Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ‘મારૂં ગામ-કોરોનામુકત ગામ’ અભિયાન આગામી પખવાડિયા સુધી યુદ્ધના ધોરણે ઉપાડવા CMનું આહવાન

‘મારૂં ગામ-કોરોનામુકત ગામ’ અભિયાન આગામી પખવાડિયા સુધી યુદ્ધના ધોરણે ઉપાડવા CMનું આહવાન

0
25

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સ્થાપના દિવસ 1 લી મે થી ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ અભિયાનનો રાજ્યના 17 હજાર ગામોમાં પ્રારંભ કરાવ્યો હતો. તેમણે નિર્ધાર વ્યકત કર્યો કે, ગ્રામીણ જનશક્તિના સહયોગ અને જનજાગૃતિથી આગામી 15 દિવસ આ અભિયાન યુદ્ધના ધોરણે ઉપાડી આપણે ગુજરાતના હરેક ગામને કોરોનામુકત ગામ કરવા છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સી.એમ. ડેશબોર્ડ માધ્યમથી રાજ્યના ગામોના સરપંચો, જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખો, પદાધિકારીઓ, અગ્રણીઓ અને જિલ્લા પ્રભારી મંત્રીઓ, અધિકારીઓ સાથે મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાનના પ્રારંભ અવસરે ઇ-સંવાદ સાધીને માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે રાજ્યના દરેક ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી, મોટા ખાલી રહેલા મકાનો, મંડળીઓ, પંચાયત ઘર જેવી જગ્યાઓએ જરૂર જણાયે આઇસોલેશન સેન્ટર, કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરવા અને તેમાં શરદી, ખાંસી, સામાન્ય તાવ જેવા લક્ષણો ધરાવતા ગ્રામજનોને આઇસોલેટ કરવા અપીલ કરી હતી. આવા આઇસોલેશન સેન્ટર્સ-કોવિડ કેર સેન્ટરમાં રહેલા લોકોના રહેવા-જમવા તેમજ સ્ટાર્ન્ડડ દવાઓ, વિટામીન-સી, એઝિથ્રોમાઇસીન, પેરાસીટામોલની વ્યવસ્થા ગામના આગેવાનો, યુવાનો ઉપાડી લે એવું આહવાન તેમણે કર્યુ હતું.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ‘મારા ગામમાં કોરોના પ્રવેશવા દેવો નથી’ તેવી નેમ સાથે 10 વ્યક્તિઓની એક કમિટિ બનાવી, તાલુકા-જિલ્લા વિકાસ અધિકારી, PHC, CHCના સહયોગથી ગ્રામજનોનું ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટની વ્યવસ્થા કરી ગામડાંઓમાં કોરોના સંક્રમણ પ્રવેશતું અટકાવી શકાય.

વિજય રૂપાણીએ સૌ ગ્રામજનોને તાકીદ કરી કે 15 દિવસ માટે ગામમાંથી કોઇ બહાર ન જાય કે બહારની કોઇ વ્યક્તિ ગામમાં આવે નહિ તેવી નાકાબંધી કરીએ. એટલું જ નહિ, સરકારે આપેલ નિમંત્રણો-નિયમોનું ચુસ્ત પાલન થાય, ગામ સેનીટાઇઝ પણ થાય તો આ કોરોના સંક્રમણ ગામડાંઓમાં ફેલાતું અવશ્યક અટકશે જ. દરેક ગ્રામજન પોતાના ઘર પરિવાર સાથોસાથ ગામની પણ સામુહિક ચિંતા કરશે અને કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા સોશિયલ ડીસ્ટન્સીંગ, માસ્ક, વારંવાર હાથ ધોવા અને ભીડભાડ ન રાખવી જેવા નિયમો અપનાવશે તો કોરોના સામેની આ બીજી લ્હેરમાં પણ આપણે જંગ જિતી શકીશું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરમાં વધુ લોકો સંક્રમિત બની રહ્યા છે ત્યારે સાવધની હટી તો દુર્ઘટના ઘટી જેવો ઘાટ ઘડાયો છે. ભીડ એકત્રીત કરવી, માસ્ક ન પહેરવું જેવી બેદરકારીને કારણે સંક્રમણ વધુ ઝડપે ફેલાઇ જતું હોય છે આથી ગુજરાતની દરેક વ્યક્તિ પોતાને કોરોનાથી બચાવવાની પ્રતિજ્ઞા કરે તો આખું ગામ અને આખું રાજ્ય કોરોનાથી અવશ્ય બચી જશે.

રાજ્યપાલે વધુમાં કહ્યું કે, કોરોનાની દવાઇ અર્થાત રસી આવી છે પરંતુ જોઇએ એવી કડાઇ-નિયમ પાલનનું શિસ્ત આપણે દાખવી શકયા નથી. આ માટે ગામના સરપંચો, પંચાયતના પદાધિકારીઓ આગળ આવી એક કમિટીનું ગઠન કરી નિયમિત બેઠક કરે અને ‘મારું ગામ કોરોનામુકત ગામ’ અભિયાનને સફળ બનાવે.

તેમણે ઉમેર્યુ કે એન.સી.સી., રેડક્રોસ, એન.એસ.એસ. અને નહેરૂ યુવા કેન્દ્ર જેવા સંગઠનની મદદ લઇ ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ ગ્રામીણ કક્ષાએ માનવબળ ઊભું કરી શકે છે. આ સાથે જ ધર્મગુરૂઓ ધાર્મિક સંસ્થાઓનો પણ કોરોનામુકત ગામ-કોરોનામુકત નગર-શહેર માટે સહકાર મળી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat