Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > જો મેયર જ અધિકારીઓ સામે હોય લાચાર, તો પછી જનતાનો તો શું હિસાબ?

જો મેયર જ અધિકારીઓ સામે હોય લાચાર, તો પછી જનતાનો તો શું હિસાબ?

0
741

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રાજ્ય સરકારે મહિલાઓને ૫૦ ટકા અનામત આપી છે. જેથી, દર દોઢ વર્ષે અમદાવાદ શહેરનાં મેયરપદે મહિલા બિરાજમાન થાય છે જેની પાછળનો હેતુ માત્ર મહિલાઓનાં સશક્તિકરણનો છે પરંતુ અહીં વાસ્તવિકતા સાવ અલગ છે. મહિલા દિવસનાં એક દિવસ અગાઉ યોજાયેલી અમદાવાદ સ્માર્ટ સીટી કંપનીની બેઠકમાં મહિલા મેયર બિજલ પટેલે માણેકચોકમાં મહિલાઓ માટે સ્માર્ટ ટોઇલેટ બનાવવા માટે રજૂઆત કરી હતી પરંતુ છેલ્લાં દોઢ વર્ષથી માંગ કરી રહ્યાં હોવા છતાં પણ હજુ સુધી સ્માર્ટ ટોઇલેટ ન બનતા આખરે અમદાવાદ સ્માર્ટ સિટી શેનું? એવી ટકોર મેયરે કરવી પડી હતી.

મહત્વનું છે કે માણેકચોકમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી માટે આવતી હોય છે તેમ છતાં તેમની માટે એક પણ ટોઇલેટની સુવિધા નથી. જેથી મેયરે અધિકારીઓને ટકોર કરતા કહ્યું હતું કે, ‘તમે જો દોઢ વર્ષમાં એક સ્માર્ટ ટોઇલેટ ન આપી શકો તો સ્માર્ટ સીટી શેનું?’ ઉલ્લેખનીય છે કે અધિકારીઓએ હયાત ટોઇલેટમાં કેટલીક વ્યવસ્થાની યોજના બતાવી હતી. તો બીજી બાજુ કેટલાંક અધિકારીઓએ તેમને આ વિસ્તારમાં એક મોબાઇલ ટોઇલેટ વાન મુકી મૂકવાની પણ ઓફર કરી હતી. પરંતુ મેયરે તેઓને એવો પ્રશ્ન કર્યો હતો કે, ‘જો તમારી પત્ની આ વિસ્તારમાં ખરીદી કરવા જાય તો શું તેઓ મોબાઇલ ટોઇલેટનો ઉપયોગ કરશે?’

આ ઉપરાંત આજે મળેલી સ્માર્ટ સીટીની બેઠકમાં પણ સ્માર્ટ સીટીનાં અન્ય પ્રોજેક્ટની કામગીરીને લઇને અનેક સવાલો ઉભા થયા હતાં. આજની બેઠકમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષનાં ધારાસભ્યોએ ઉગ્ર રજુઆત કરતા જણાવ્યું હતું કે, સ્માર્ટ સીટીને નામે કોઇ જ કામો નથી થઇ રહ્યાં. માત્ર વાતો જ થઇ રહી છે કે જે કોઇ કાળે ચલાવી લેવાશે નહીં.

સ્માર્ટ સીટીને નામે સ્માર્ટ કરપ્શન થઇ રહ્યું છેઃ ધારાસભ્ય

જમાલપુરનાં ધારાસભ્યએ કહ્યું હતું કે, ‘સ્માર્ટ સીટી કંપનીમાં અમદાવાદનાં નાગરિકોના પરસેવાના રૂપિયા છે પરંતુ સ્માર્ટ સીટીનાં કરોડો રૂપિયાનાં પ્રોજેક્ટો મંજુર તો કરાય છે પણ તે અંગેની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટી કે સામાન્ય સભામાં મૂકાતી નથી કે જે ગેરકાનુની છે. સ્માર્ટ સીટીનાં નામે સ્માર્ટ કરપ્શન કરાઇ રહ્યાંનો આક્ષેપ તેઓએ કર્યો હતો.’

શું વાત છે! 15 ઓગસ્ટ 2022 સુધીમાં પીરાણા ડુંગર ઇતિહાસ બની જશે, 10 લાખ ટન કચરો થયો દૂર