Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મારું ગામ કોરોનામુકત ગામ અભિયાનના 48 કલાકમાં જ કેટલાં ગામોમાં કોવિડ સેન્ટર શરૂ થયા ? જાણો…

મારું ગામ કોરોનામુકત ગામ અભિયાનના 48 કલાકમાં જ કેટલાં ગામોમાં કોવિડ સેન્ટર શરૂ થયા ? જાણો…

0
45
  • રાજ્યના 248 તાલુકાના 14 હજાર ગામોમાં 10 હજારથી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ કાર્યરત

  • 1 લાખ પાંચ હજારથી વધુ બેડની સુવિધા સાથેના આ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ

ગાંધીનગર: મારું ગામ, કોરોનામુક્ત ગામ અભિયાનનો સરકાર દ્વારા બે દિવસ પહેલાં જ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાનના 48 કલાકમાં જ ગુજરાતના 248 તાલુકાના 14 હજાર ગામોમાં 10 હજારથી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કાર્યરત થઇ ગયા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રેરણા-માર્ગદર્શનથી ગુજરાત સ્થાપના દિવસ 1લી મે થી સમગ્ર ગુજરાતના તમામ ગામોમાં મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાનનો વ્યાપક ગ્રામીણ જનભાગીદારીથી પ્રારંભ કર્યો હતો.

કોરોના સંક્રમણની આ વિકટ સ્થિતિમાં ગામડાંઓમાં કોરોના સંક્રમણ વધે નહિ તેમજ ગામોમાં વસતા નાગરિકો, પરિવારો કોરોનાથી મુકત સ્વસ્થ રહે તે માટે આ અભિયાન રાજ્યભરમાં એક પખવાડિયા દરમ્યાન લોકભાગીદારીથી પ્રેરિત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ આ અભિયાનનો પ્રારંભ કરાવતાં ગ્રામજનોને પોતાના ગામમાં કોરોનાના અતિ સામાન્ય લક્ષણો ધરાવતા વ્યક્તિઓને કોવિડ કેર સેન્ટર ગ્રામ્યસ્તરે શરૂ કરી ત્યાં સારવાર-આઇસોલેશન માટે ગામે ગામ લોકભાગીદારીથી કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરવાનું આહવાન કર્યુ હતું.

મુખ્યમંત્રી રૂપાણીના આ આહવાનનો મારૂં ગામ –કોરોનામુકત ગામ અભિયાનના શરૂ થયાના માત્ર 48 કલાક એટલે કે બે જ દિવસમાં સારો પ્રતિસાદ મળતાં રાજ્યના 248 તાલુકાની 14,246 ગ્રામ પંચાયતોમાં 10 હજારથી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કાર્યરત થઇ ગયા છે. આ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં કુલ 1 લાખ પ હજારથી વધુ બેડની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ રાજ્યના દરેક ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી, મોટા ખાલી રહેલા મકાનો, મંડળીઓ, પંચાયત ઘર જેવી જગ્યાઓએ જરૂર જણાયે આઇસોલેશન સેન્ટર, કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરવા અને તેમાં શરદી, ખાંસી, સામાન્ય તાવ જેવા લક્ષણો ધરાવતા ગ્રામજનોને આઇસોલેટ કરવા અપીલ કરી હતી.

એટલું જ નહિ, આવા આઇસોલેશન સેન્ટર્સ-કોવિડ કેર સેન્ટરમાં રહેલા લોકોના રહેવા-જમવા તેમજ સ્ટાન્ડર્ડ દવાઓ, વિટામીન-સી, એઝિથ્રોમાઇસીન, પેરાસીટામોલની વ્યવસ્થા ગામના આગેવાનો, યુવાનો ઉપાડી લે એવું આહવાન પણ તેમણે કર્યુ હતું.

આ અપીલને પગલે ગ્રામ્ય કક્ષાએ સરકારી શાળા, કોમ્યુનીટી હોલ, સમાજવાડી, હોસ્ટેલ કે સરકારી મકાન જેવા બિલ્ડીંગ સ્થળોનો ઉપયોગ કરીને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં તાલુકા વિકાસ અધિકારી અને ગામના અગ્રણીઓની 10 વ્યક્તિઓની સમિતિને લોકભાગીદારીથી જોડી વધુને વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરવામાં આવી રહ્યા છે.

તદઅનુસાર, રાજ્યના ગ્રામ વિકાસ વિભાગે 33 જિલ્લાઓ અને તાલુકા કક્ષાએ તંત્ર વાહકોને પ્રેરિત કરીને આ અભિયાન શરૂ થયાના માત્ર 48 કલાકમાં જ 246 તાલુકામાં 10320 કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરીને 1 લાખ પાંચ હજારથી વધુ બેડની સુવિધાઓ જરૂરતમંદ ગ્રામીણ નાગરિકો માટે ઊભી કરી દીધી છે.

આ 10320 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં ડાંગ જેવા દુર્ગમ આદિજાતિ વિસ્તારમાં 83 સેન્ટર્સમાં 1242 બેડ માંડીને ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તાર બનાસકાંઠામાં 897 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ 6400 પથારીની સુવિધા સાથે ઊભા કરવામાં આવ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat