Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > મોદી સરકાર લાવશે WhatsApp જેવી એપ, જાણો શું હશે ખાસ?

મોદી સરકાર લાવશે WhatsApp જેવી એપ, જાણો શું હશે ખાસ?

0
431

ફેસબુકની માલિકી ધરાવતી Whatsapp એપ સામે તમારે કોઈ ફરિયાદ હોય તો હવે તમારા માટે એક ખુશખબર છે. ભારત સરકાર Whatsapp જેવી એક નવી એપ તૈયાર કરવા જઈ રહી છે. આ એપનો ઉપયોગ સરકારી એજન્સીઓની વચ્ચે કમ્યૂનિકેશન કરવા માટે થવાનો છે. એક રિપોર્ટ અનુસાર, સરકારના એક વરિષ્ઠ અધિકારીએ આની જાણકારી આપી છે.

આ અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષાની દ્રષ્ટીએ આપણી પાસે ઈ-મેલ અને મેસેજિંગની સિસ્ટમ હોવી જોઈએ, જે વિદેશી કંપનીઓ પર નિર્ભર ના રહે. સરકારી કર્મચારીઓ માટે આવી સિસ્ટમ તાત્કાલીક ઉભી કરવી જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ વાતને લઈને ચર્ચાઓ થઈ રહી છે. આપણી પાસે સત્તાવાર સંચાર માટે એક સુરક્ષિત અને સ્વદેશી રૂપે વિકસિત એક નેટવર્ક હોવું આવશ્યક છે. Whatsapp જેવી એક સરકારી એપ બનાવવાની વાત ચાલી રહી છે.

સરકાર વિચારી રહી છે કે, જેના પર સરકાર વાત કરે છે તે ડેટા સંપૂર્ણપણે ભારતમાં સંગ્રહિત થાય. અધિકારીએ આગળ જણાવ્યું કે, શરૂઆતમાં આ પ્રકારના એપ્લિકેશનનો ઉપયોગ સરકારના સંદેશા વ્યવહાર માટે કરવામાં આવશે અને જો સફળ થાય તો તે સામાન્ય માણસને આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સરકારની આ યોજનાના સમાચાર એવા સમયે સામે આવ્યા છે, જ્યારે જાસૂસીનો આરોપ મૂકીને અમેરિકાએ હુવાવેને પોતાના દેશમાં બ્લેક લિસ્ટ કરી છે. આ ઉપરાંત ગૂગલ, ઇન્ટેલ અને ક્યુઅલકોમ જેવી કંપનીઓએ પણ હુવાવેને ટેકો આપવાનું બંધ કર્યું છે.