના આરોગ્ય વિભાગે ગાઈડલાઇન (એડવાઈઝરી) બહાર પાડી છે. કોરોના સંક્રમિત દર્દીઓમાં રોગપ્રતિરોધક શક્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો હોય ત્યારે ત્રાટકતા આ મ્યુકર માઇકોસિસ રોગ સામે સજાગ રહેવું જરૂરી બને છે કારણ કે આ રોગમાં મૃત્યુનું પ્રમાણ ઘણું ઊંચું છે.  Mucor mycosis

આ રોગનાં લક્ષણો નીચે મુજબ છે.

(1) ચહેરા ઉપર એક જ બાજુ સોજો આવવો અને આંખ ઝીણી થઈ જવી
(2) માથું દુ:ખવું, તાવ આવવો
(3) નાક ભરાઈ જવું (સાઇનસ)
(4) મ્હો-નાકની અંદરની બાજુ ઉપરની સાઈડે કાળાં નિશાન પડી જવા
(5) શ્વાસ લેવામાં તકલીફ
(6) છાતીનો દુ:ખાવો, પેટનો દુ:ખાવો
(7) ઊલટી થવી (વોમિટીંગ)

અમદાવાદ અને રાજકોટના કેટલાક દરદીઓને કોરોના મટયા બાદ આ રોગ થયો હોવાનું જાણવામાં આવ્યું છે. આ દરદીઓમાંથી કેટલાકના મૃત્યુ પણ થયા છે. પરિસ્થિતીની ગંભીરતાને ધ્યાને લઈ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના જાહેર આરોગ્ય શાખાના અધિક નિયામક ડૉ. દિનકર રાવલે આરોગ્ય તંત્રના અધિકારીઓ/તબીબોને આ સંદર્ભે એક માર્ગદર્શિકા (એડવાઇઝરી) મોકલી છે.  Mucor mycosis

આ માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ મ્યુકર માઇકોસિસ એક પ્રકારની ફૂગથી થતો રોગ છે અને જેમની રોગપ્રતિરોધક શક્તિ ખૂબ ઘટી ગઈ હોય અથવા અન્ય બીમારીઓ હોય તેમને આ રોગનો ચેપ લાગવાની સંભાવના વધુ હોય છે. આ રોગ કંઈ હમણાં જ સપાટી પર આવ્યો છે એવું નથી. ભૂતકાળનાં વરસોમાં પણ એના છૂટાછવાયા કેસ રાજ્યમાં જોવા મળ્યા હતા. પણ હાલની કોરોનાની પરિસ્થિતિમાં રાજકોટ તેમજ અમદાવાદમાં આ રોગના કેટલાક દરદીઓ જોવા મળતાં ફંગલ ઇન્ફેકશન જે મહદ્અંશે શ્વાસોશ્વાસને કારણે થાય છે તેને કારણે થતા મ્યુકર માઇકોસિસ રોગ સામે જરૂરી પગલાં લેવા માટે રાજ્ય સરકારે પોતાના આરોગ્ય તંત્રને સાબદું કર્યું છે અને આ રોગ બાબતે અધિક નિયામક જાહેર આરોગ્ય દ્વારા જરૂરી સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે. આ રોગ અગાઉ જણાવ્યું તેમ કોરોના સંક્રમિત અને રોગ પ્રતિરોધક શક્તિ ખૂબ ઘટી ગઈ હોય તેને થવાની સંભાવના વધુ રહે છે.

મ્યુકર માઇકોસિસથી બચવા માટે નીચે મુજબની તકેદારી રાખવી જોઈએ :

(1) એન-95 માસ્ક પહેરવો અને વાતાવરણથી થતા ઇન્ફેક્શનથી બચવું.
(2) બાંધકામ ક્ષેત્રના કામથી ઉત્પન્ન થતી ધૂળ, પાણીના ભેજથી ક્ષતિગ્રસ્ત થયેલી ઇમારતો વિગેરેથી દૂર રહેવું.
(3) બુટ પહેરવા, પેન્ટ, લાંબી બાંયનું શર્ટ તેમજ હાથમોજાં પહેરવાં.
(4) સ્કીન ઈન્જરી એટલે કે ચામડી કપાઈ ગઈ હોય (શાક સમારતાં પણ આંગળી એ કાપા પડતા હોય છે, શિયાળામાં વાઢીયા પડે છે, ચામડી પણ ફાટે છે) તો સાબુ કે ડેટોલ મિશ્રિત પાણીથી તેને ધોઈ નાખવી

