Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > મોદી-શાહના વિશ્વાસુ ગુજરાતના IPS એકે શર્માને ડીજી ના બનાવાયા

મોદી-શાહના વિશ્વાસુ ગુજરાતના IPS એકે શર્માને ડીજી ના બનાવાયા

0
3558

અનિલ પુષ્પાંગદન, ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એક સમયના અત્યંત વિશ્વસનીય ગુજરાતના સીનિયર આઇપીએસ અધિકારી અરૂણ કુમાર શર્માને કેન્દ્ર સરકારે ડીજીમાં બઢતી આપી નથી. આઇપીએસ એકે શર્મા હાલમાં સીઆરપીએફમાં એડિશનલ ડાયરેક્ટર રેન્કના અધિકારી છે અને તેઓ આગામી જાન્યુઆરી 2021માં વય મર્યાદાને કારણે નિવૃત થવાના છે.

કેન્દ્ર સરકારે 1987 બેન્ચના આઇપીએસ અધિકારીઓને એમપેનલ કર્યા બાદ આ બેન્ચના આઇપીએસ અધિકારીઓને ડીજી રેન્કમાં બઢતી આપી હતી. આશ્ચર્યની વાત એ છે કે ગુજરાત કેડરના 1987 બેન્ચના એડિશનલ ડીજી રેન્કના સીનિયર આઇપીએસ અધિકારી અરૂણ કુમાર શર્માને કેન્દ્ર સરકારે ડીજી બનાવ્યા નથી. કેન્દ્રમાં 1987 બેન્ચના આઇપીએસ અધિકારીઓ ડીજી બની ગયા છે પરંતુ અરૂણ કુમાર શર્માને ડીજીમાં બઢતી ના આપતા ઘણા આઇપીએસ અધિકારીઓને નવાઇ લાગી છે. કારણ કે, આઇપીએસ અરૂણ કુમાર શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના અત્યંત વિશ્વાસુ અધિકારી હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આઇપીએસ એકે શર્મા મહેસાણા જિલ્લાના એસપી હતા. મોદી વિધાનસભાની પ્રથમ ચૂંટણી રાજકોટથી લડ્યા ત્યારે એકે શર્માને મહેસાણાથી બદલી કરીને રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાંથી સૌ પ્રથમ અરૂણ કુમાર શર્માને કેન્દ્રમાં પ્રતિનિયુક્તી પર લઇ ગયા હતા અને સીબીઆઇમાં જોઇન્ટ ડાયરેક્ટર બનાવ્યા હતા પરંતુ ગુજરાતના જ સીનિયર આઇપીએસ રાકેશ અસ્થાના સાથેના ઝઘડાના કારણે તે જ સમયના સીબીઆઇ ડાયરેક્ટર અરૂણ કુમાર શર્મા અને રાકેશ અસ્થાના સામ સામે આવી ગયા હતા અને એક બીજા ઉપર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા, જેના કારણે આ ત્રણેય સીનિયર આઇપીએસ અધિકારીઓને સીબીઆઇમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ અરૂણ કુમાર શર્માને સીઆરપીએફમાં એડિશનલ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. હાલમાં તેઓ દિલ્હી સીઆરપીએફ હેડક્વાર્ટરમાં ફરજ બજાવી રહ્યા છે.

આ પણ વાંચો: સિવિલ કિડની હોસ્પિટલનું ઓપરેશન થિયેટર આગમાં ખાખ : ફાયર સેફ્ટી સિસ્ટમ બંધ!

ગુજરાતના આઇપીએસ અરૂણ કુમાર શર્મા મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજકીય ઓપરેશનો આ અધિકારી જ પાર પાડતા હતા તેવુ ચર્ચાતુ હતું. તેમનો દબદબો એટલો હતો કે, ગુજરાતના સીનિયર અધિરકારીઓ તેમનાથી ગભરાતા હતા. એવુ કહેવાતુ હતું કે, અરૂણ કુમાર શર્મા પાસે ગુજરાતના તમામ આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની કુંડળી રહેતી હતી અને તેના આધારે જ તેઓ ઉપરથી જે આદેશો આવતા હતા તે પ્રમાણે કામ કરતા હતા. એકે શર્મા ગાંધીનગર રેન્જ આઇજી તરીકે પણ રહ્યા હતા અને આઇબીમાં ઘણો લાંબો સમય સુધી પણ રહ્યા હતા તેમ છતા તેમણે ડીજીમાં બઢતી નહી મળવાનું કારણ સીબીઆઇમાં થયેલી નારાજગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.