Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મેડિકલ કોલેજોની ફીના મામલે કોંગ્રેસ અને સરકાર આમને-સામને

મેડિકલ કોલેજોની ફીના મામલે કોંગ્રેસ અને સરકાર આમને-સામને

0
32
  • સરકારી નાણાંથી ઊભી થતી મેડીકલ કોલેજોમાં તબીબી શિક્ષણ સરકારી ફી ના ધોરણે આપવા કોંગ્રેસની માંગ

  • રાજયની નવસારી, પોરબંદર, રાજપીપળા મેડિકલ કોલેજ જીએમઇઆરએસને સોંપી દેવાનું નક્કી કર્યું

  • વિદ્યાર્થીઓના ખભે બંદૂક ફોડી કોંગ્રેસ રાજનીતિ કરવાનું બંધ કરે: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી

ગાંધીનગર: કેન્દ્ર અને રાજ્યના સરકારી નાણાંથી ઊભી થતી મેડીકલ કોલેજોમાં તબીબી શિક્ષણ સરકારી ફી ના ધોરણે આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રના 60 ટકા અને રાજ્ય સરકારના 40 ટકા નાણાંથી ઉભી થનારી સરકારી મેડીકલ કોલેજો સ્થપાશે તેવુ લોકસભામાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા અને સાંસદ રાહુલ ગાંધી દ્વારા ફેબ્રુઆરી 2020માં પુછાયેલા પ્રશ્નના જવાબમાં મેડીકલ કોલેજ જે તે રાજ્યમાં સ્થાપવા માટે કેન્દ્ર સરકાર 195 કરોડ અને રાજ્ય સરકાર 130 કરોડ ફાળવશે તેવુ જણાવ્યું જે અન્વયે ગુજરાતમાં નવસારી, પોરબંદર અને રાજપીપળા ખાતે ત્રણ મેડીકલ કોલેજો સરકારી નાણાંથી ઉભી થનાર છે. પણ મેડીકલ કોલેજ સ્થાપવા માટેની કેન્દ્ર સરકારની નીતીની વિરુધ્ધ થઈને ગુજરાત સરકારે નવસારી, પોરબંદર અને રાજપીપળા ત્રણેય મેડીકલ કોલેજો ગુજરાત મેડીકલ એજ્યુકેશન રીસર્ચ સોસાયટી (GMERS) ને સોંપી દેવાનુ નક્કી કર્યું છે.

આયોજન પંચના નાણાંથી સ્થપાયેલ મેડીકલ કોલેજોને સોસાયટીમાં તબદીલી કરવાથી સામાન્ય – મધ્યમવર્ગના તેજસ્વી બાળકોને 3.50 લાખ રૂપિયા પ્રતિ વર્ષ ફી ભરવી પડે છે. સરકારી નાણાંથી નવસારી, પોરબંદર, રાજપીપળા ખાતે સ્થપાનાર નવી મેડીકલ કોલેજોને સરકારી રાહે જ સરકારી ફીમાં જ સ્થપાય તે જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે. જિલ્લા / સરકારી હોસ્પીટલો / સિવિલ હોસ્પીટલો / રેફરલ હોસ્પિટલો સરકારી નાણાંથી ઊભી થયેલ છે તો પછી સોસાયટીના નામે મેડીકલ એજ્યુકેશન કેમ મોંઘુ ?

ડો. મનીષ દોશીએ વધુમાં કેન્દ્ર સરકાર 195 કરોડ અને રાજય સરકાર 130 કરોડ અન્વયે સ્થપાનાર મેડીકલ કોલેજો હોય તો પછી તેના ફી ના ધોરણો કેમ પ્રતિવર્ષ 3.50 લાખ રૂપિયા ? સરકારી નાણાંથી ઉભી થયેલ કોલેજો સામાન્ય અને મધ્યમવર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ પાસેથી એમ.બી.બી.એસ. માટે પ્રતિ વર્ષ 3.50 લાખ જેટલી ઉંચી ફી વસુલ કરશે. જે સંપૂર્ણ પણે અન્યાયકર્તા અને ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા માટે પણ વ્યાજબી નથી. ગુજરાતમાં છ સરકારી મેડીકલ કોલેજમાં પ્રતિ વર્ષ 25,000, સરકારી નાણાંથી ઉભી થયેલ જી.એમ.ઈ.આર.એસ. ની 8 કોલેજોમાં 3.50 લાખ અને સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં પ્રતિ વર્ષ 8.65 લાખથી 17 લાખ જેટલી અધધ ફી વસુલવામાં આવી રહી છે.

ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટીમાં (GMERS) મોટા પાયે ગેરરીતિ. ખરીદીમાં ભ્રષ્ટાચાર, બાંધકામમાં ભ્રષ્ટાચાર, નિમણુંકમાં ભ્રષ્ટાચાર. ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટીમાં (GMERS) સંલગ્ન તમામ મેડીકલ કોલેજોમાં નાણાંકીય ગેરરીતી અંગે સત્વરે કેગ દ્વારા ઓડીટ કરવા કોંગ્રેસ પક્ષની માંગ છે.

રાજ્યમાં સરકારી મેડીકલ કોલેજોમાં અધ્યાપકો અને અન્ય કર્મચારીઓ નિમણૂંકમાં રાજ્ય સરકારનું બેજવાબદાર નીતીથી મેડીકલ કોલેજોમાં અધ્યાપકોની 45 થી 55 ટકા જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. મેડીકલ કોલેજોમાં સ્ટાફની અછતથી તબીબી શિક્ષણ અને સંલગ્ન સિવિલ હોસ્પિટલોમાં તબીબી સારવાર પર ગંભીર અસર પડી રહી છે.

વિદ્યાર્થીઓના ખભે બંદૂક ફોડી કોંગ્રેસ રાજનીતિ કરવાનું બંધ કરે: શિક્ષણ મંત્રી

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ છે કે નકારાત્મક રાજનીતિ દ્વારા પાયાવિહોણા આક્ષેપો કરવા ટેવાયેલી કોંગ્રેસ વિદ્યાર્થીઓના ખભે બંદૂક ફોડીને રાજનીતિ કરવાનું બંધ કરે. તબીબી શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ વિદ્યાર્થીઓને અભ્યાસની તક મળે તે માટે રાજ્ય સરકારે વર્ષ 2010માં જીએમઇઆરએસ. સંચાલિત 8 કોલેજોની સ્થાપના કરીને અભ્યાસની તકો પૂરી પાડી છે. આ કોલેજોની મંજૂરી તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા આપવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ ક્યાં જઇને સૂઇ ગઇ હતી. અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જે તકો પૂરી પાડી રહ્યા છે ત્યારે આવા અભ્યાસ વગરના પાયાવિહોણા આક્ષેપો કરે છે તે તદન વાહિયાત અને પાયાવિહોણા છે.

મંત્રીએ ઉમેર્યુ હતુ કે, જીએમઇઆરએસ. સંચાલિત કોલેજોની ફી એ રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલ પ્રોફેશનલ કોલેજો માટે રચાયેલ ફી નિર્ધારણ કમિટી દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. જે એનઆરઆઇ અને સેલ્ફ ફાઇનાન્સ ક્વોટા કરતાં ઘણી ઓછી ફી હોય છે.

તેમણે ઉમેર્યુ કે, આ કોલેજોમાં ભરતી માટે નીટ પરીક્ષાના આધારે જ ભરતી કરવામાં આવે છે. જે એડમીશન કમિટીના ધારાધોરણ અનુસાર હોય છે. આ ઉપરાંત જીએમઇઆરએસ. કોલેજમાં સ્ટાફની નિમણૂંકો પણ રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયેલ નિયમો અને ધારાધોરણના અમલ દ્વારા જ કરવામાં આવે છે. આ કોલેજોના સંચાલક અને ફી અંગેની બાબત હાઇકોર્ટમાં સબજ્યુડીશીયલ મેટર હોઇ કોંગ્રેસે આવા આક્ષેપો કરવા હિતાવહ નથી તેમ તેમણે ઉમેર્યુ હતુ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat