Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ગુજરાતના રજીસ્ટર્ડ ઓફ કંપનીઝ એમકે સાહુની ચોરીના આરોપીઓ સાથે સાંઠગાંઠ

ગુજરાતના રજીસ્ટર્ડ ઓફ કંપનીઝ એમકે સાહુની ચોરીના આરોપીઓ સાથે સાંઠગાંઠ

0
195

અમદાવાદ: ગુજરાતના રજીસ્ટર્ડ ઓફ કંપનીઝ એમકે સાહુની ચોરીના આરોપીઓ સાથે સાંઠગાંઠ હોવાનો પર્દાફાશ થયો છે. સાહૂ પર કરોડોની ચોરીમાં પકડાયેલા અને છ મહિના જેલમાં રહીને આવેલા આરોપીઓને એડવર્ટાઇઝીંગ એજન્સીનું કરોડો રૂપિયાનું કામ આપ્યાનો આરોપ છે. આ આરોપીઓ સામે ગુજરાત હાઇકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે.

કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના ઇન્ડિયન કોર્પોરેટ લો સર્વિસ (ICLS)ના હાલના ગુજરાતના ROC (રજિસ્ટર્ડ ઓફ કંપનીઝ) એમકે સાહુએ એવા આરોપીઓની તરફેણ કરી છે જેની સામે ચોરીના ગુના નોંધાયેલા છે.

2004માં કાલોલ GIDCની કેલિકો પ્રિન્ટિંગમાં 2.5 કરોડની ચોરી

વર્ષ 2004માં પંચમહાલ જિલ્લાના કાલોલ જીઆઇડીસીમાં આવેલી કેલિકો પ્રિન્ટિંગ મિલ્સ નામની કંપનીમાંથી અઢી કરોડની ચોરી થઇ હતી. જેમાં મોર્ડન સેફગાર્ડ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ પર્સનલ સિક્યુરિટી સર્વિસિસ કંપનીના માલિકો ટીવી સિંઘ અને તેમના મોટા પુત્ર જયદીપ સિંહ ચૌધરીના નામ બહાર આવ્યા હતા.

હાઇકોર્ટના આદેશ બાદ મોર્ડન સેફગાર્ડના પિતા-પુત્રની ધરપકડ

આ અંગે હાઇકોર્ટના આદેશ બાદ કાલોલ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂદ્ધ (FIR No 85-2007 court case no 39465/2004) અઢી કરોડની ચોરીનો ગુનો નોંધાયો હતો જેમાં કંપનીના માલિક પિતા-પુત્રની ધરપકડ થઇ હતી. કાલોલની જે કંપનીમાંથી ચોરી થઇ હતી તે ઓફિસ લિક્વિડેટરના કબજામાં હતી. જેમાં મોર્ડન સેફગાર્ડ કંપની સિક્યુરિટીના જવાનો આપતા હતા.

સાહુ અમદાવાદમાં ઓફિસ લિક્વિડેટર હતા

ગુજરાતના રજિસ્ટર્ડ ઓફ કંપનીઝ એમકે સાહુ અગાઉ અમદાવાદમાં ઓફિસ લિક્વિડેટર તરીકે પણ કામ કરી ચુક્યા છે, ઓફિસ લિક્વિડેટરના કબજામાં જે ખાનગી મિલકતો હતી તેનું સિક્યુરિટીનું કામ આપવામાં આવતુ હતું. તેમની અમદાવાદ ઉપરાંત અલ્હાબાદ, ઇન્દોર, જ્યા જ્યા તેમની બદલી થતી હતી ત્યા આ જ કંપનીને સિક્યુરિટીનું કામ આપવામાં આવતુ હતું.

મોડર્ન સેફગાર્ડ સામે 6 કરોડની વસુલીનો આદેશ

સિક્યુરિટી કંપનીના માલિકો વિરૂદ્ધ ચોરીની ફરિયાદ થયા બાદ તેમની કાલોલ પોલીસે ધરપકડ કરી હતી. તેમાં સિક્યુરિટીના જવાનો સરકારી સાક્ષી બની ગયા હતા અને તેમને કોર્ટમાં એવુ નિવેદન આપ્યુ હતું કે તેમના માલિકો જ ચોરી કરતા હતા. હાઇકોર્ટે મોર્ડન સેફગાર્ડ સિક્યુરિટી કંપની પાસેથી છ કરોડની રીકવરી કરવાનો પણ આદેશ આપેલો છે. સિક્યુરિટી કંપનીના આરોપી માલિકો વિરૂદ્ધ ચોરીની ફરિયાદ થતા તેમની કંપનીને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી હતી.

સિક્યોરિટીનો ધંધો બંધ કરી ગ્લોબલ એડવર્ટાઇઝિંગ શરુ કરી

કરોડોની ચોરીમાં પકડાયેલા આરોપીઓએ સિક્યુરિટી સર્વિસનો ધંધો બંધ કરીને ગ્લોબલ નેટવર્ક એડવર્ટાઇઝિંગ પાર્ટનરશિપ ફર્મ ઉભી કરી હતી. આ કંપનીને રજિસ્ટાર્સ ઓફ કંપનીઝ એમકે સાહુ જ્યારે ઓફિસ લિક્વિડેટર હતા ત્યારે બીજી બધી કંપનીઓને બાજુમાં રાખીને આ કંપનીને એડવર્ટાઇઝિંગ માટે એમપેનલ્ડ કરી હતી. આરોપી પિતા-પુત્રને ફરીથી કરોડો રૂપિયાની એડવર્ટાઇઝિંગનું કામ આપવા માટે ખુદ સાહુએ જ તેમને મદદ કરી હોવાના દસ્તાવેજી પુરાવા ગુજરાત એક્સક્લૂઝિવ પાસે છે.

કરોડોની ચોરીમાં મોર્ડન સેફગાર્ડ સિક્યુરિટી સર્વિસિઝ કંપની બંધ થઇ જતા આરોપી પિતા-પુત્રના નાના ભાઇ દેવેન્દ્ર ચૌધરીએ સિક્યુરિટી સર્વિસ કંપની ચાલુ કરી અને તેને ઓફિસ લિક્વિડેટરની મિલકતોની સિક્યુરિટીનું કામ આપવાનું શરૂ કરી દીધુ.

ઓફિસ લિક્વિડેટરનું મુખ્ય કામ તેમના કબજામાં આવેલી કરોડોની ખાનગી મિલકતની ઓક્શનની નોટિસો દેશના મુખ્ય સમાચાર પત્રોમાં છાપવાનું હોય છે. જેના કારણે વધારેમાં વધારે લોકો ઓક્શનમાં ભાગ લઇ શકે આ તેનો મુખ્ય હેતુ છે પરંતુ કરોડોની ચોરીમાં પકડાયેલા આરોપીઓ પાસે જ એડવર્ટાઇઝિંગ એજન્સીનું પ્રોપર્ટી ઓક્શનની નોટિસની રિલીઝનું પણ કામ હોવાથી તેઓ તેમની સાથે જ સંકળાયેલા એક બેનામી વ્યક્તિને ઉભો કરે અને તેમાં આરોપીઓ જ પૈસા લગાવે અને આ મિલકત સસ્તા ભાવે ખરીદે અને પોતાના કાળા નાણા સફેદ કરી નાખતા હોવાનું પણ બહાર આવ્યુ છે. જેમાં બેનામી વ્યક્તિ તરીકે આરોપીઓ ગાંધીનગરના રાહુલ ભારદ્વાજ નામની વ્યક્તિનો ઉપયોગ કરતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યુ છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9