કોરોનાના રોગમાં મૃત્યુ સામે લડતા દરદીઓમાં જ્યારે કોરોના વાયરસ ફેફસાંમાં વધુ સક્રિય થઇ સાઇટોકાઇમ સ્ટ્રોમમાં ન પરિણામે તે માટે રોગપ્રતિરોધક શક્તિ ઘટાડવા દવા અપાય છે જે પણ મ્યુકર માઈકોસિસ માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરી દે છે.  Mucor Mycosis

ગુલીન બારી સિન્ડ્રોમની વાત કરીએ તો હાલ આ સિઝનમાં ગુલીન બારી સિન્ડ્રોમના કેસ આમેય જોવા મળે છે એટલે બધામાં કોવિડ ટેસ્ટ પોઝિટિવ ન પણ મળે. ગુલીન બારી સિન્ડ્રોમનો રોગ જૂનો રોગ છે અને વાયરસને કારણે થાય છે. Mucor Mycosis

• આ બીમારીને કારણે હાથપગ કામ કરતા બંધ થઇ જાય છે. આ રોગ સામે સારવાર આપવાનું કામ ન્યુરોફિઝિશિયનનું છે. જેમ પાવરહાઉસમાંથી નીકળતી વીજળીનો પ્રવાહ ઘર સુધી દોરડાના કનેક્શન માધ્યમથી પહોંચે છે અને તેમાં ક્યાંક ભંગાણ થાય તો વીજ પુરવઠો ખોરવાય છે બરાબર તે જ રીતે GBSને કારણે માણસના ચેતાતંત્રની નસોમાં ગરબડ ઊભી થાય છે જેના કારણે જે અવયવો પર એનું પ્રભુત્વ હોય એ હાથ અથવા પગ કામ કરતા બંધ થાય છે.

પહેલાં ગુલીન બારી સિન્ડ્રોમના દરદીઓ જવલ્લે જ જોવા મળતા તેને બદલે રાજકોટના ડૉ. તેજસ મહેતા – ન્યુરોફિઝિયોલોજીસ્ટ, જેઓ હાલ રાજકોટ અને જામનગર સિવિલ હોસ્પિટલમાં સેવા આપે છે તેમજ ગુલીન બારી સિન્ડ્રોમ (જીબીએસ) પર સંશોધન કરી રહ્યા છે તેમના અનુભવ પ્રમાણે હમણાં જીબીએસના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. લગભગ આંતરે દિવસે હવે જીબીએસના કેસ આવે છે.  Mucor Mycosis

આ પણ વાંચો: #Column: બ્રિટનમાં દેખાયેલો નવો વાયરસ 70 ટકા વધુ ચેપ ફેલાવે છે પણ એટલો ઘાતક નથી

ગુલીન બારી સિન્ડ્રોમનો દરદી પહેલા ચાલવામાં નબળાઈ અનુભવે છે. બે-એક દિવસમાં તો એ પથારીવશ થઈ જાય છે. આમાંના નેવું ટકા પેશન્ટ અગાઉ કોરોના થયો હોય તેવા અને 50 ટકા વેન્ટિલેટર પર રખાયા હોય અથવા પ્લાઝમા થેરાપી લીધી હોય તેવા હોય છે. આ રોગની ઘાતકતા 13 ટકા જેટલી છે પણ ડૉ. તેજસ મહેતાના અનુભવ અને મત પ્રમાણે જો સમયસર અને યોગ્ય સારવાર મળે તો આ દર્દીઓ છ મહિનામાં સાજા થઇ જાય છે, કેટલાક તો આથી પણ વધુ ઝડપે રિકવર થઇ જાય છે. ડૉ. તેજસ મહેતા કહે છે કે કોરોના થયો હોય કે ન થયો હોય એકાએક હાથ-પગમાંથી શક્તિ જતી રહી છે તેવું લાગે, શ્વાસોશ્વાસમાં તકલીફ લાગે તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી જવું જોઈએ. સમયસર દાકતરી સારવાર શરૂ કરવામાં આવે તો આ રોગની ઘાતક નથી રહેતો. પણ જે લોકો મોડા પહોંચે છે તેમને માટે તો આ રોગ ઘાતક બને છે કારણ કે એક વાર પ્રસરી જાય ત્યારબાદ તેને રોકવાનો કોઈ નીવડેલ માર્ગ નથી. આ થઈ પગથી શરુ કરીને પછી કેડ, ફેફસાં અને આગળ મગજ સુધી પ્રસરતા જીબીએસની વાત. ડૉ. કમલેશ ઉપાધ્યાયના મત પ્રમાણે આ રોગ શરીરના ઉપરના ભાગથી પણ શરૂ થઈ શકે, જેમાં પહેલા મોં ઉપર લકવો થયો હોય તેવાં લક્ષણો દેખાય. ત્યારબાદ ફેફસાં અને આગળ વધતાં કમર તેમજ પગ એની પકડમાં આવે. કોઈ પણ વીજળીના વાયરને જેમ પ્લાસ્ટીકનું ઇન્સ્યુલેટર (આવરણ) હોય તેવું ચેતાને પણ આવરણ હોય છે. આ આવરણમાં નુકસાન થવું

એટલે ગુલીન બારી સિન્ડ્રોમ. મોટા ભાગે આ રોગ પગથી શરુ થાય છે. ત્યારબાદ હાથનો વારો અને બે હાથની વચ્ચે આવેલા છાતીની પાંસળીઓનું પિંજરું જેના કારણે હલનચલન કરે છે તે સ્નાયુને નિયંત્રિત કરતી ચેતા આ રોગના ભરડામાં આવે એટલે ફેફસાંનું શ્વાસોશ્વાસનું કામ અટકે અને દરદીને વેન્ટિલેટરની જરૂર પડે. આ રોગ ઉપર પ્રસરે એટલે મગજમાંથી નીકળતી ચેતાથી નિયંત્રિત થતા ચહેરાથી ખભા સુધીના સ્નાયુઓ પકડમાં આવે. ક્યારેક આ રોગ ઉપરથી નીચે પણ પ્રસરી શકે.  Mucor mycosis

ટૂંકમાં ગુલીન બારી સિન્ડ્રોમ ચેતાતંત્રને નુકસાન થવાને કારણે થતો રોગ છે. તેથી વિપરીત મ્યુકર માઇકોસિસ ફૂગને કારણે થતો રોગ છે. રોગપ્રતિરોધક શક્તિ ઘટી ગઈ હોય એવી કોઈ પણ વ્યક્તિ આ રોગનો ભોગ સહેલાઈથી બની શકે છે. જ્યારે ગુલીન બારી સિન્ડ્રોમ ચેતાતંત્રને નુકસાન થવાથી થતો રોગ છે.  Mucor mycosis

અંતે એક વાત સ્પષ્ટ કરવાની કે આ બંને રોગ આપણે ત્યાં વરસોથી છે, આ કોઈ નવા રોગ નથી અને બંને સામે પૂરતી કાળજી રાખવામાં આવે તો આપણે ત્યાં નિષ્ણાત ડોક્ટરો તેમજ સિવિલ હોસ્પિટલ જેવી સરકારી હોસ્પિટલો પણ છે જ્યાં આની સારામાં સારી ટ્રીટમેન્ટ મળી શકે છે. એટલે મ્યુકર માઇકોસિસ અથવા ગુલીન બારી સિન્ડ્રોમથી ગભરાઈ જવાની જરૂર નથી પણ એ ના થાય એ માટેની પુરતી કાળજી ચોક્કસ રાખવી.  Mucor mycosis

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9