Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં વધુ 8 પોલીસ કર્મીઓ કોરોનાથી સંક્રમિત, નાઈટ પેટ્રોલિંગ માટે ખાસ વ્યવસ્થા કરાઈ

અમદાવાદમાં વધુ 8 પોલીસ કર્મીઓ કોરોનાથી સંક્રમિત, નાઈટ પેટ્રોલિંગ માટે ખાસ વ્યવસ્થા કરાઈ

0
320

અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોના વાઈરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે, એમાંય ખાસ કરીને ગુજરાતમાં કોરોનાનો વધારે કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે, ત્યારે કોરોના સામે લડાઈમાં ફ્રન્ટ વૉરિયર ગણાતા પોલીસ કર્મચારીઓ પણ કોરોનાનો શિકાર બનતા ચિંતા વધી છે.

કોરોનાના સામેની જંગમાં મહત્વની ભૂમિકા ભજવતા ડોક્ટરો-નર્સો સહિતના મેડિકલ સ્ટાફ કોરોનાનો શિકાર બનતા હતા. હવે કોરોનાના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લાગૂ લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે પોતાના જીવના જોખમે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પણ કોરોનાનો શિકાર બની રહ્યાં છે. અમદાવાદમાં ફરજ બજાવતા 8 પોલીસ કર્મચારીએનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના હોટસ્પોટ એવા કોટ વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. શહેરના જમાલપુર, દરિયાપુર, કાલુપુર, શાહપુર અન ખાડિયા વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે.

આ અંગે માહિતી આપતા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ જણાવ્યું કે, વધુ 8 પોલીસ કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્ય છે. આ સિવાય અમદાવાદ ક્રાઈમ બ્રાંચના PSI દેસાઈ પણ કોરોનાનો શિકાર બન્યાં છે. આથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. લોકલ ટ્રાન્સમિશનથી ફરજ દરમિયાન તેઓ ભોગ બન્યા હોવાની શક્યતા છે. આમ કુલ મળીને 105 પોલીસને કોરોના થયો છે. જેમાં 41 સ્થાનિક પોલીસ અને બાકીના SRP અને TRB જવાન સહિતના કર્મચારીઓ છે.

પોલીસ કમિશ્નરે વધુમાં જણાવ્યું કે, કન્ટેનમેન્ટ ઝોનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને તકેદારીના ભાગરૂપે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી મદદ લેવાની મનાઈ ફરમાવવામાં આવી છે. કોઈ પણ પાસેથી ચા-પાણી કે ખુરસીની પણ મદદ લેવાની ના પાડવામાં આવે છે.

રાત્રે પણ ટોળે વળીને ગપ્પા મારતા લોકો પર નાઈટ વિઝન ડ્રોનથી નજર
આ બાબતે માહિતી આપતા પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, શહેરમાં લૉકડાઉનના અમલ માટે અત્યાર સુધી ડ્રોન કેમેરાનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. જો કે હવે રાત્રે પણ લોકડાઉન અને સરકારના જાહેરનામાના અમલ માટે નાઈટ વિઝન ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવશે. જેની સૌ પ્રથમ શરૂઆત શાહપુર વિસ્તારમાં કરી દેવામાં આવી છે. ધીમે-ધીમે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આજ રીતે નાઈટ વિઝન કેમેરાથી સોસાયટીઓમાં ટોળે વળતા લોકો પર નજર રાખવામાં આવશે. આ સિવાય કોટ વિસ્તારમાં ઘોડેસવાર પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

માર્ચ ત્રિમાસિકમાં 4.8 ટકા ઘટી અમેરિકન અર્થ વ્યવસ્થા, 10 વર્ષમાં સૌથી ખરાબ પ્રદર્શન