Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 59 વર્ષના મામી તથા 25 વર્ષના ભાણીયાએ એકસાથે પરીક્ષા આપી

59 વર્ષના મામી તથા 25 વર્ષના ભાણીયાએ એકસાથે પરીક્ષા આપી

0
106
  • વકીલની સનદ મેળવવા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાતી પરીક્ષા આપી

  • કેન્સર સામે ઝઝૂમતાં હેમલત્તાબેને સારું થતાં જ ફરીવાર પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો

  • ગુજરાતમાંથી 5 હજાર વિદ્યાર્થીઓએ બીસીઆઇની પરીક્ષા આપી

ગાંધીનગર: ભણવા માટે ઉંમરનો કોઇ બાધ હોતો નથી. મોટી ઉંમરે ભણનારા અનેક કિસ્સાંઓ અગાઉ પ્રકાશમાં આવ્યા છે. તે અન્ય લોકો માટે પ્રેરણારૂપ બનતાં હોય છે. આજે પણ એલ.એલ.બી.નો અભ્યાસ પૂર્ણ થયા બાદ વકીલ તરીકેની પ્રેકટીસ કરવા માટેની સનદ મેળવવા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી પરીક્ષામાં 59 વર્ષીય હેમલત્તાબેન પટેલે ભાગ લીધો હતો. એટલું જ નહીં પરંતુ તેઓએ તેમના 25 વર્ષના ભાણીયા ઝીલ કારીઆ સાથે પરીક્ષા આપી હતી.

મતલબ કે મામી-ભાણીયાએ એકસાથે પરીક્ષા આપી હતી. તેમાંય હેમલત્તાબેન તો કેન્સર જેવી બિમારી સામે ઝઝૂમીને સારા થયા બાદ આ ઉંમરે પરીક્ષા આપવાની તૈયારી બતાવી હતી.

એલ.એલ.બી. થયા બાદ ગુજરાત બાર કાઉન્સિલ તરફથી સનદ આપવામાં આવતી હતી. આ સનદ મળ્યા બાદ કોઇપણ વ્યક્તિ વકીલ તરીકે પ્રેકટીસ કરતા હતા. પરંતુ 2010માં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ સનદ મેળવવા માટે પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયના ભાગરૂપે આજે દેશભરમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી.

આ અંગે ગુજરાત બાર કાઉન્સિલના એનરોલમેન્ટ કમિટીના ચેરમેન અનિલ સી. કેલ્લાંએ જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં ગુજરાતમાંથી 5 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આ પરીક્ષા ગુજરાતના ત્રણ કેન્દ્રો અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે લેવાઇ હતી. લોના 20 વિષયમાંથી આ પ્રશ્નપત્ર કાઢવામાં આવે છે. જેમાં પાસ થવા માટે 40 ગુણ ફરજિયાત મેળવવાના રહે છે. આ પરીક્ષા નવ ભાષામાં લેવાય છે. 2010થી પરીક્ષા લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.

આ પરીક્ષામાં અમદાવાદ કેન્દ્ર પરથી અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતાં 59 વર્ષીય હેમલત્તાબેન અંબાલાલ પટેલ પણ હતા. તેઓએ ઓગસ્ટ-2009માં એલ.એલ.બી. પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ 2010થી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સનદ માટેની પરીક્ષા લેવાનું શરૂ થયું હતું. એક વખત પરીક્ષામાં નેગેટીવ પરિણામ આવ્યા બાદ તેઓના બંને દિકરા અજય પ્રફુલ્લભાઇ પટેલ તથા જય પ્રફુલ્લભાઇ પટેલને મળવા લંડન ગયા હતા.

પરિણામે તેઓ પરીક્ષા આપી શક્યા ન હતા. પરત આવ્યા બાદ તેઓ કેન્સર જેવી બિમારીથી ઘેરાયા હતા. મનોબળ મજબૂત ધરાવતાં અને હસમુખા સ્વભાવના કારણે તેઓએ કેન્સર સામે સતત લડત આપીને તેને મ્હાત આપવામાં સફળતાં મેળવી હતી. એક દસકો વીતી ગયા પછી પણ તેમણે ભણવાનું છોડવાના બદલે આજે પણ તેમણે ફરીવાર પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો. તેમને નોટરી બનવાની ઇચ્છા છે.

આ અંગે હેમલત્તાબેન પ્રુફુલ્લભાઇ પટેલે જણાવ્યું કે, ભણવા માટેની કોઇ ઉંમર હોતી નથી. દરેક વ્યક્તિ જીંદગીભર સતત શીખતાં જ રહેતાં હોય છે. પરંતુ તેની સીધી કોઇ પરીક્ષા લેવામાં આવતી નહીં હોવાથી ખ્યાલ આવતો નથી. પરંતુ તે શીખવાના કારણે મળતો લાભ કે ફળ તે પરિણામ જ હોય છે. તેઓ આજે પણ રેગ્યુલર બેથી ત્રણ કલાક વાંચન કરે છે. ભાણીયા સાથે પરીક્ષા આપવાથી મને કોઇ ગ્લાની કે શરમ નથી. ઉપરથી ગર્વ છે કે હું આ ઉંમરે પણ મારા ભાણીયા સાથે પરીક્ષા આપી રહી છું.

આશ્ચર્યની વાત તો એ છે કે, આ હેમલત્તાબેન સાથે પરીક્ષા આપનારા તેમના 25 વર્ષના ભાણીયા ઝીલ મનોજકુમાર કારીઆએ જણાવ્યું કે, મને મારા મામી સાથે પરીક્ષા આપવા જવામાં કોઇ જ છોભ ન હતો. અમે મામી – ભાણીયા સાથે પરીક્ષા આપવા કેન્દ્ર પર ગયા હતા ત્યારે બધાં અમારી સામે જોતાં પણ હતા. પણ અમને તો એકસાથે પરીક્ષા આપવા જવાની મઝા પડી હતી. ઝીલ કારીઆ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ ( જયુડીશીયરી ) ની પરીક્ષા આપવા ઇચ્છે છે. હાલ તે યુ.પી.એસ.સી.ની પરીક્ષાની તૈયારી સાથે એલ.એલ.એમ.નો અભ્યાસ કરી રહ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat