Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખે કોરોના દર્દીઓ માટે મેડિકલ પ્રેકટીસની ફરી શરુઆત કરી

ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખે કોરોના દર્દીઓ માટે મેડિકલ પ્રેકટીસની ફરી શરુઆત કરી

0
124

ગાંધીનગર: કોરોનાએ ચોતરફ પોતાની બાહુપાસ ફેલાવીને અસંખ્ય લોકોને જકડી લીધાં છે. રોજ કોરોનાના કેસોમાં વધારો થતો જાય છે. જેના કારણે પ્રજામાં ભય અને ફફડાટ ફેલાતો જાય છે. માત્ર પ્રજામાં જ નહીં પરંતુ પ્રજાના મતોના આધારે પદ પર બેઠેલાં રાજકીય નેતાઓ પણ કોરોનાના દર્દથી કણસતાં દર્દીઓ મતલબ કે પ્રજાની ખબર-અંતર જોવા તો ના જઇ શકે. પરંતુ પોતાના વિસ્તારમાં પણ ડોકાતાં નથી. ત્યારે હાલ ભાજપના કોઇપણ હોદ્દા પર ના હોવા છતાં ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ડો. રૂત્વીજ પટેલે ફરીવાર ડોકટર તરીકેની પ્રેકટીસ શરૂ કરીને દર્દીઓની સેવામાં લાગી ગયા છે. તેમણે કહ્યું કે, આ કાર્યથી મારા આત્માને સંતોષ થાય છે.

કોરોનાના કહેરને પહોંચી વળવા માટે સરકારે એડી ચોટીનું જોર લગાવ્યું છે. ત્યાં સુધી કે સંતો, મહંતોથી માંડીને વેપારીઓ, ઉદ્યોગપતિઓને સાથ- સહકાર માંગ્યો છે. બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ દરેક પદાધિકારીઓથી માંડીને કાર્યકરોને જરૂરિયાતમંદોની સેવામાં લાગી જવા હાકલ કરી છે. ત્યાં સુધી કે ગઇકાલે તા.19મીના રોજ ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમમાં હેલ્પ ડેસ્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જો કે ભાજપે શરૂ કરેલી આ સેવાકીય પ્રવૃત્તિથી પ્રજાને કેટલી મદદરૂપ થઇ તે તો સમય ગયા પછી જ ખબર પડશે. પરંતુ હાલ ભાજપમાં કોઇપણ હોદ્દા પર નહીં હોવા છતાં ભાજપના એકઅદના કાર્યકરની સાથોસાથ વ્યવસાયે ડોકટર હોવાના કારણે ડો. રૂત્વીજ પટેલે કોરોનાના દર્દીની સારવાર શરૂ કરી છે.

ડો. રૂત્વીજ પટેલે ગુજરાત એક્સ્લુઝીવના પ્રતિનિધિ સાથે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે, મે 2009માં વડોદરાની એચ.બી.કે.એસ. મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ.નો અભ્યાસ કર્યો હતો. મેં ઉવારસદ સ્થિત કર્ણાવતી યુનિવર્સીટી તેમ જ તેમની હોસ્પિટલ સાથે જોડાયેલો હતો. ત્યાં સુધી કે સ્ટર્લીંગ હોસ્પિટલમાં પણ મેં ડોકટર તરીકે ફરજ બજાવી હતી.

ડોકટર હોવા છતાં રાજકારણમાં કેવી રીતે પ્રવેશ થયો તે બાબતે તેમણે કહ્યું કે, હું કોલેજમાં જનરલ સેક્રેટરી ( જી.એસ. ) હતો. ઉપરાંત ગુજરાત યુનિવર્સીટીમાં સેનેટ મેમ્બર પણ હતો. ત્યારે ભાજપમાં યુવા મોરચામાં કામ કરતો હતો. જયાં સુધી હું કોષાધ્યક્ષ હતો ત્યાં સુધી ડોકટર તરીકે પ્રેકટીસ કરતો હતો. પરંતુ મારી યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણૂંક કરી, ત્યારથી પ્રેકટીસ બંધ થઇ ગઇ હતી. લગભગ ચાર- સાડા ચાર વર્ષ સુધી હું ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે હતો ત્યાં સુધી પ્રેકટીસ કરી શક્યો ન હતો. હાલ મારી પાસે ભાજપની કોઇ જવાબદારી ના હોવાથી હું ફ્રી હતો દરમિયાનમાં કોરોનાના કેસો વધતાં જતાં મે ફરીવાર પ્રેકટીસ ચાલુ કરી છે. ઉવારસદ સ્થિત કર્ણાવતી હોસ્પિટલમાં હાલ 120 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરવામાં મે સક્રિય ભાગ ભજવ્યો હતો. અને હાલ મેનેજમેન્ટથી માંડીને દર્દીઓની સેવા કરી રહ્યો છું. આ કાર્યથી મને આત્મસંતોષ થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલનનું નામ આવતાં જ લોકોના માનસપટ પર હાર્દિક પટેલ આવી જાય છે. ત્યારે હાર્દિકનું પાટીદારોમાં વર્ચસ્વ વધી જાય તે સ્વાભાવિક છે. ત્યારે ભાજપે પાટીદારોમાં ભાજપને થયેલા ડેમેજ કંટ્રોલ તરીકે ડો. જીતુભાઇ પટેલ તથા ડો. રૂત્વીજ પટેલને મેદાનમાં લાવ્યા હતા. પાછળથી ડો. જીતુભાઇ પટેલે ભાજપને અલવિદા કરીને કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. હાલ તેઓ કોંગ્રેસમાં જ છે. જયારે ડો. રૂત્વીજ પટેલને ભાજપ યુવા મોરચાનું સુકાન સોંપ્યું હતું. તેણે પણ ઘણી સભાઓ ગજવી મૂકી હતી. તે રૂત્વીજ પટેલ વ્યવસાયે ડોકટર છે તેવું ઘણાં ખરાં લોકોને ખબર નહીં હોય. પણ તે હકીકત બિલકુલ સાચી છે. હાલ તેઓ ડોકટર તરીકે દર્દીઓની સેવા કરી રહ્યાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat