રોયલ્ટી વગર રેતી ખનનમાં વપરાતા વાહનો પૂરપાટ ઝડપે જતાં હોવાથી અકસ્માતના ઘણા બનાવો બને છે: મનસુખ વસાવા
રેતી માફિયા તથા મોટા રાજકીય નેતાઓની મીલીભગતને કારણે રાજ્યના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરી શકતા નથી: મનસુખ વસાવા
વિશાલ મિસ્ત્રી, રાજપીપલા: ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ફરીથી એક વાર રેતી માફીયાઓ વિરૂદ્ધ મોરચો માંડયો છે. એમણે કેન્દ્ર સરકારના જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલને પત્ર લખી રજુઆત કરી છે કે ગુજરાતના નર્મદા નદી કિનારે રેતી માફીયાઓ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરે છે.એમણે એવો આક્ષેપ પણ લગાવ્યો છે કે રેતી માફિયાઓને રેતી ખનનમાં મોટા રાજકીય નેતાઓનો પણ સાથ છે.
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ લખેલા પત્રમાં આક્ષેપ કરતાં જણાવ્યું છે કે ગુજરાતના નર્મદા નદીના કિનારે રેતી માફીયાઓ આધુનિક મશીનોથી સરકારી નિયમ વિરુદ્ધ 25 થી 30 ફુટ ખાડા ખોદી રેતી કાઢે છે.જેને લીધે લીલા વૃક્ષો લુપ્ત થઈ રહ્યા છે નર્મદા નદીની સૌદર્ય ખતમ થઈ રહ્યું છે, લોકો એ ખાડામાં ડૂબીને મરી રહ્યા છે.રોયલ્ટી વગર રેતી ખનનમાં વપરાતા વાહનો રસ્તા પરથી પૂરપાટ ઝડપે જતાં હોવાના કારણે અકસ્માતના ઘણા બનાવો બને છે. રેતી ખનનને લીધે આસપાસના લોગોને ઘણી તકલીફ સહન કરવી પડે છે, આસપાસના લોકોએ ઘણાં આંદોલનો પણ કર્યા છે.રેતી ખનનનો મુદ્દો મે સંસદમાં પણ ઉઠાવ્યો હતો, અને કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત સરકારને પત્ર લખી આ મુદ્દે અવગત કર્યા હતા.પરંતુ રેતી માફિયા તથા મોટા રાજકીય નેતાઓની મીલીભગતને કારણે રાજ્યના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરી શકતા નથી.અને જો કોઈ કાર્યવાહી કરે છે તો એ પણ ફકત દેખાવા ખાતર કરે છે. મારી રજુઆત છે કે ગુજરાત વાસીઓ માટે નર્મદા નદી કિનારે થતા ગેરકાયદેસર રેતી ખનન પર તાત્કાલિક રોક લગાવવામાં આવે