Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ઓછા સમય અને ઓછી તકલીફમાં હાર્ટ સર્જરી એટલે MICS

ઓછા સમય અને ઓછી તકલીફમાં હાર્ટ સર્જરી એટલે MICS

0
10

ગાંધીનગર: ભારત સહિત સમગ્ર દુનિયામાં મૃત્યુ માટે જવાબદાર મુખ્ય કારણોમાં એક કારણ કાર્ડિયોવાસ્ક્યુલર રોગો (CVD) છે. એકલી દવાથી સારવાર ન થઈ શકે એવા દર્દીઓની ઘણી વાર ઓપન-હાર્ટ સર્જરી કરવામાં આવે છે. જોકે ઓપન-હાર્ટ સર્જરી કરવાના વિચાર માત્રથી ભલભલા દર્દીઓ પણ ડરી જાય છે અને ચિંતિત થાય છે, જે માટે હોસ્પિટલમાં લાંબો સમય રહીને સારવાર મેળવવી, ધીમે ધીમે તબિયતમાં સુધારો થવો, સ્કાર અને ઇન્ફેક્શનનું વધારે જોખમ જેવા વિવિધ પરિબળો જવાબદાર છે.

જોકે ટેકનોલોજીમાં પ્રગતિ થવાથી ડૉક્ટરોને દર્દીના હૃદય સુધી પહોંચવાની સરળ રીત મળી છે. તે મિનિમલી ઇન્વેસિવ કાર્ડિયોથોરેસિક સર્જરી (MICS) છે અને એથી ઓપન-હાર્ટ સર્જરીના મોટા ભાગના ગેરફાયદા ઘટાડવામાં નોંધપાત્ર મદદ મળી છે. પ્રમાણમાં નવી સર્જિકલ પ્રક્રિયા MICS કીહોલ કાર્ડિયાક સર્જરી તરીકે પણ જાણીતી છે, જેનું પ્રચલન અપોલો હોસ્પિટલ્સ સહિત સમગ્ર ભારતમાં ગણ્યાં ગાંઠ્યાં કેન્દ્રોમાં તબક્કાવાર રીતે વધી રહ્યું છે, જે MICSની સંપૂર્ણ પ્રોફાઇલ પૂરી પાડે છે.

અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદમાં સીનિયર કન્સલ્ટન્ટ કાર્ડિયોથોરેસિક અને વાસ્ક્યુલર સર્જન ડૉ. સુધીર અદાલ્તીએ કહ્યું હતું કે, “કોરોનરી આર્ટરી બાયપાસ (સિંગલ કે મલ્ટિપલ)ની જરૂરિયાત ધરાવતા દર્દીઓ વાલ્વ રિપ્લેસમેન્ટ કે રિપેર (સિંગલ કે ડબલ વાલ્વ), હૃદયમાં કાણું બંધ કરવા અને ગાંઠો દૂર કરવા માટે ઓપન-હાર્ટ સર્જરીને બદલે MICSની પસંદગી કરી શકે છે.”

તેમણે ઉમેર્યુ હતું કે, ઓપન-હાર્ટ સર્જરીની સરખામણીમાં MICS અનેક ફાયદા ધરાવે છે. ડૉ. અદાલ્તીએ ઉમેર્યું હતું કે,“સૌથી મોટો ફાયદો એ છે કે, ઓપન-હાર્ટ સર્જરીમાં લગભગ 10 ઇંચના છેદ પાડવો પડે છે, જેના બદલે MICSમાં કોઈ પણ હાડકામાં કાપા પાડ્યા વગર 2થી 3 ઇંચના છેદ દ્વારા થઈ શકશે. એનાથી ઘા અને સર્જરી પછી ફેંફસાના ઇન્ફેક્શનની શક્યતાઓ ઘટી જાય છે, ઓછામાં ઓછો સ્કાર રહે છે અને હોસ્પિટલમાં સ્ટે ફક્ત ત્રણથી ચાર દિવસનો થઈ જાય છે.”

એ જ રીતે MICSની પ્રક્રિયામાંથી પસાર થતાં આશરે 50થી 60 ટકા દર્દીઓને લોહી ચઢાવવાની જરૂર પડતી નથી, જેથી ઇન્ફેક્શનનું જોખમ ઘટી જાય છે. MICS ડાયાબિટીસ અને વયોવૃદ્ધ દર્દીઓની હાર્ટ સર્જરી માટે અતિ લાભદાયક છે, કારણ કે તેમને ઇન્ફેક્શન થવાનું સૌથી વધુ જોખમ હોય છે. જોકે કોરોનરી આર્ટરી બાયપાસની જરૂરિયાત ધરાવતા તમામ દર્દીઓ MICSમાંથી પસાર ન થઈ શકે અને કેટલાંક માપદંડોને આધારે કેસ-ટુ-કેસ આધારે ડૉક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવે છે.

અપોલો CVHFના કાર્ડિયોલોજિસ્ટ સર્વિસીસના ડાયરેક્ટર ડૉ. સમીર દાણીએ જોખમકારક પરિબળો સમજાવતાં કહ્યું હતું કે, “ડાયાબીટિસ, બેઠાળું જીવન, તણાવ, ધુમ્રપાન અને મેદસ્વીપણું – કેટલાંક ચાવીરૂપ પરિબળો છે, જેનાથી CVDનું ભારણ વધી રહ્યું છે. ગુજરાતીઓમાં પણ હૃદયરોગનું જોખમ વધારે છે, જે માટે તેમની ભોજનની આદતો, તળેલા અને સ્ટ્રીટ ફૂડ માટે તેમનો પ્રેમ જવાબદાર છે.

હૃદયરોગથી બચવા માટે લોકોએ સ્વસ્થ જીવનશૈલી જાળવવી જોઈએ, ફાસ્ટ ફૂડનું સેવન ટાળવું જોઈએ, ધુમ્રપાન છોડી દેવું જોઈએ, દરરોજ અડધો કલાક કસરત કરવી જોઈએ, ડાયાબીટિસ અને કોલેસ્ટેરોલને નિયંત્રણમાં રાખવા જોઈએ તથા ડૉક્ટરની સલાહ માનવી જોઈએ.”

તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, 40 વર્ષથી વધારે વય ધરાવતી વ્યક્તિઓએ દર વર્ષે હેલ્થ ચેક-અપ કરાવવું જોઈએ. અત્યારે તેમની પાસે આવતા દર્દીઓમાં 60 થી વધુ વયની વ્યક્તિઓની સંખ્યા પ્રમાણમાં વધુ છે. તાજેતરમાં તેમણે 86 વર્ષના દર્દીનું પણ સફળ ઓપરેશન કર્યું હતું.

જ્યારે અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદમાં સીનિયર કન્સલ્ટન્ટ કાર્ડિયોથોરેસિક અને વાસ્ક્યુલર સર્જન ડૉ. સુધીર અદાલ્તી તથા અપોલો હોસ્પિટલ્સના હેલ્થ કેર સર્વિસીસના જનરલ મેનેજર સંદીપ જોષીએ જણાવ્યું હતું કે આ સર્જરી બાયપાસ કરતા થોડી ખર્ચાળ જરૂર છે પણ તેની પાછળ સાધનો, તાલીમ વગેરે પરિબળો કારણભૂત છે. તેની સામે બાયપાસમાં વધુ સમય હોસ્પિટલાઈઝ થવું ઉપરાંત અન્ય કારણો પણ છે. છેલ્લા બે વર્ષમાં ડો. અદાલ્તીએ 200 જેટલા ઓપરેશન અપોલો હોસ્પિટલમાં જ કર્યા છે.

MICS પદ્ધતિથી કોઈ જ ખબર પડતી નથી : મહિલા દર્દી

MICS પદ્ધતિથી ઓપરેશન કરાવનારા દર્દીઓ એક મહિલા દર્દીએ પત્રકારો સમક્ષ પોતાની સ્થિતિ વર્ણવતાં જણાવ્યું કે, આ ઓપરેશન ક્યારે થઈ ગયું તેની મને ખબર સુદ્ધા પડી નથી. આજે પણ કોઈ તકલીફ નથી. અને માત્ર 3 જ દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat