Gujarat Exclusive > દેશ-વિદેશ > હવે ન્યૂઝ કવરેજ કરનારા પણ બન્યા કોરોનાનો ભોગ, મુંબઈમાં 53 મીડિયાકર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ

હવે ન્યૂઝ કવરેજ કરનારા પણ બન્યા કોરોનાનો ભોગ, મુંબઈમાં 53 મીડિયાકર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ

0
169

કોરોના મહામારીની સારવાર કરનારા ડૉક્ટરો અને નર્સો બાદ તેનું કવરેજ કરનારા મીડિયા કર્મચારીઓ પણ હવે તેનો ભોગ બની રહ્યાં છે. મુંબઈમાં ઓછામાં ઓછા 53 મીડિયા કર્મચારીઓમાં કોરોના વાઈરસનું સંક્રમણ મળી આવ્યું છે.

આ અંગે બૃહદ મુંબઈ મ્યુન્સિપલ કોર્પોરેશન (BMC)એ એક નિવેદનમાં જણાવ્યું કે, મહાનગરમાંથી 171 મીડિયા કર્મચારીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાથી 53ના ટેસ્ટ પોઝિટિવ મળી આવ્યાં છે અને તેની સંખ્યા વધી પણ શકે છે. આ મીડિયા કર્મચારીઓમાં રિપોર્ટર, ન્યૂઝ ચેનલના કેમેરામેન અને ફોટો જર્નાલિસ્ટ સામેલ છે.

ગત સપ્તાહે ગુરૂવાર અને શુક્રવારે તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ રવિવારે અને સોમવાર સુધી આવ્યો છે. આ તમામ લોકોને 14 દિવસો માટે એક હોટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પણ સોમવારે આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મીડિયા કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવવો દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે મીડિયા કર્મચારીઓને આગ્રહ કર્યો કે, જ્યારે તેઓ સમાચારના કવરેજ માટે જાય, ત્યારે જરૂરી તકેદારી રાખે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે અને ફેસ માસ્ક અવશ્ય પહેરે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાઈરસની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જ જોવા મળી રહી છે. અહીં અત્યાર સુધીમાં 4666 જેટલા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે, જ્યારે 232 લોકો મોતને ભેટી ચૂક્યાં છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

મહારાષ્ટ્રમાં કોરોનાના 466 નવા કેસ, અત્યાર સુધી કુલ 232ના મોત