Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: લૉકડાઉનનો અમલ કરાવવા ગયેલી પોલીસ પર ટોળાનો હુમલો

અમદાવાદ: લૉકડાઉનનો અમલ કરાવવા ગયેલી પોલીસ પર ટોળાનો હુમલો

0
1707

અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે જીવલેણ વાઈરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે 17-મે સુધી લાગૂ લૉકડાઉનનું ચુસ્ત પણ પાલન કરાવવા માટે પોલીસના જવાનો જીવના જોખમે ફરજ બજાવી રહ્યાં છે. આવા સંકટના સમયે પોલીસ જવાનો પર હુમલાની ઘટના અમદાવાદમાંથી સામે આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના રખિયાલ-આંબાવાડી ચાર રસ્તા નૂરનગર પાસે રાત્રે લોકો ટોળાં કરીને ઉભા હોવાનું પોઇન્ટ પર હાજર પોલીસ જવાનોના ધ્યાને આવ્યું હતું. આથી પોલીસની ટીમે સ્થળ પર જઈ સમજાવવાનો પ્રયાસ કરતા ટોળાંએ તેમની પર કાંચની બોટલો અને પથ્થરો ફેંકી હુમલો કર્યો હતો.

જે બાદ પોલીસ જવાનોએ કંટ્રોલમાં ફોન કરી મદદ માંગતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. જોકે આરોપીઓએ પોલીસના કાફલા પર પથ્થરો ફેંકી હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસે એક આરોપી રોડ પર પડી જતા તેને ઝડપી પાડ્યો હતો. આરોપી ખલીલને કપાળે સામાન્ય ઇજા તેમજ હોમગાર્ડ જવાન કમલેશ લેઉવાને ઈજાઓ પહોંચી છે.

હાલ રખિયાલ પોલીસે ટોળાં વિરુદ્ધ સરકારી કર્મચારી પર તેની ચાલુ ફરજ દરમિયાન હુમલો અને રાયોટિંગની કલમ મુજબ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (File Photo)

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.