Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મેવાણીની CMને વિનંતી, દલિત સમાજના હિતમાં ‘એક ગામ એક સ્મશાન’ની નીતિ બનાવો

મેવાણીની CMને વિનંતી, દલિત સમાજના હિતમાં ‘એક ગામ એક સ્મશાન’ની નીતિ બનાવો

0
3199

હિતેશ ચાવડા, ગાંધીનગર: જીગ્નેશ મેવાણીએ આજે વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય મુદ્દે અને રાજ્યમાં અનુસૂચિત જાતિના લોકો પ્રત્યે પાળવામાં આવતી આભડછેટ મુદ્દે વક્તવ્ય આપ્યું હતું અને સરકારને સફાઈ કામદારના બદલે રોબોટથી ગટર સાફ કરવા ઓફર આપી હતી.

સતત બે અઠવાડિયાથી ચાલતા ગુજરાત વિધાનસભાના સત્રમાં વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગૃહમાં તેમને ન બોલવા દેવામાં આવતા હોય અને સમય ફાળવવામાં ન આવતો હોવાની રજુઆત વારંવાર મીડિયા સમક્ષ કરી હતી. જેમાં આજે આજે જીગ્નેશ મેવાણીને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સમય ફાળવી બોલવાની તક આપી હતી.

જીગ્નેશ મેવાણીએ રાજ્યમાં દલિતો પર થતાં અત્યાચાર મુદ્દે અને તેને અટકાવવા અટકાયતી પગલાં લેવા ગૃહમાં રજુઆત કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતની અંદર જ્યાં અસ્પૃશ્યતા પળાય છે, જ્યાં પણ દલિતોના વાળ કાપતા નથી, જ્યાં પણ કુવામાંથી પાણી લેવા દેતા નથી, જ્યાં પણ મંદિરમાં પ્રવેશ નથી ત્યાં રાજ્ય સરકાર પ્રોએક્ટીવલી સામે ચાલીને આ અસ્પૃશ્યતા દૂર કરવા જાય અને છતાં પણ જે લોકો અસ્પૃશ્યતા પાળે, એની સામે પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ એક્ટ્ની લાગુ પદતી કલમ મુજબ ગુનો દાખલ થાય.

મેવાણીએ કહ્યું કે, રાજ્યની સરકારને મારા તરફથી ઓફર કરું છું કે, તમે લેખિતમાં બાંહેધરી આપો કે હું જિજ્ઞેશ મેવાણી તમને 11 લાખનું કેરળમાં શોધાયેલું રોબોર્ટ ગીફ્ટ આપવા તૈયાર છું, તમે વાપરવા તૈયાર છો ? સફાઈ કામદારે ગટરમાં ઉતરવું ના પડે, એટલા માટે આ મારી એમને ઓફર છે.

જીગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને કહ્યું કે સર્વ મિત્રની છાપ ધરાવતા વિજયભાઇ રૂપાણી દલિત મિત્ર બને,એક એટ્રોસિટીની ઘટનાની મુલાકાત લે અને આ 15મી ઓગષ્ટ પહેલાં ગુજરાતનું કોઈ પણ એક ગામ અસ્પૃશ્યતા મુક્ત જાહેર કરીને બતાવે.

હવે ગુજરાત પણ મહિલાઓ માટે નથી સુરક્ષિત, 5 વર્ષમાં 97 ગેંગરેપ, અમદાવાદમાં જ બની 15 ઘટના

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના પ્રશંસા કરીને રજુઆત કરી હતી કે ભુપેંદ્રસિંહ ચુડાસમા સાહેબને ગુજરાતના 50 લાખ દલિત સમાજના હિતમાં એક વિનંતી કે, ‘એક ગામ એક સ્મશાન’ની નીતિ બને એવી યોજના લાવો. આ તો મર્યા બાદ પણ આ રાજ્યની અંદર એવી પરિસ્થિતી છે કે, દલિતોને સ્મશાનમાં એક જગ્યાએ એક લાકડે બાળવા માટે તૈયાર નથી. તમે એક ગામ એક સ્મશાનની નીતિ લાવો તો સામાજિક ન્યાય મળે.