નવી દિલ્હી: દિલ્હી મહાનગર પાલિકા (MCD) ચૂંટણીના પરિણામ અને વલણ સ્પષ્ટ થઇ ગયુ છે કે દિલ્હીમાં હવે ડબલ એન્જિનની સરકાર ચાલશે. દિલ્હીની સત્તા પર છેલ્લા આઠ વર્ષથી સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી (AAP)એ MCD ચૂંટણીમાં સારૂ પ્રદર્શન કર્યુ છે. આમ આદમી પાર્ટીએ 129 બેઠક જીતી લીધી છે જ્યારે 4 બેઠક પર આગળ ચાલી રહ્યુ છે. જ્યારે ભાજપે 101 બેઠક જીતી છે અને 4 બેઠક પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસે 8 બેઠક જીતી છે જ્યારે અન્યએ 3 બેઠક મેળવી છે.
પાંચ વર્ષ પહેલા એટલે કે 2017માં ત્રણેય મહાનગરપાલિકામાં કુલ 272 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 181 બેઠક જીતી હતી જ્યારે આમ આદમી પાર્ટીને 49 બેઠક અને કોંગ્રેસને 31 બેઠક મળી હતી. આ વર્ષે પરિસીમન અને ત્રણેય મહાનગરપાલિકાને એક કર્યા બાદ દિલ્હી મહાનગરપાલિકાની કુલ 250 બેઠક પર ચૂંટણી યોજાઇ હતી. દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં 126 બેઠક બહુમત માટે જરૂરી છે.
હવે હાર-જીતના કારણ શોધવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સારા પ્રદર્શન અને તેની ચૂંટણી રણનીતિથી આ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે આપના સંયોજક અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમે વડાપ્રધાન મોદીના જ દાંવથી 15 વર્ષથી દિલ્હી મહાનગરપાલિકામાં સત્તામાં રહેલી ભાજપને સત્તામાંથી બહાર ફેકી દીધી છે. આ ડબલ એન્જિનનો દાંવ છે, જેને વડાપ્રધાન મોદીએ અલગ અલગ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં રમ્યો હતો અને જીત મેળવી હતી.
પીએમ મોદી અવાર નવાર ચૂંટણી સભામાં કહેતા હતા કે ડબલ એન્જિનની સરકારથી વિકાસને વધુ ગતિ આપી શકાય છે. આમ આદમી પાર્ટીએ પણ દિલ્હી મહાનગરપાલિકા સાથે જોડાયેલી સમસ્યાને ખાસ કરીને સાફ સફાઇ અને કચરાની સમસ્યાના સમાધાન માટે આ ચૂંટણી દાંવનું કાર્ડ રમ્યુ હતુ. AAPએ ભાજપ દ્વારા શાસિત એમસીડીની ખામી ઉજાગર કરી હતી અને લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે દિલ્હીમાં ડબલ એન્જિનની સરકાર આવી તો દિલ્હી સમસ્યા મુક્ત બની શકે છે.
દિલ્હી મહાનગરપાલિકામાં છેલ્લા 15 વર્ષથી BJPનું શાસન છે, તેમ છતા શહેરમાં રસ્તા, ગટર, કચરાના ઢગલા અને સાફ સફાઇની સમસ્યા છે. આમ આદમી પાર્ટીએ તેને જ પોતાનો મુદ્દો બનાવ્યો હતો. આમ આદમી પાર્ટીએ ચૂંટણી અભિયાનને કચરાના ઢગલામાં બદલીને દિલ્હીને સ્વચ્છ બનાવવા પર ફોકસ રાખ્યુ હતુ. AAPએ કચરાના મેનેજમેન્ટ અને MCD ઓફિસમાં અલગ અલગ લાઇસન્સ બનાવવા માટે સરકારી ઓફિસના ચક્કર લગાવવાની સમસ્યાને પણ મુદ્દો બનાવ્યો હતો, જે તેની જીત માટે સફળ સાબિત થયુ હતુ.