Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને બદલવા મેયર સહિત ભાજપનાં નેતાઓ થયાં સક્રિય

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને બદલવા મેયર સહિત ભાજપનાં નેતાઓ થયાં સક્રિય

0
517

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસકપક્ષ અને કમિશ્નર વચ્ચે ગજગ્રાહ શહેરનાં ટાઉન પ્લાનિંગ કમિટીનાં ચેરમેનનો ફોન ડે. એસ્ટેટ ઓફીસર દ્વારા ઉપાડવામાં ન આવ્યાં બાદથી શરૂ થયો હતો. જેને લઇને મ્યુનિસિપલ કમિશ્નરની બદલી કરાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યનાં ગૃહમંત્રીને આ મામલે રજૂઆત કરવામાં આવશે.

મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ ડેપ્યૂટી કમિશ્નરને કોંગ્રેસનું આવેદન પત્ર સ્વીકારવાની ના પાડતા મ્યુનિ. ભાજપનાં હોદેદદારો દ્વારા શાસકપક્ષને ન ગાઠતાં એવા કમિશ્નર અને અધિકારીઓ વિરુદ્ધ મુખ્યમંત્રી-ગૃહમંત્રી સહિત મોવડીમંડળનાં નેતાઓ સમક્ષ રજૂઆત કરી સામાન્ય ચૂંટણીનું વર્ષ હોય એવાં સમયમાં સારા નવા કમિશ્નર મુકવા અંગે રજૂઆત કરશે.

આ સાથે જ મ્યુ. કમિશ્નરે બે વર્ષમાં શાસકપક્ષનાં હોદ્દેદારો-ચેરમેનોને વિશ્વાસમાં લીધા સિવાય કરેલા કામોને પણ આ નેતાઓ સમક્ષ મુકાશે એમ શાસકપક્ષનાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મ્યુનિ.માં શાસકપક્ષ અને કમિશ્નર વચ્ચેનો ગજગ્રાહ ટાઉન પ્લાનીંગ કમિટીનાં ચેરમેનનાં ફોન ડેપ્યુટી એસ્ટેટ ઓફીસર દ્વારા રીસીવ ન કરવાની બાબતથી શરૂ થતા ફોન રીસીવ ન કરવાની બાબતે ટીપી કમિટીનાં ચેરમેને મેયરનાં ધ્યાન ઉપર આ વાત મુકતા એ સમયે મેયરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, ‘કલાસ વન હોય કે કલાસ ટુ અધિકારી એમણે કોર્પોરેટરનાં ફોન તો રીસીવ કરવા જ પડશે. આ પછી આ અધિકારી વિરૂદ્ધ ઠપકાની દરખાસ્ત લાવવાની ચીમકી પણ અપાઈ હતી.’

જો કે બાદમાં મેયર બિજલ પટેલનાં અધ્યક્ષસ્થાને સાત ઝોનનાં રોડના કામો અંગેની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પણ મેયરે હાજર રહેલા અધિકારીઓને સ્પષ્ટ કહ્યું હતું કે, ક્યાં રોડની જરૂર છે અને કયાં નવા રોડ બનાવવા એ તમે નકકી ન કરો. દરેક વોર્ડમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર છે. આ કોર્પોરેટરોને નકકી કરવા દો કે કયા વિસ્તારમાં રોડની જરૂર છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિરુદ્ધ શાસક પક્ષ તેમજ વિપક્ષનો વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. શહેરનાં મેયર સહિત ભાજપનાં અન્ય પદાધિકારીઓએ આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતનાં નેતાઓને મળવા માટેનો યોગ્ય સમય માંગ્યો છે. બાદમાં સમય મળ્યાં બાદ તેઓ મ્યુનિ. કમિશ્નર વિજય નહેરા વિરુદ્ધ રજૂઆત કરી ચૂંટણીના વર્ષમાં સારા મ્યુનિસિપલ કમિશ્નરને મુકવાની રજૂઆત કરશે.

જો મેયર જ અધિકારીઓ સામે હોય લાચાર, તો પછી જનતાનો તો શું હિસાબ?