Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મંજૂલા શ્રોફની DPS સ્કૂલને રાહત, CBSEનું જોડાણ અને માન્યતા રદ કરવાનો સરકારનો નિર્ણય હાઇકોર્ટે ફગાવ્યો

મંજૂલા શ્રોફની DPS સ્કૂલને રાહત, CBSEનું જોડાણ અને માન્યતા રદ કરવાનો સરકારનો નિર્ણય હાઇકોર્ટે ફગાવ્યો

0
173

અમદાવાદ: હાથીજણ વિસ્તારમાં આવેલી મંજૂલા પૂજા શ્રોફની DPS સ્કૂલ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં છે. જોકે, ગુજરાત હાઇકોર્ટે DPS અને તેમાં ભણતા બાળકો માટે થોડા રાહતના સમાચાર આપ્યા છે. હાઇકોર્ટે DPSની માન્યતા રદ કરવાનો નિર્ણય ગેરબંધારણીય, ગેરકાયદે અને કુદરતી ન્યાયના સિદ્ધાંતથી વિપરીત હોવાનું જણાવી CBSE સાથે જોડાણ માન્યતા રદ કરવાનું જણાવી સરકારનો નિર્ણય ફગાવી દીધો હતો.

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવે DPSનું CBSE સાથે જોડાણ પાછુ ખેચી લેવાના અને DPEO દ્વારા માન્યતા રદ કરવાના આદેશને હાઇકોર્ટે બંધારણની કલમ 14નો ભંગ કરતો હોવાથી કુદરતી ન્યાયના વિપરીત ગણાવ્યો છે. આ ઉપરાંત આ નિર્ણય ગેરકાયદે હોવાથી તેને રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટે CBSE અને રાજ્ય સરકારને 16 અઠવાડિયામાં DPSની માન્યતા સંદર્ભે નવેસરથી નિર્ણય લેવાનો અને ત્યા સુધી શાળાનું સંચાલન DPS સોસાયટી દિલ્હીના વહીવટકર્તાઓને સરકારના ઉચ્ચ અધિકારીના નેજા હેઠળ ચાલુ રાખવાનો નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે આ આદેશ પર મનાઇહુકમ ફરમાવવાની સરકારની માંગ પણ ફગાવી હતી.

જસ્ટિસ બિરેન વૈષ્ણવે ચુકાદામાં નોંધ્યુ કે DPS- પૂર્વની માન્યતા અને જોડાણ રદ કરવાનો CBSE અને DPEOનો નિર્ણય કુદરતી ન્યાયનો સિદ્ધાંત, ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ અને RTE એક્ટની જોગવાઇઓનો ભંગ કરે છે. તંત્ર દ્વારા સ્કૂલની માન્યતા રદ કરવાનો નિર્ણય આવ્યો જ્યારે શૈક્ષણિક વર્ષ ચાલુ હતું. માર્ચ 2020ના ત્રણ મહિના પહેલા આવો ગંભીર નિર્ણય લેવામાં આવ્યો હતો. CBSE અને રાજ્ય સરકારે આવી કોઇ ઉતાવળ કરવાની જરૂર નહોતી કેમ કે કોઇ કટોકટીના સંજોગો ઉભા થયા નહતા. 16 નવેમ્બરે મીડિયામાં આવેલા અહેવાલોના આધારે રાજ્ય સરકારે કાર્યવાહી કરી હતી. કોર્ટ એવુ કહેવા માંગતી નથી કે CBSE અને રાજ્ય સરકારને અખબારના અહેવાલોના આધારે કાર્યવાહી કરવાની સત્તા નથી પરંતુ CBSE અને રાજ્ય સરકારે આ સમગ્ર મામલે કાયદા મુજબ અને કુદરતી ન્યાયના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને સંજોગોની ગંભીરતાપૂર્વક તપાસ પણ કરવી પડે. વિદ્યાર્થીઓ પણ શિક્ષણ વ્યવસ્થાનો અભિન્ન અંગ છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે શિક્ષણ વ્યવસ્થાના કેન્દ્ર સ્થાને વિદ્યાર્થીઓ હોવા જોઇએ શૈક્ષણિક સંસ્થા નહી. માત્ર આ આધારે જ સરકાર અને CBSEનો DPSની માન્યતા રદ કરવાનો આદેશ રદ કરવા પાત્ર છે. સાથે જ તેમને કાયદાની પ્રક્રિયા અને કુદરતી ન્યાયના સિદ્ધાંતનો અમલ કરીને નવેસરથી નિર્ણય લેવાની છૂટ પણ આપવામાં આવે છે.

કોરોના વાયરસ સામે જંગ, અમિત ચાવડા-પરેશ ધાનાણીએ 10-10 લાખની ગ્રાન્ટ ફાળવી