નવી દિલ્હી: દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે નવા કેસ 30 હજારની આસપાસ આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, ગત 24 કલાકમાં દેશમાં 30,256 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 295 લોકોના કોરોનાથી મોત થયા છે.
બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 43,938 લોકો સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 3,18,181 છે. બીજી તરફ રિકવર થઇને ઘરે પરત ફરી ચુકેલા લોકોની સંખ્યા 3,27,15,105 થઇ ગઇ છે. બીજી તરફ 4,45,133 લોકોના અત્યાર સુધી કોરોનાથી મોત થઇ ચુક્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે નવા કેસ આવ્યા બાદ કોરોનાના એક્ટિવ કેસમાં 13,977 કેસનો ઘટાડો થયો છે. મંત્રાલય અનુસાર દેશમાં કોરોનાના કેસની કુલ સંખ્યા હવે 3,34,78,419 થઇ ગઇ છે.
કેરળમાં સૌથી વધુ કેસ
કેરળમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. છેલ્લા એક દિવસમાં કોરોનાના કુલ 30,256 કેસમાંથી આશરે 20 હજાર કેસ એકલા કેરળમાં આવ્યા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19,653 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 152 લોકોના મોત થઇ ગયા છે. કેરળના જે વિસ્તારમાં કોરોના વાયરસ સંક્રમણનો પ્રસાર વધુ છે, ત્યા વિશેષ રીતે લૉકડાઉન પ્રતિબંધ લાગુ કરવામાં આવશે.