સ્પોર્ટ્સ ડેસ્ક: સાઉદી અરબના પાટનગર રિયાધમાં ફૂટબોલ જગતના બે સૌથી મોટા સ્ટાર વચ્ચે મુકાબલો રમાયો હતો. પેરિસ-સેન્ટ જર્મન (પીએસજી) અને સાઉદી ઓલ સ્ટાર્સ વચ્ચે રમાયેલી મેચમાં પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી ફરી એક વખત મેદાનમાં આમને-સામને હતા. આ મુકાબલામાં મેસ્સીની ટીમ PSGએ સાઉદી ઓલ સ્ટાર્સને 5-4થી હરાવ્યું હતું. મુકાબલામાં બે ગોલ કરવા છતા રોનાલ્ડો પોતાની ટીમને આ મેચ જીતાડી શક્યો નહતો.
Advertisement
વર્લ્ડકપ પછી પ્રથમ વખત મેદાન પર રોનાલ્ડો
ફીફા વર્લ્ડકપ પછી પ્રથમ વખત મેદાન પર ઉતરેલા રોનાલ્ડોએ આ મેચમાં સારૂ પ્રદર્શન કર્યુ હતુ. રોનાલ્ડોએ વર્લ્ડકપ બાદ સાઉદીની ક્લબ અલ નસ્ર સાથે કૉન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો. ટીમે રોનાલ્ડોને મોટી રકમમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ કારણ છે કે પોતાની કરિયરમાં પ્રથમ વખત રોનાલ્ડો કોઇ એશિયન ટીમ માટે રમી રહ્યો હતો. જોકે, આ મેચ એક ફ્રેન્ડલી મેચ હતી પરંતુ આ મેચને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો મેદાન પર પહોચ્યા હતા. આ મેચમાં રોનાલ્ડો અને મેસ્સી સિવાય નેમાર અને એમ્બાપે જેવા સ્ટાર પણ ઉતર્યા હતા, જેમણે તાજેતરમાં ફીફા વર્લ્ડકપમાં પોતાનો જલવો બતાવ્યો હતો.
ફૂટબોલ મેચનો રોમાંચ
આ મેચમાં બન્ને ટીમ તરફથી કુલ 9 ગોલ લાગ્યા હતા. મેસ્સી અને રોનાલ્ડો સિવાય એમ્બાપેએ પણ ગોલ કર્યો હતો. નેમારની વાત કરીએ તો તે ગોલ ફટકારતા ચુકી ગયો હતો. સાઉદી ઓલ સ્ટાર્સ માટે રોનાલ્ડોના 2 ગોલે મેચને રોમાંચક બનાવી દીધી હતી. મેસ્સીએ મેચનો પ્રથમ ગોલ ફટકાર્યો હતો. પ્રથમ હાફની 34મી મિનિટમાં પોર્ટુગલના સ્ટાર ખેલાડીએ પેનલ્ટી દ્વારા ગોલ ફટકારીને મેચને બરાબર કરી દીધી હતી. 43મી મિનિટમાં પીએસજીએ ફરી એક વખત ગોલ ફટકાર્યો હતો. તે બાદ રોનાલ્ડોએ ફરી એક વખત મેચને રોમાંચક બનાવતા પ્રથણ હાફના એકસ્ટ્રા ટાઇમમાં મેચને 2-2ની બરાબરી પર લાવી દીધી હતી. જોકે, મેચના બીજા હાફમાં પીએસજીની ટીમે લીડ લઇને મેચને પોતાના નામે કરી લીધી હતી. PSG અને સાઉદી ઓલ સ્ટાર્સ વચ્ચે રમાયેલી મેચમાં મેસ્સીની ટીમે રોનાલ્ડોના સ્ટાર્સને 5-4ના અંતરથી હરાવ્યું હતું.